ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જગતનો દેવમુગટ

← ચંપેરી જોગિયો ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
જગતનો દેવમુગટ
ન્હાનાલાલ કવિ
જગદીવડીઓ →


પ૬, જગતનો દેવમુગટ
 




જગતનો દેવમુગટ હિમવાન
કાંગરે કાંગરે દેવ વિરાજે એને,
ફરકે છે કાળનિશાન:
જગતનો દેવમુગટ હિમવાન.

દેવમહેલની અટારી સરિખડા ગિરિગિરિના ગુફાશૃંગ,
જોગન્દર પયઘમ્બર વસે ત્યંહા,
શ્રી હરિના અડબંગ
જગતનો દેવમુગટ હિમવાન.

દેશદેશના, પ્રજાપ્રજાના આયુષ ગણતો પ્રચંડ,
સંસ્કૃતિઓના મહાપૂર માપતો
ગિરિવર એ બ્રહ્મદંડ
જગતનો દેવમુમટ હિમવાન.

પૃથ્વિપાટલે વિરાટપગલીનો સુજનસમેનો રેખાઅંક,
મહાકાળની ચ્હડાવી ભ્રુકુટિ ? કે
એ કાલાતીત નકલંક ?
જગતનો દેવમુગટ હિમવાન
પૃથ્વીને ઈન્દ્રધ્વજ હિમવાન,
જગતને દેવમુગટ હિમવાન.