ન્હાના ન્હાના રાસ/વિશ્વ વધાવા
← વસન્તરંગ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ વિશ્વ વધાવા ન્હાનાલાલ કવિ |
વિહંગરાજ → |
વિશ્વ વધાવા
આવ્યાં જગતનાં ન્હોતરાં, ચાલો વિશ્વ વધાવા ;
નયણાં આ ઢળી ઢળી જાય
વિશ્વનો રાજ વધાવા.
આવ્યાં ગગનનાં ન્હોતરાં, ચાલો વિશ્વ વધાવા ;
આતમ આ ઉડું ઉડું થાય
વિશ્વનો રાજ વધાવા.
પંખીની પાંખમાં પ્રેરણા, ચાલો વિશ્વ વધાવા ;
ઉડવાના એને ઉમંગ,
વિશ્વનો રાજ વધાવા.
માનવપ્રાણમાં ઝંખના, ચાલો વિશ્વ વધાવા ;
આતમઉછાળા અભંગ,
વિશ્વનો રાજ વધાવા.
નથી રે આડચ, નથી આગળા, ચાલો વિશ્વ વધાવા ;
નથી રે સીમાઓને ઘાટ,
વિશ્વનો રાજ વધાવા.
ઉંચે-ઉંચે, આ દિગન્તમાં, ચાલો વિશ્વ વધાવા ;
ઉઘડેઅનન્તની વાટ,
વિશ્વનો રાજ વધાવા.
આવ્યાં અનન્તનાં ન્હોતરાં, ચાલો વિશ્વ વધાવા ;
ઘૂઘવે દિગન્તના ઘાટ
વિશ્વનો રાજ વધાવા.
આતમઆનન્દી હો ! આવજો, ચાલો વિશ્વ વધાવા ;
વિહરે લ્હેરખડે વિરાટ
વિશ્વનો રાજ વધાવા.