ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઝરમર ઝાંઝરી
← જુગપલટાના રાસ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ઝરમર ઝાંઝરી ન્હાનાલાલ કવિ |
ઝાંઝરી ઝમકે છે → |
૫૯, ઝરમર ઝાંઝરી
ઝરમર ઝાંઝરી અભિરામ
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ
૨, વનમાં ઘડી મર્મર સમીરણના,
ઉપવનમાં સ્ફુરણો પરિમળના,
કોકિલ બુલબુલ આમ્રકુંજમાં
ટહુકે ગીત રસધામ
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ.
૩, શાખ પૂરી ઝઝાનીલ બાજે,
સરિતે પૂરની નોબત ગાજે,
મેઘદુંદુભી ગગને છાજે;
ઘડીના એ સુરગ્રામ,
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ.
૪, મદભર ડગમગ વહે તારલિયા,
નિતનિત નવલું રમે ચાંદલિયા,
ધરી બ્રહ્માંડમુગટ રવિ ઢળિયા;
પી જળગીતના જામ:
નિધિ ! તુજ પી જળગીતના જામ:
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ
૫, અકળ ગહનતા ભણતી લહરીઓ,
અનન્તતાની અખૂટ ઉર્મિઓ;
તુજ જળ કંઈ ઘેરા ગરજે, હો !
પ્રકૃતિમન્ત્રના સામ
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ.
૬, ચંપકવર્ણી ઉષા પધારે,
ચન્દનીચીર નિજ રજની સમારે,
દેવમનુજ તુજ આરે આરે
સુણે શ્યામના નામ-
સદા યે સુણે શ્યામના નામઃ
ત્હારી ઝમકે નિધિ અભિરામ.
ઝરમર ઝાંઝરી અભિરામ
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ.
♣