ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વ્રજરાજ ! ત્હારી વાંસળિયે
← વસન્ત લ્યો | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ વ્રજરાજ ! ત્હારી વાંસળિયે ન્હાનાલાલ કવિ |
સરોવર ઝીલવા ગઈતી, સજનવા → |
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
લખ્યું કંઇ કંઈ આંખડી-આંખડીએ,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ,
લખ્યું હૃદયકમળની પાંખડીએ,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ,
પ્રેમપરિમળ પૂર્યા પરમ કંઈ
નર્તન્તાં ફૂલફૂલડિયે,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
લખ્યું વનની વેલડવેલડીએ,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
ઇન્દ્રરંગ પૂરીને રસમન્ત્રો,
લખ્યા ઘૂમતી રસવાદળીએ,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
લખ્યું રાસરમણ રૂપપૂતળીએ,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
હૈયાવેધણ હૃદયઋચાઓ
અજબસલૂણી લખી વિજળીએ,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
લખ્યુ કંઈ કંઈ તારલી-તારલીએ,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
અભયવચન દીધ જનકુળને,
અમે સાંભળ્યુ એ તો ગોકુળિયે,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
લખ્યું જગપાવન તુજ પાવલિયે,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
♣