પત્રલાલસા/છેટાં હૃદય
← પરિણીત મંજરી | પત્રલાલસા છેટાં હૃદય રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
લક્ષ્મીની ચોકી → |
આ રાત પહેલી વરલની માશુકના ઈન્કારની ?
ત્યાં બેવકૂફી કરી ! તુજ જામ કાં ફૂટ્યું નહિ ?
કલાપી
લક્ષ્મી જેવી અનુભવી બાઈને પણ નવાઈ લાગી કે, મંજરીને કોઈ પણ વાત રસ ઉપજાવતી કેમ નથી ? તેને શક પડ્યો કે મંજરી બીજા કોઈને ચહાતી તો નહિ હોય ?
'બહેન ! તમને કેમ અહીં ગમતું નથી ?'
મંજરીએ જવાબ આપ્યો નહિ. ઘરમાં તે ઘણું જ થોડું બોલતી. વધારેમાં વધારે બાળકો સાથે તેની વાત થતી. બીજા કોઈ સાથે તો હા અગર નાથી વધારે શબ્દોનો વ્યય તે કરતી જ નહિ. તેને કોઈ પણ ચીજની માગણી કરવી પડતી નહિ. અને જરૂર હોય તો તે પોતાની જાતે જ કામ કરી લેતી. પોતાની માતા ઘેર બોલાવે ત્યારે જતી. ત્યાં પણ ન છૂટકે જ બોલતી. માતાપિતાને આશ્ચર્ય લાગ્યું કે મંજરીમાં ફેરફાર થાય છે ! શા માટે થાય છે? કોઈ કળી શક્યું નહિ.
માત્ર લક્ષ્મી જેવી ચબરાક બાઈ કારણની શોધમાં બરાબર ઊતરી ગઈ. તેણે મંજરીની બધી હિલચાલો તપાસવા માંડી. તે બેઠી હોય, તે સૂતી હોય, બાળકો સાથે રમતી હોય અગર વાંચતી હોય તોપણ છૂપી રીતે લક્ષ્મી તેના ઉપર નજર રાખતી. તેને કાંઈ ખાસ સ્વાર્થ નહોતો. વ્યોમેશચંદ્ર બીકણ હતા એમ તેના મનમાં ખાતરી થઈ ગઈ હતી, નહિ તો લક્ષ્મીથી તેમને ડરવાનું કારણ શું હતું ? પોતાનાથી ભલે ડરે, પરંતુ મંજરી સાથે સુખમય દિવસો ગુજારવામાં હરકત આવવી ન જોઈએ એમ તે માનતી. એ રીતે પણ તે ઘરમાં માનીતી થઈ શકે એવો પણ તેને લોભ હતો જ. એટલે અનેક રીતે મંજરીનું મન પારખવાના તેણે પ્રયત્ન આદર્યા.
વ્યોમેશચંદ્રને પણ મંજરીનું વર્તન આશ્ચર્યજનક લાગ્યું. પહેલાં તે પતિની સાથે બોલતી નહિ. ઘણી છોકરીઓ ઓળખાણ હોવા છતાં બોલતી નથી. પોતાના વૈભવથી પણ તે આકર્ષતી નહોતી. હોય ! સારાં કુલીન કુટુંબોમાં બાળકો ગરીબી અનુભવતાં હોય તે છતાં બીજાના વૈભવ જોઈ તેમને મોહ થતો નથી. તેમને એમાં કાંઈ નવાઈ લાગતી નથી. અને પોતાનો સુંદર દેખાવ જોઈ મંજરીએ કદી તીરછી નજરે નિહાળ્યું નથી. દેખાવની બાબતમાં એકલી સ્ત્રીઓ જ દૂષિત હોય છે એમ નથી; પુરુષો પણ દેખાવના એટલા જ શોખીન હોય છે, રૂપનો ગર્વ એટલો જ હોય છે. માત્ર સ્ત્રીઓ કરતાં જુદા પ્રકારનાં કામમાં રોકાવાને લીધે દેહનો વિચાર કરવાનો તેમને ઓછો વખત મળે છે. પરંતુ જેમને સ્ત્રીઓ જેટલી નવરાશ હોય છે તેઓ આયનાને