ન્હાના ન્હાના રાસ/સન્ધ્યાને સરોવરે
← સન્દેશ કહેજો | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ સન્ધ્યાને સરોવરે ન્હાનાલાલ કવિ |
હરિની રમણા → |
સન્ધ્યાને સરોવરે
સરોવરે પાણીડાં ગઇ'તી, સાહેલડી!
શરદનું સરોવર હેલે ચ્હડ્યું:
પાળે મ્હેં બેડલું ઉતાર્યું, સાહેલડી!
સન્ધ્યાનું તેજ કાંઈ ગગને પડ્યું:
સરોવરે પાણીડાં ગઇ'તી વિ.
જળ માંહિ મુખ જોઇ મોહી, સાહેલડી!
જલમાં વિધાત્રી જગરેખા આંકે;
જલમાં જગત્પડછાયા ડોલે, કાંઇ
જલનો સાળુ જાણે જગને ઢાંકેઃ
સરોવરે પાણીડાં ગઇ'તી વિ.
સરોવરકાંઠડે મંદિર સાહેલડી!
સાધુસંન્યાસી ત્ય્હાં શિવને જપે;
પંચાગ્નિ ધૂણીઓ ધખાવી, સાહેલડી!
જોગી, વિજોગી શી, તપસ્યા તપેઃ
સરોવરે પાણીડાં ગઇ'તી વિ.
ફરતાં કંઈ ઝાડીઓનાં ઝુંડો, સાહેલડી!
ઊંડાં ઊંડાંણોની કથની કહે;
ઘેરી ઘેરી ઝાડવાની જાળીઓની પાછળે
પુરનો સનાતન સંસાર વહે:
સરોવરે પાણીડાં ગઇ'તી વિ.
ધીમે ત્ય્હાં ચાંદલિયો ઉગ્યો, સાહેલડી!
પોયણે પોયણે પગલાં કીધાં:
ચન્દ્રમા શા પિયુજી પધાર્યા, સાહેલડી!
જીવને વધાવી મ્હેં મીઠડાં લીધાં:
સરોવરે પાણીડાં ગઇ'તી વિ.
ભર્યું-ભર્યું બેડલું ઉપાડ્યું, સાહેલડી!
વ્હાલાનું તેજ મ્હારે વદને પડ્યું;
સરોવરે ઝીલવા ગઇ'તી, સાહેલડી!
પ્રેમનું સરોવર ઝોલે ચ્હડ્યું:
સરોવરે પાણીડાં ગઇ'તી વિ.