ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મહેમાન મનગમતા
← મહામાયાનો રાસ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ મહેમાન મનગમતા ન્હાનાલાલ કવિ |
માનવકુળ જાગે છે → |
૧, મ્હારે આંગણ આવ્યા'તા અતિથિ,
રે મહેમાન મનગમતા,
આંખે દીઠા વધાવી આરતીથી
રે મહેમાન મનગમતા
૨, એને છોગલે તેજ કોક રમતા,
રે મહેમાન મનગમતા,
નમણાં નેણમાં દેવભાવ નમતા,
રે મહેમાન મનગમતા.
૩, એની ભમ્મરોમાં ભૂરકી ભરેલી,
રે મહેમાન મનગમતા,
વદને જયપ્રભા વિધાત્રીની વરેલી,
રે મહેમાન મનગમતા.
૪, કીકી કારમા ગીત કોક ગાતી,
રે મહેમાન મનગમતા,
એની મુદ્રામાં મોહિની છવાતી,
પ, જેવા નિર્મળા પરાગ મોગરે છે,
રે મહેમાન મનગમતા,
એવા અંગમાથી આત્મ નીતરે છે,
રે મહેમાન મનગમતા.
૬, એણે भिक्षान्न देहिનો બોલ નાખ્યો,
રે મહેમાન મનગમતા,
કોક અગોચર દેશને દાખ્યો,
રે મહેમાન મનગમતા.
૭, જોગી જાદુ કરીને કય્હાંક ચાલ્યા,
રે મહેમાન મનગમતા,
એક ક્ષણમાં યુગના સન્દેશ આવ્યા,
રે મહેમાન મનગમતા.
♣