ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વસન્તની વાંસળી

← વસન્તના સોણલા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
વસન્તની વાંસળી
ન્હાનાલાલ કવિ
વસન્તમા →


૧૧; વસન્તની વાંસળી





હાં રે જુગ જાગે, રે જુગ જાગે !
હાં રે નવવસન્ત કેરી વાંસલડી વાગે,
રે ! જુગ જાગે.

હાં રે ધર્યા ધરતીએ વસન્તરંગ રૂડલા,
હાં રે નયનનયને ઉગ્યાં વસન્તફૂલડાં,
રે ! જુગ જાગે.

હાં રે આંબે આંબે એ મંજરીઓ મ્હોરી;
હાં રે દેવસુન્દરીની ફોરમો રહી ફોરી,
રે ! જુગ જાગે.

હાં રે તેજઝારીઓએ દેવદેવી આવે;
હાં રે સંજીવનની વસન્તિકા વધાવે,
રે ! જુગ જાગે.

હાં રે સૌ સોહાગિયાં વસન્ત સમાં ખીલજો!
હાં રે જગતલોક ! આ વસન્તજુગ ઝીલજો!
રે ! જુગ જાગે.

હાં ર જુગ જાગે, રે ! જુગ જાગે.