ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/સરોવરિયા ડોલ્યા

← સરોવર ઝીલવા ગઈતી, સજનવા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
સરોવરિયા ડોલ્યા
ન્હાનાલાલ કવિ
સોનેરી સોણલા →


 ૪૭, સરોવરિયા ડોલ્યાં




આસો માસો, દસરાધ્વજ લહેરાય જો !
રણશીંગડાં વાગતાં'તાં શિવપુર ગામનાં રે લોલ;
વાયા વાયા પૂરવપશ્ચિમના વાય જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.

આવ્યા આવ્યા સાંઢણીના અસવાર જો !
ઘૂઘરડા ઘમકયા એ રણની વ્‍હેલના રે લોલ;
પૂછ્યા પૂછ્યા પથુભાના દરબાર જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.

'બ્‍હેનડબાએ કહાવી છે આશિષ જો !
બેાલ્યાં છે; મુજ વીર પડતો બોલ ઝીલશે રે લોલ;
એાલ્યે દિન અમ આંગણ ગઢમંડાણ જો !'
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.

ઝડપ ઝડપ્યાં ઝૂલતાં ઢાલતરવાર જો !
ગેારમ્ભ્યાં નેણાં, ને કસુમ્બલ અાંખડી રે લોલ;
બ્‍હેનડઘેર કાલ ક્ષત્રિયવટનાં પર્વ જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.
 

 
ઘેાડીલા ઉછળે, રમતી મ્‍હેલી વાજ જો !
મારગડે નિરખે રે અટારીએથી સુન્દરી રે લોલ;
વૃક્ષો વધાવતાં, તેજ વરસતા આભ જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ,

વડલા હેઠળ ચાર ગામોનો ચોક જો !
એ ચોકે બેઠા'તા બ્‍હેનડના વેરવી રે લોલ:
'ભાગશું મહુરત, ભાગશું ગઢમડાણ જો ! '
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામના રે લોલ.

ઝબક ખડગો ઝબક્યાં, મચ્યું ઘમસાણ જો !
બ્‍હેનડબાનાં રાજ્ય છંટાણાં રણછાંટણે રે લોલ;
સીમ સજીવન થઈ વીરતાને નીર જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.

ભાગ્યા ભાગ્યા ભવરણના ભાગેડુ જો !
જતાં નાખી બરછી અવળી અાંખની રે લોલ;
ધરતી ઢળિયા જયવરિયા એ વીર જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.

વાયા વાયા પૂરવપશ્ચિમનાં વાય જો !
ખબરો ગઇ એ ગઢમંડાણને માંડવે રે લોલ
 

ખાલી ઘેાડલી આવી શિવપુર ગામ જો !
સરવરિયાં ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.

તે દી મંડાણા, કીકી–કીકીમા કિલ્લા જો !
તે દી કોરાણા ભમ્મરભમ્મર કાંગરા રે લોલ;
તે દી રોપણા રણધ્વજ હૈયે હૈયે જો !
સરવરિયા ડોલ્યાં રે શિવપુર ગામનાં રે લોલ.

આસો માસો, શરદ પુનમની રાત જો !
સતીમાની જ્વાળાઓ વન અજવાળતી રે લોલ;
બ્‍હેનડબાને નેણલે શગમોતી ઝરે રે લોલ;
વરસ્યાં વરસ્યાં ફૂલડે વનનાં ઝાડ જો !
ડોલ્યા ડોલ્યા ધરણીધર શેષ નાગ જો !
સરવરિયાં ડો૯યાં રે શિવપુર ગામનાં રે લોલ,