ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વસન્તના વાયરા

← લોકલોકના ચોક ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
વસન્તના વાયરા
ન્હાનાલાલ કવિ
વસન્તના સોણલા →


૪૯, વસન્તના વાયરા





૧. પૃથ્વીએ પલવટ પાથર્યા રે;
સૂરજે મરડેલી કોર,
રે ભાભી મોરી ! વાયા વસન્તના વાયરા રે.
બોલે છે કીકીની કોકિલા રે
વસન્તના કલશોર,
રે નણદલબા ! વાયા વસન્તના વાયરા રે.

૨, વેલે વેલે ફૂલ ઉઘડ્યા રે,
પાંખડીઓ લહેરાય,
રે ભાભી મોરી ! વાયા વસન્તના વાયરા રે.
કિરણોમાં ઉષ્માની માધુરી રે;
જો જો ! કુંપળ ના કરમાય,
રે નણદલબા! વાયા વસન્તના વાયરા

૩. 'કેવડિયે ગૂંથી છાબડી રે',
એવા સહિયરોનાં રૂપ,
રે ભાભી મોરી । વાયા વસન્તના વાયરા રે.
જેવાં આ તેજ વસન્તનાં રે,
એવાં ઉઘડશે અનુપ;
રે નણદલબા ! વાયા વસન્તના વાયરા રે.

૪, ચન્દ્રની ચમકે વસન્તની રે;
અાંખડલી અંજાય,
રે ભાભી મોરી ! વાયા વસન્તના વાયરા રે
ધીરી પગલીના પરિમળે રે
પાલવડો ઝોલાં ખાય,
રે નણદલબા ! વાયા વસન્તના વાયરા રે.

પ, વાંચો, ભાભી ! ઉરના એારતા રે;
ભાખો ભાભી ! અમ ભાગ્ય;
રે ભાભી મોરી ! વાયા વસન્તના વાયરા રે.
જેવો પૂનમનો ચન્દ્રમા રે,
જેવા સોહાગીના સોહાગ;
રે નણદલબા ! વાયા વસન્તના વાયરા રે.

૬, અજબ રસેશ રાસે રમે રે;
આયુષનાં અમૃત પાય,
રે ભાભી મોરી ! વાયા વસન્તના વાયરા રે.
જીવનજગવતી આ પર્વણી રે,
મોંઘેરાં મન મૂલવાય;
રે નણદલબા ! વાયા વસન્તના વાયરા રે.