ન્હાના ન્હાના રાસ/સન્દેશ કહેજો

← સખિ! એની જોડલી નથી ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
સન્દેશ કહેજો
ન્હાનાલાલ કવિ
સન્ધ્યાને સરોવરે →



સન્દેશ કહેજો

વીજવેગી પાંખનાં પંખીડાં! સન્દેશ કહેજો;
આશાની નદીઓને ઘાટઃ સન્દેશ કહેજો.
વલખી-વલખીને વિજોગિયાં, સન્દેશ કહેજો;
વ્હાલાંની નિરખે જ્ય્હાં વાટઃ સન્દેશ કહેજો.

'વિશ્વ ભરી, ઝમકે છે ખંજરી, સન્દેશ કહેજો;
ઉર-ઉરમાં ગાજે એ નાદઃ સન્દેશ કહેજો.
ભૂખ્યાં-તરસ્યાંને યે ઠારશે, સન્દેશ કહેજો;
વ્હાલપના વિરલા વરસાદઃ સન્દેશ કહેજો.

'ઝૂકી ગગન કેરી ઝાડીઓ, સન્દેશ કહેજો;
ઢાંકે અગમ્યના એ ભેદઃ સન્દેશ કહેજો.
અમૃતનો ચાંદલિયો ઉગશે, સન્દેશ કહેજો;
કરશે અન્ધારના ઉચ્છેદઃ સન્દેશ કહેજો.

'આંખડી ઉઘાડતાં ત્ય્હાં આવતાં, સન્દેશ કહેજો,
નેણલાંમાં નાચતાં નગીનઃ સન્દેશ કહેજો.
ગહરી ગહનતાને આંગણે, સન્દેશ કહેજો;
વાગે વિધાત્રીનાં જો! બીનઃ સન્દેશ કહેજો.

મીઠું મીઠું મર્માળું બોલજો, સન્દેશ કહેજો;
પડઘો એ ઝીલશે વિરાટઃ સન્દેશ કહેજો.
પ્રેમવેગી પાંખનાં પંખીડાં! સન્દેશ કહેજો;
હૈયાની નદીઓને ઘાટઃ સન્દેશ કહેજો.