ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઢોળાતી શરદ
← ઢેલબાનો કન્થ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ઢોળાતી શરદ ન્હાનાલાલ કવિ |
તેજઝૂમખડા → |
આભમાં શરદની ચન્દની ઢોળાણી,
મહિ તારલીઓ ટોળે મળી રે લોલ,
આભમાં સલૂણી એ શરદ ના સમાણી,
કઈ ધરતીમાં છલકાઈ ઢળી રે લોલ.
નિર્મળા અન્તરિક્ષે નિર્મળી ચન્દા,
ને નિર્મળ ચન્દન ઝમ્યાં રે લોલ,
નિર્મળાં–નિર્મળાં નદીઓનાં પાણી,
આતમની આરત સમા રે લોલ.
વ્યોમમા કરચલીઓ પાડી મેધે,
શુ સુન્દરીએ સાળુ ધર્યો રે લોલ,
આભલે-આભલે જાદરજાળી,
મયંક મહિ ચન્દનીભર્યો રે લોલ,
ભર્યા ભર્યા સરોવર દિલડાં શાં ડોલે,
કે પોયણાં ચન્દની ઝીલે રે લોલ;
ઝીણી ઝીણી પગલીઓ વાયુ મહિ પાડે,
ધરતીએ ખોલી હૈયાના ભંડારો
ખેડૂતને આંગણ ઢળ્યા રે લોલ,
વસુધાના આઠે વસુ ને નવે નિધિ
કે અંજલિઓ અર્પી વળ્યા રે લોલ.
ડાળીએ-ડાળીએ ટહુકે મોરા,
નિજ ઢેલને બોલાવતા રે લોલ;
ડોલે એના કલગી કલાપ કેરા તેરા,
જગકુંજને ડોલાવતા રે લોલ.
આભમાં સલૂણી ન શરદ સમાણી,
કટોરી એ ન્હાની જશી રે લોલ;
જગતની વાડીએ કંઈ શરદ ઢોળાણી,
ને જનતાએ ઝીલી હસી રે લોલ;
માનવીને હૈયે એ શરદ ઢોળાણી,
કે આંખડીએ ઝીલી હસી રે લોલ.
♣