ન્હાના ન્હાના રાસ/વડલો

← લોક-લોકના રાસ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
વડલો
ન્હાનાલાલ કવિ
વનનાં આમંત્રણ →



વડલો

વડલો વનશોભાનો રાજવી રે !
વડલો સાયરસરને તીર જો;
વડલો ઘટાગુફાઓથી ડોલતો રે,
વડલો, મેઘ શો, ઘેરગમ્ભીર જો:
વડલો ગુણગરવો ગોરંભતો રે.

ચાર-ચાર માંડી દિશાઓ દિગન્તમાં રે,
ચાર-ચાર માંડ્યા ખંડ આ લોક જો;
ચાર-ચાર મારગ વનવન વીંધતા રે,
સહુના સંગમ વડને ચોક જો:
વડલાની કુંપળીએ વેદ ચારે લખ્યા રે

વડલાને ગોખ કાંઈ કોકિલા ટ્‍‍હૌકા ઝીલે રે,
વડલાની ડાળીએ મોરલા ઝૂલે જો;
વડલાને છાંયડે તપસી તપસ્યા તપે રે,
ગોપ કો વાંસળી વાતાં ભૂલે જો:
વડવાઈની જાળીઓ ભૂલભૂલામણી રે.

ધોમ ધખ્યા, ને પિયાવા માંડિયા રે,
પન્થી આવે-આવે, ને જાય જો;
વિસામે ઘડિયેક કાંઈ વિરમે રે,
મીઠડાં પાણી, પ્રારબ્ધ શાં, પાય જો:
જોગન્દર વડલો જોગસમાધિમાં રે.


જાણે ચન્દરવો વનચોકનો રે,
જાણે વનહરિયાળીનો થાળ જો ;
જાણે ઘુમ્મટ વનમન્દિરનો રે,
જાણે કલ્પવૃક્ષની કો ડાળ જો:
વડલે ફૂટે ફુવારા તેજના રે.

લટકે લહેરાતી જગજૂની જટા રે,
પ્રસર્યાં મૂળ તો પૃથ્વિપુરાણ જો;
પાંદડે-પાંદડે પગલાં કાળનાં રે,
વડલો ભાખે ત્રિકાળની વાણ જો:
વડલો વનવનના રાસા ભણે રે.

વડલો વનલક્ષ્મીનો રાજવી રે,
વડલો જગવાડીનો જોગેશ જો ;
વડલો વિધિવાવ્યો છોડ ભાગ્યનો રે;
જગનો વડલો ભારતદેશ જો:
જગવડલા ! શોભાવી જગ શોભજે રે.