ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ગુજરાતણના બાણ
← ગહન મોરલી | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ગુજરાતણના બાણ ન્હાનાલાલ કવિ |
ગોરી ગરબે → |
અમ ગુજરાતણના બાણ
સૂરજના કિરણ સમાન રે,
અમ ગુજરાતણના બાણ,
ઝીલજો કે ચતુરસુજાણ રે
અમ ગુજરાતણના બાણ.
રૂપરૂપની એ વેલડ છે,
ગીતગીતની એ ઘેલડ છે,
ફુલડાંના ડંખ સમાન રે
અમ ગુજરાતણના બાણ,
ચૂકવશે દિલના દાણ રે
અમ ગુજરાતણના બાણ
અંબા એને અંગે છે,
કાળિકા કવચ જંગે છે,
સિંહણના ડંખ સમાન રે
અમ ગુજરાતના બાણ,
નમણીનાં નયનની આણ રે
અમ ગુજરાતણના બાણ
પૂર્ણિમા કીકીમાં ઝીલતી,
મધ્યાહ્ન નયનથી ઝરતી
વિધિના કો ડંખ સમાન રે
અમ ગુજરાતણના બાણ,
પડછન્દે પૂરતી પ્રાણ રે
અમ ગુજરાતણના બાણ.
અમ ગુજરાતણના બાણ
♣