ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/નથી આજ કુળનો મોરલો ઝરૂખવે

← ધીમેથી બોલજો ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
નથી આજ કુળનો મોરલો ઝરૂખવે
ન્હાનાલાલ કવિ
નવગીતા ગાજે →


૪૪, નથી આજ કુળનો મોરલો ઝરૂખલે





આજે વસન્તની પૂર્ણિમા, નણંદબા !
જગત થયું ઝાકઝમાળ રે–એ, રે-એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.

પૃથ્વીના પીમળો પાંગર્યાં, નણંદબા !
ઉતર્યા કંઇ આળપંપાળ રે-એ, રે–એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે. ૧

કારતક આવ્યો ને ઘોડા ખેલવ્યાં, નણંદબા !
લાગ્યા સંસારિયાના ભાર રે-એ, રે-એ !
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.

મુંબઈનાં કામણ કારમાં, નણંદબા !
મુંબઈની વરણાગી નાર રે-એ, રે-એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.

વડલાની ડાળ પેલી જળ ઝૂલે, નણંદબા !
નીચે માતાનાં દુવાર ૨-એ, રે-એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે. ૨

ઉજળી હેલે રૂપ નીરખ્યા, નણંદબા !
ઘડૂલો ભરાતો ધીરી ધાર રે-એ, રે-એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે. ૩

ઊંચેરી ડાળે આવી બેસતો, નણંદબા !
મધુરી વાતો વસન્તવેણ રે-એ રે-એ
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.
દુનિયા સરોવરે ડોલતી, નણંદબા !
ડોલતી તમ વીરને નેણ, રે-એ રે-એ
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.

ત્હમે છો ડાહ્યાં ને ડમરાં, નણંદબા !
ધીરજો વીરાને એ ગુણ રે-એ, રે-એ
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.
માણીગર મોડવી પરદેશમાં, નણંદબા !
બાપુનાં ફેડશે ઋણ રે-એ, રે-એ
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.

રમશું આપણ રંગફૂદડી,નણંદબા !
ધરશું માથે વસન્તમ્હોડ રે-એ, રે-એ
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.
અવન્તી પૂર્ણિમા છે ઊજળી, નણંદબા !
પૂરશે રસેશ સૌના કોડ રે-એ, રે-એ
કરમાણાં કોળશે છોડ રે-એ, રે-એ
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.