દૂર કરી શકતા નથી, કપડાંને કરચલી પડવા દેતા નથી, વાળનો ચકચકાટ ઓછો થવા દેતા નથી, અને ચહેરો સારામાં સારો કેવી રીતે દેખાય તે માટે આંખ, હોઠ, હડપચી વગેરે કેમ ગોઠવી રાખવા તેના વિવિધ પ્રયોગોમાંથી ઊંચા આવતા જ નથી. વ્યોમેશચંદ્ર શ્રીમંત હતા, તેમને ફુરસદ ઘણી જ હતી, અને ફુરસદની અસર નીચે, ચારેક બાળકોના પિતા હોવા છતાં, પોતાના દેહની સુંદરતા માટે ઘણી જ કાળજી રાખતા. અને મર્યાદાની હદમાં રહીને, વિનયની હદ ઓળંગ્યા વગર તેઓ પોતાના રૂપને માટે ગર્વ પણ ધરાવી શકતા. પોતાનું રૂપ મંજરીને મોહ પમાડે એવા જાણ્યે-અજાણ્યે ઘણા પ્રયત્નો તેમણે કર્યા હતા, પરંતુ પુરષોના સૌંદર્ય સંબંધમાં સ્ત્રીઓના બહુ જ વિચિત્ર ખ્યાલ હોય છે. દેખાવડા મનાતા, સફાઈદાર કપડાં પહેરેલા ગોરા ગોરા માણસો તરફ સ્ત્રીઓ આંખ પણ નાંખતી નથી, જ્યારે કેટલાક કાળા અને દેખાવડા ન ગણાતા પુરુષો માટે અનેક જાતની વાતો સાંભળવામાં આવે છે. તે જે હોય તે ખરું, પરંતુ આવા વિચારોમાં વ્યોમેશચંદ્ર આશ્વાસન લઈ શકતા.
પરંતુ પરણ્યા પછી સ્ત્રીઓનું માનસિક વાતાવરણ બદલવું જ જોઈએ. રૂપ, સ્વભાવ અને ધન એ સર્વ બાબતોમાં મંજરીને વધારે સંતોષ આપે એવો પુરૂષ વ્યોમેશચંદ્ર સિવાય બીજો ભાગ્યે જ મળી શકે. છતાં તેણે કદી બોલાવવાનો પ્રયત્ન કર્યો નહિ, ચોરીછૂપીથી વ્યોમેશચંદ્ર સામું જોઈ લેતાં તે કદી પકડાઈ નહિ. તરત પરણીને યુવતીઓ વર સિવાય બીજી કોઈ પણ વાત કરી શકતી નથી. મંજરીની સખીઓએ કદી વ્યોમેશચંદ્ર સંબંધી સૂચન પણ તેની પાસેથી સાંભળ્યું નહિ. શરૂઆતના દિવસોમાં શરમ, સગપણમાં ફેરફાર, જીવનની નવીનતાનો ગભરાટ એ બધાં કારણોથી મંજરીનું મૌન સમજાવી શકાય પરંતુ હવે શું ?
વ્યોમેશચંદ્રને ફિકર પડી. મંજરીને તેઓ ઘણા જ ચાહતા હતા. પરંતુ એ પ્રેમનો પડઘો મંજરીના હૃદયમાં કેમ પડતો નહોતો ?
એક દિવસ મંજરી હીંચકા ઉપર સૂતી સૂતી કાંઈ વાંચતી હતી. લક્ષ્મી પાસે જ બેઠી હતી, અને બીજું કાંઈ કામ ન હોવાથી તે મંજરીના પગનાં તળિયાં દબાવતી હતી. મંજરીને આ વૈભવ ગમ્યો નહિ. તેણે લક્ષ્મીને પગ દબાવવાની ના પાડી. પરંતુ લક્ષ્મી તે માને એમ નહોતી. તેણે ઘણા આગ્રહ સાથે પગ દબાવવા ચાલુ રાખ્યા.
મંજરી એકલી હશે એમ ધારી ધીમે રહી વ્યોમેશચંદ્રે ઓરડામાં પ્રવેશ કર્યો. લક્ષ્મી ઊઠીને ઊભી થઈ અને ઓરડાની બહાર જવા લાગી. મંજરીએ પુસ્તકમાંથી નજર કાઢી જોયું તો વ્યોમેશચંદ્રને - પોતાના પતિને - નજીક આવતા જોયા.
