ન્હાના ન્હાના રાસ/વિહંગરાજ

← વિશ્વ વધાવા ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
વિહંગરાજ
ન્હાનાલાલ કવિ
વેલના માંડવા →



વિહંગરાજ

તરસ્યા એ વાદળીને તીર,
વિહંગરાજ તરસ્યા ઉડે રે;
સન્ધ્યાના સાગરને નીર
વિહંગરાજ તરસ્યા ઉડે રે.

આભમાં પ્રચંડપૂર ઉછળે છે પાણીડાં;
મનોવેગી વાય ત્ય્હાં સમીર :
વિહંગરાજ તરસ્યા ઉડે રે.

ઘેરાં ઘેરાં ડોલતાં હિન્ડોલ મેઘહોડલાં;
ગર્વઘેલાં, ઘટા શાં ગભીર:
વિહંગરાજ તરસ્યા ઉડે રે.

સાન્ધ્યરંગી સાળુ, મંહી મેઘશ્યામ વાદળી;
રૂપેરી પાલવનાં ચીર,
વિહંગરાજ તરસ્યા ઉડે રે.


આંખડીનાં કિરણકિરણ વરસે કંઈ ફૂલડાં;
વીજળીની વેલ શાં અધીર:
વિહંગરાજ તરસ્યા ઉડે રે.

ઉંડો રાજ! પાંખમાં ભરી અનન્ત પ્રેરણા;
સાગરને નથી સ્હામા તીર:
વિહંગરાજ તરસ્યા ઉડે રે.

સન્ધ્યાના સાગરને નીર
વિહંગરાજ તરસ્યા ઉડે રે.
વીજળીની વેલ શા અધીર
વિહંગરાજ તરસ્યા ઉડે રે.