ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/સોનેરી સોણલા

← સરોવરિયા ડોલ્યા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
સોનેરી સોણલા
ન્હાનાલાલ કવિ
સોહાગિયા →


૬, સોનેરી સોણલાં




નારંગી આભ, મંહી ચંપેરી આભલાં;
આછેરી નીન્દ, મંહી સોનેરી સોણલાં.

દેવદીધાં સોણલાં,
મીઠાં મીઠાં સોણલાં,
મોંઘાં મ્હારાં સોણલાં:
નારંગી આભ, મંહી ચંપેરી આભલાં.

આછી-આછી નીન્દ, મંહી નયનજ્યોત ન્હાઈ છે;
જગતથી જંપીને ઘડી ઝીન્દગી જંપાઈ છે;
મેહુલિયાની પાંખ શી ત્યહાં સ્વપ્નલીલા છાઈ છે;
દેવોની આંખડી શી સ્વર્ગની એ વધાઈ છે.

માનવી રે ! ત્હારાં આયુષ્યનાં સોણલાં;
દેવદીધાં સોણલાં,
જીવનનાં સોણલાં,
આવજો એ સોણલાં:
નારંગી આભ, મંહી ચંપરી સોણલાં.