ન્હાના ન્હાના રાસ/વનનાં આમંત્રણ

← વડલો ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
વનનાં આમંત્રણ
ન્હાનાલાલ કવિ
વસન્તની વસન્તિકા →



વનનાં આમન્ત્રણ

વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !
પુરને મહેલ શી ઉણપો હશે ?
લીલમલીલી એ કુંજો ઘેરાય, ત્ય્હાં
એવી વિરાટની વિભૂતિ શી વસે ?
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનમાં કોયલડી ટહુકે, સાહેલડી !
પુરમાંની મેના તો પીંજરે પડી ;
વનમાં કો ગોપિકા ગાજે ગગન ભરી,
પુરમાં પટરાણીઓ રમણે ચ્હડી :
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વન માંહિ કેસરીની કેસર, સાહેલડી !
પુરમાં કિરીટીનાં કિરણો સ્ફુરે ;
વનમાં વૈરાગ્ય ને વિલાસ છે સોહામણા,
પુરમાં સુવર્ણનાં સ્વપ્નાં ઉરે :
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનમાં સરોવર ઘેરાં, સાહેલડી !
પુરનાં તો કુંડ કાંઈ છાછરછલ્લા ;
વનમાં શકુન્તલા, ને વન માંહિ રાધિકા,
પુરમાં તો કુબજાનાં કામણ, ભલા !
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !


વન કેરા આંબલા મ્હોયાં, સાહેલડી !
પુરમાં કટોરાઘાટ કુંડાં ઉભાં ;
વનમાં જોગી જહાંગીરી માણે, સખિ !
પુરમાં ગરીબીનાં દિલડાં દૂભ્યાં :
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનમાં તપોવને તપસી, સાહેલડી !
પુરમાં વણિક કાંઈ વણજે ખીલ્યા
વનમાં તો વિશ્વનો વિહારી વિહારે, ને
પુરમાં મનુષ્યની ઝળકે કલા :
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !
પુરનાં યે પુણ્યપાપ ઓછાં નથી :
વનની મઢૂલીમાં સીતા ને રામજી,
રમશું ત્ય્હાં વનની કથાઓ કથી :
ચાલો, વનવનની કથાઓ કથી :

વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !