ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દેવ મ્હેં તો દીઠા

← દૂધમાં સાકર ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
દેવ મ્હેં તો દીઠા
ન્હાનાલાલ કવિ
દેવોની કે દાનવની? →


૩૭, દેવ મ્હેં તો દીઠા



વીણું વીણું ને વેરાય છે, દેવ મ્હેં તો દીઠા;
હસવે છલકાય મ્હારી છાબ,
દેવ મ્હેં તો દીઠા,

ફૂલડાંની ક્યારીએ ઉભી હતી, દેવ મ્હેં તો દીઠા;
ફૂલડે ઉભરાય મ્હારી છાબ,
દેવ મ્હેં તો દીઠા.

વીણી સંસારની વાડીઓ, દેવ મ્હેં તો દીઠા;
શણગારી મ્હેં તો દેહછાબ,
દેવ મ્હેં તો દીઠા,

ફૂલડાંના છોડ સમા આવતા, દેવ મ્હેં તો દીઠા;
નિરખી રસજ્યોત રૂપછાબ,
દેવ મ્હેં તો દીઠા.

 મ્હેકયાં મન્દિર, મ્હેકી વાડીઓ,દેવ મ્હેં તો દીઠા;
મ્હેકે એ રૂપ? કે મુજ છાબ ?
દેવ મ્હેં તો દીઠા.

પૂજીશ પ્રેમે પ્રાણ પાથરી, દેવ મ્હેં તો દીઠા;
પૂજીશ આયુષ્યને છાબ,
દેવ મ્હેં તો દીઠા.