ન્હાના ન્હાના રાસ/વ્હાલપની વાંસલડી

← વેલના માંડવા ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
વ્હાલપની વાંસલડી
ન્હાનાલાલ કવિ
શતદલ પદ્મ →



વ્હાલપની વાંસલડી

જગમાં વાગી વ્હાલપની વાંસલડી જો!
પુણ્ય ફળ્યાં પૂર્વજનાં સખિ મ્હારે ઓરડે.

સસરા મ્હારા દિનઉગમતા સૂર્ય જો!
સાસૂજી સ્હવારની કુંકુમવાદળી

જેઠ મ્હારા મહાજનના મ્હોવડિયા જો!
જેઠાણી સંસારની રૂમઝૂમ વ્હેલડી.

દીયર મ્હારા સોળ કળાના ચન્દ્ર જો!
દ્‌હેરાણી એ ચાંદલિયાની ચન્દની.

નણદલ મ્હારાં ફૂલફૂલ્યાં ફૂલવાડી જો!
નણદોઇ એ વાડીના રસિયા રાજવી.

વીર મ્હારા અર્જુનના અવતાર જો!
વીરી મ્હારી સુખદુઃખશોભિત જાનકી.


કુંવરી મ્હારી આંબાડાળની કોયલ જો!
કુંવરો મુજ આંબલિયે રમતા મોરલા.

પિયુજી મ્હારા ભવસાગરનું નામ જો!
એ નાવે હું અજબ સૂકાની અલબેલડી.

ઘર મ્હારૂં પ્રભુભર્યું પરમ મન્દિરિયું જો!
ભાંડુ મુજ પ્રભુજીની પ્રગટ લીલાકલા.

જગમાં વાગી વ્હાલપની વાંસલડી જો!
પુણ્ય ફળ્યાં પૂર્વજનાં સખિ ! મ્હારે ઓરડે.