'લક્ષ્મી ! ક્યાં જાય છે? ઊભી રહે ને ! હું તારી સાથે જ આવું છું.' કહી મંજરીએ લક્ષ્મીને થોભવા જણાવ્યું. લક્ષ્મીએ ઘણાં જોડાંના એકાંત મેળાપ કરાવી આપ્યા હતા. તે 'આવું છું' કહી બહુ જ ઝડપથી ઓરડાની બહાર ચાલી ગઈ. પરણ્યા પછી મંજરી ભાગ્યે જ એકલી પડી હતી. કોઈ નહિ તો નાની છોકરી પણ સાથમાં તો હોય જ. આજે એ અને વ્યોમેશચંદ્ર એ બે એકલાં જ પડ્યા હતાં. મંજરી ગૂંચવણમાં પડી. તે હીંચકા ઉપરથી ઊભી થઈ. વ્યોમેશચંદ્રે મંજરીનો હાથ ઝાલી તેને ફરી હીંચકા પર બેસાડી,અને પોતે પણ સાથે બેસી ગયા.
વ્યોમેશચંદ્રનો હાથ પોતાના હાથે અડકતાં તેનું મુખ બદલાઈ ગયું. અસ્પર્શ્ય વસ્તુને અડતાં જેટલો કંટાળો ઊપજે તેટલો જ કંટાળો મંજરીના મુખ ઉપર ફરી વળ્યો. વ્યોમેશચંદ્રને માનભંગ થતું લાગ્યું, પરંતુ તે મુખ ઉપર જણાવા ન દેતાં તેમણે મંજરીને ખભે હાથ મૂકી પૂછ્યું :
'મંજરી ?'
મંજરીએ ખભો સંકોચી લીધો અને જાણે હાથનો ભાર સહન થતો ન હોય તેમ ખભેથી વ્યોમેશચંદ્રના હાથને ખેસવી દીધો.
મંજરીએ ખભેથી હાથ ખસેડી નાખ્યો એટલે વ્યોમેશચંદ્રને એકાએક ગુસ્સો ચઢી આવ્યો. પત્ની તરફથી આવા વર્તનની કોઈ આશા રાખતું નથી. તેમને મનમાં લાગ્યું કે મંજરીને એના પિતાને ઘેર મોકલી દેવી; મંજરીનું અપમાન કરવું, અગર તેણે કરેલા અપમાનના બદલામાં તેણે ધોલ મારી તેની પત્ની તરીકેની પરાધીનતા સ્પષ્ટપણે સમજાવવી.
**પરંતુ ગુસ્સો એમણે દબાવ્યો. અને હસતું મુખ રાખી ફરીથી તેના ખભા ઉપર હાથ મૂક્યો. મંજરી સમજ વગરની નહોતી. તે જાણતી હતી કે કાયદાની દ્રષ્ટિએ, લૌકિક નીતિની દૃષ્ટિએ, તેનો દેહ વ્યોમેશચંદ્રની માલિકીનો થયો હતો. પરંતુ તેનું મન, તેનું હૃદય એ દ્રષ્ટિ સ્વીકારી શક્યું નહોતું. તેને તો હજી પેલો કુમળા મુખવાળો સનાતન યાદ આવ્યા કરતો હતો. સનાતનના પત્રની આશા રાખી થાકી ગયેલી, સનાતનની નિંદા સાંભળી તેના ઉપર પોતાનો કાંઈ અધિકાર ન હોવાના કારણે નિરૂપાય બની ગયેલી, અને પોતાને માટે સનાતનને લાગણી નહિ જ રહી હોય એવી ખાતરી થતાં ભયંકર મૂંઝવણમાં પડેલી આ યુવતીએ કાંઈ સમજ ન પડવાથી માતાપિતાની ઈચ્છાને માન આપી લગ્ન તો થવા દીધું, પરંતુ એ લગ્ન થતાં તેને લાગ્યું કે તેણે એક ન સુધરે એવી ભૂલ કરેલી છે. સનાતન ચાહે છે કે નહિ તેનો વિચાર પણ મંજરીને આવવો જોઈએ. સનાતનને માત્ર ચહાવું એટલું જ શું બસ નહોતું? તેનું હૃદય, તેનો દેહ જો સનાતનને શોધતાં હતાં તો મંજરીએ વ્યોમેશ સાથેના લગ્નને સ્વીકારવું જ નહોતું ! છતાં જ્યારે તેણે લગ્ન સ્વીકાર્યું ત્યારે લગ્નના ધર્મો પાળવા એ જ તેનું કર્તવ્ય હતું. વ્યોમેશચંદ્ર તેને પરણીને સુખી થવા માગતા હતા : જીભ વગરની, પ્રેમ વગરની, પૂતળીને પોતાનાથી નાસતા ફરતી જોવા તેઓ પરણ્યા નહોતા. મંજરીને એકાંતમાં આવા આવા બહુ વિચારો આવતા હતા. વ્યોમેશચંદ્રને તે ભારે અન્યાય કરે છે એમ તે માનતી હતી. પતિને રીઝવવાની બે યુક્તિ એ જ પતિ પ્રત્યે બજાવવાની બે મુખ્ય ફરજ : પતિને હૃદય સોંપવું અને પછી દેહ સોંપવો. હૃદય સોંપાઈ ચૂક્યું હતું. હૃદયની પ્રેરણા વગર - હૃદયની દોરવણી વગર દેહ ડગલું પણ ભરી શકતો નહોતો. ડગલું ભરતાં તો આંખ આગળ સનાતન પ્રગટી નીકળતો હતો, અને વ્યોમેશચંદ્ર તરફના અણગમાને તે વધારી મૂકતો હતો.
