ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/સરોવર ઝીલવા ગઈતી, સજનવા

← વ્રજરાજ ! ત્હારી વાંસળિયે ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
સરોવર ઝીલવા ગઈતી, સજનવા
ન્હાનાલાલ કવિ
સરોવરિયા ડોલ્યા →


ર૮, સરોવર ઝીલવા ગઈ'તી, સજનવા!




સરોવર ઝીલવા ગઈ'તી, સજનવા !


સરોવર ઝીલવા ગઈ'તી, સજનવા !
સરોવરે કાળુડો નાગ, રાજ !
સરોવર ઝીલવા ગઇ'તી, સજનવા !

નાગને માથે હીરલો, સજનવા !
હીરલે મનડું મોહ્યું, રાજ !
સરોવર ઝીલવા ગઈ'તી, સજનવા !

તેજમાં દેહ કાંઈ ચમકે, સજનવા !
નેણમાં નીલમની જ્યોત, રાજ !
સરોવર ઝીલવા ગઇ'તી, સજનવા !

જૂઠાં એ તેજ, ને જૂઠો એ હીરલો;
હૈયે હલાહલ ઝેર, રાજ !
સરોવર ઝીલવા ગઇ'તી, સજનવા !

મોરલી લઈને આવજે, સજનવા !
કાલિન્દી જેવો છે ઘાટ, રાજ !
સરોવર ઝીલવા ગઇ'તી, સજનવા !]