ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આહીરિયા અજાણ

← આવી ગયો સામળો ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
આહીરિયા અજાણ
ન્હાનાલાલ કવિ
આંખડીને વારજો →


૧પ, આહીરિયાં અજાણ





અમે તો આહીરિયાં અજાણ,
સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યાં રે ?

સૂર્યના સોહાગમાં ને ચન્દ્રના પરાગમાં
ફુલડાંના પ્રફુલ્લેલા પ્રાણ;
સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યાં રે ?

ઉગન્તી આશનાં કે આથમી નિરાશનાં
સજ્જનોના આત્મનાં ઉંડાણ:
સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યાં રે ?

સલૂણા સ્હવા૨ની કે શીળી મીઠી સ્હાંજની
પ્રેમીએાના પ્રેમની રસમાણઃ
સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યાં રે ?

પુણ્યના પ્રકાશમાં કે પાપના અન્ધારમાં
હૈયાના રત્ન કેરી ખાણ
સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યાં રે ?


માનવીની મેદની કે ગહન કો એકાન્તમાં
સુન્દરીની આંખડીની આણ
સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યા રે ?]

અમે તો આહીરિયા અજાણ,
સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યા રે !