ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વસન્ત લ્યો
← વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ વસન્ત લ્યો ન્હાનાલાલ કવિ |
વ્રજરાજ ! ત્હારી વાંસળિયે → |
૧૦, વસન્ત લ્યો !
આજે વસન્તની પંચમી, વસન્ત લ્યો !
જગતે ઝીલાય દેવનાં અમી, વસન્ત લ્યો !
વેલે વેલે ફૂલ્યાં ફૂલડાં, વસન્ત લ્યો !
નયને નયને તેજ ઉઘડ્યાં, વસન્ત લ્યો !
કિરણો પ્રફુલ્લી કળીઓ થયાં, વસન્ત લ્યો !
નવલા પરાગ પૃથ્વીમાં વહ્યા, વસન્ત લ્યો !
સંજીવન ફોરે છે ફુવારીઓ, વસન્ત લ્યો !
દેવરંગે છાંટી જગતક્યારીઓ, વસન્ત લ્યો !
આત્માની પાંખડીઓ ફરફરે, વસન્ત લ્યો !
ટોડલે બેસીને મેના તરવરે, વસન્ત લ્યો !
અાંગણ અજવાળાં ઉતર્યાં, વસન્ત લ્યો !
હૈયાના રંગ દેહે નીતર્યા, વસન્ત લ્યો !
છાબ ભરી આવી રસમાળણી, વસન્ત લ્યો!
ટહુકે વૈતાલિણી વસન્ત લ્યો, વસન્ત લ્યો!
♣