ન્હાના ન્હાના રાસ/શતદલ પદ્મ
← વ્હાલપની વાંસલડી | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ શતદલ પદ્મ ન્હાનાલાલ કવિ |
શરદનાં અજવાળિયાં → |
શતદલ પદ્મ
ન્હાના ન્હાના રાસ
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ;
શોધી રસકુંજ જ્યાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ,
દેઠો ન દુનિયાં ફોરેલો;
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
પાંખડી પાંખડી પૂરેલો;
ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો
પંખીડે પંખીડે પોઢેલો:
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
અડઘેરી પાંદડીઓ વીણતમાં વેરી, ને
આસવ ડોળિયો અમોલો:
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
જીવન પરાગ જગતઘેલો:
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.