← પેલે પાર ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
પ્રેમ પરવ
ન્હાનાલાલ કવિ
બ્રહ્મચારિણી →


૩૩, પ્રેમપરવ





જગતે અન્ધારાં ઉતરે, અહો જોગી રે !
સૂની-સૂની સંસારની પાળ, અમર ! ઉરભોગી રે !
ઉચરૂં છું ઉરના ઓરતા, અહો જોગી રે !
મુજને મ્હેલી અન્તરિયાળ; અમર ! ઉરભોગી રે !

પડિયા અનન્તના અન્તરા, અહો જોગી રે !
વચ્ચે ઉતરિયાં આકાશ, અમર ! ઉરભોગી રે !
ફૂટી પડ્યો પેલો સૂર્ય, જો ! અહો જોગી રે !
એવી ભાગી મ્હારીય આશ; અમર ! ઉરભોગી રે !

જોયાં ઝુંડ, જોઈ ઝાડીઓ, અહો જોગી રે !
મ્હેંતો જોયાં ગુફાને પ્હાડ; અમર ! ઉરભોગી રે !
દિન ઉગે, દિન આથમે, અહો જોગી રે !
મ્હારે સૂના વનના મ્હાડ; અમર ! ઉરભોગી રે !

ધૂણી ધખાવીને કય્હાં ગયો ? અહો જોગી રે !
મ્હારે હૈયે ને ઝાળ સમાય; અમર ઉરભોગી રે!



 

ચાલુ હું પલવટ સંકોરતી, અહેા જોગી રે !
કાંઈ જગ સંકોર્યા ન જાય, અમર ! ઉરભોગી રે !

ભરિયા સરોવર લ્હેરતા, અહો જોગી રે !
મ્હોર્યો આબલો ઉભો ઘાટ, અમર ! ઉરભોગી રે !
સ્કન્ધે વેલડ ડોલતી, અહો જોગી રે !
ત્યહાં હું જોઉં છું તારી વાટ,અમર ! ઉરભોગી રે !

આવજે મીઠપ માણવા, અહો જોગી રે !
કાંઈ ઝરજે નેણલે નૂર, અમર ! ઉરભોગી રે !
વાજે ઉરની વાંસળી, અહો જોગી રે !
તું છે નિતનો દૂર અદૂર અમર ! ઉરભોગી રે !

ઘડી ઘડી દીવડો સંકોરતી, અહેા જોગી રે !
મ્હારી ખૂટે ન માઝમ રાત, અમર ! ઉરભોગી રે !
પ્રેમપરવે લઈ આવજે, અહો જોગી રે
ત્હારી જોગી જતીની જમાત અમર ! ઉરભોગી રે !