ન્હાના ન્હાના રાસ/હરિની રમણા
← સન્ધ્યાને સરોવરે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ હરિની રમણા ન્હાનાલાલ કવિ |
હીંચકો → |
હરિની રમણા
રસની રમણાએ અમે નીસર્યાં રે લોલ;
ભવ્યભાગ્ય અમે બ્રહ્મનન્દિની
આનન્દિની રે લોલઃ
હરિની રમણાએ અમે નીસર્યાં રે લોલ.
કાલકન્દરાની હું તો કાળિકા રે લોલ;
જન્મમૃત્યુ નેણનાં મુજ હાસઃ
બ્રહ્મનન્દિની
આનન્દિની રે લોલઃ
હરિની રમણાએ અમે નીસર્યાં રે લોલ.
લોકલોકની અમે વિધાત્રીઓ રે લોલ;
ઉદયઅસ્ત એ અમારા રાસઃ
બ્રહ્મનન્દિની
આનન્દિની રે લોલઃ
હરિની રમણાએ અમે નીસર્યાં રે લોલ.
આનન્દચૈદશે હું અવતરી રે લોલ;
ઝીલું આનન્દના રસલ્હાવઃ
બ્રહ્મનન્દિની
આનન્દિની રે લોલઃ
હરિની રમણાએ અમે નીસર્યાં રે લોલ.
વિશ્વ વિશ્વના વિહારે વિહરતી રે લોલ;
સજનપ્રલય ખેલિયે ધૂપછાંવઃ
બ્રહ્મનન્દિની
આનન્દિની રે લોલઃ
હરિની રમણાએ અમે નીસર્યાં રે લોલ.