ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વસન્તના સોણલા
← વસન્તના વાયરા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ વસન્તના સોણલા ન્હાનાલાલ કવિ |
વસન્તની વાંસળી → |
૧, સોણલાં આવે આયુષ્યની વસન્તનાં;
આજ મ્હારે આયુષ્યદેવનાં પર્વ, રાજ !
સોણલાં આવે અયુષ્યની વસન્તનાં.
આજ મ્હારે આંગણે ઢોળાય તેજ દેવનાં;
તેજ કેરાં કિરણે કિરણે જયગર્વ, રાજ !
સોણલાં આવે આયુષ્યની, વસન્તનાં.
ર, આજ મ્હારે કરમાણી કુંપળો, પાંગરે;
આજ મ્હારે સૂકાં લીલમલીલાં થાય, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.
આજ મ્હારાં સ્વપ્નનાં ઉતરે સંસારમાં;
આજ જગે નવલા પરિમળો વાય, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.
૩, આજ મ્હારે આંબે આંબે મ્હોર મ્હોરિયા;
આજ મ્હારે ઉરમાં બોલે છે સિતાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.
આજ મ્હારે આશાની વેલડ ફોરતી;
આજ મ્હારે ઉડવાં અનન્ત મોઝાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.
૪, સોણલાંનાં સાળુડે છંટાણા રંગછાંટણાં;
સોણલાંનાં ધરતીમાં ઉઘડ્યાં ફૂલ, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તના.
સોણલા સજીવન છાંટે સંસારને;
સોણલાંનાં મનનાં મોતી સમા મૂલ, રાજ !
સોણલા આવે આયુષ્યની વસન્તનાં,
પ, તેજ કેરી અંગુલિ અનન્તને આલેખતી;
કેવી વીતે આજ ને કેવી જશે કાલ, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.
દિશાઓની દ્હેરીએ ચ્હડી સૂર્ય થંભીને
કાળમન્ત્ર લખતો વસુંધરાને ભાલ, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.
૬, સોણલાં બાંધે ત્રિકાળને તોરણો,
સોણલાં સરજે નવા સંસાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.
આજ મ્હારે આકાશ આંગણે ઉતરે;
આજ મ્હારે ઉગે નવસૃજનના સ્હવાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.
♣