← ઢોળાતી શરદ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
તેજઝૂમખડા
ન્હાનાલાલ કવિ
ત્રિલોકના તોરણ →


રપ, તેજઝૂમખડાં




જ્યંહાં આભમાં ધરતી ઢળી જતી, તેજઝૂમખડાં !
જ્યંહાં અનન્ત અનન્તમાં સમાય,
ઉગતાં એ આરે રે તેજઝૂમખડાં !

જ્યંહાં પુણ્યમાં પાપ વેલ ઢળી જતી, તેજઝૂમખડાં !
જ્યંહાં સાત્ત્વિક અજવાળા વાય,
ઉગતા એ આવે રે તેજઝૂમખડા !

જ્યંહાં ધરતીમાં આભઓઘ ઢળી જતા, તેજઝૂમખડાં !
જ્યંહાં પાર્થિવ પ્રગટે પગથાર,
આથમે એ આરે રે તેજઝૂમખડાં !

જ્યંહાં પાપમાં પુણ્યવેલ ઢળી જતી, તેજઝૂમખડાં !
જ્યંહાં ઉતરે આતમમાં અન્ધાર,
આથમે એ આરે રે તેજઝૂમખડાં !