વ્યોમેશનો હાથ ફરીથી તેને ખભે મૂકાતાં શું કરવું તે મંજરીને સમજાયું નહિ. વ્યોમેશનો હાથ તેને ન ગમ્યો. જે હાથ ન ગમ્યો, તે હાથનું ગ્રહણ કરવું જોઈતું નહોતું. પતિને પત્નીને ખભે ક્વચિત્ હાથ મૂકવા જેટલો પણ હક્ક ન હોય ? હક્ક સ્વીકાર્ય છતાં વ્યોમેશનો હાથ ફરી તરછોડી નાખવા તેના હૃદયે બળ કર્યું. પરંતુ વ્યોમેશનું વારંવાર અપમાન કરવા જેવી ક્રૂરતા તેનાથી થઈ શકી નહિ. તેનું માર્દવ કોઈને પણ દુઃખી કરે એ અસંભવિત હતું. એ જ માર્દવે તેને વેલી તરફ આકર્ષી હતી, અને લગ્ન વિરુદ્ધ બંડ કરતાં તેને અટકાવી હતી. જગતમાં એવાં પણ હૃદયો હોય છે જે અન્યના સુખ માટે દેહને જ નહિ પણ હૃદયને પણ હોમે : મંજરીના હૃદયનું એવું જ ઘડતર હતું.
તેણે વ્યોમેશનો હાથ ખભા ઉપર રહેવા દીધો. પરંતુ તે સાથે જ તેની સામે સનાતન પ્રગટ થયો. અગાસી ઉપર એકનો એક મહામૂલો પ્રસંગ ફરી તેની દૃષ્ટિ સમીપ રચાયો. સનાતનના હસ્ત, સ્પર્શની કલ્પનાએ કંપ અનુભવતી મંજરીએ વ્યોમેશનો હાથ ખભા ઉપર સ્થિર રહેવા દીધો ખરો, એ હાથ ખસેડવાનો પ્રયત્ન પણ તેણે કર્યો નહિ, પરંતુ તેની છાતી રૂંધાઈ ગઈ; તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
વ્યોમેશે એ આંસુ નિહાળ્યાં, વ્યોમેશચંદ્ર પતિ હતો. રાક્ષસ નહોતો, રાક્ષસ પણ પતિ તરીકે કુમળા બની શકે છે. મંજરીનાં આંસુ વ્યોમેશને ગમ્યાં નહિ. મંજરીના રુદને તેના હૃદયમાં અનુકંપા ઉપજાવી.
'મંજરી ! તું કેમ રડે છે ? છાની રહી જા. અહીં નથી ગમતું ?' વ્યોમેશચંદ્રે તેની આંખ લૂછવામાં સહાય કરતાં પૂછ્યું.
આવી સરળતાથી, આવી દયાથી પોતાનાં આંસુ લૂછનાર પતિને શું તેણે એમ કહેવું કે ત્યાં ગમતું નહોતું ! રડવાનું કારણ આવી મમતાથી પૂછનારને શું તેણે એમ જવાબ આપવો કે તેની સાથે તે પરણી, માટે તેને રડવું પડ્યું ?
મંજરીએ વ્યોમેશને આંસુ લૂછવા દીધાં. છતાં તે રડ્યે જ ગઈ. તેને લાગ્યું કે તે વ્યોમેશને પણ અન્યાય કરતી હતી. અને સનાતનને પણ અન્યાય કરતી હતી; આવી સ્થિતિમાં તે રડે નહિ તો બીજું શું કરે ?
રડતાં આંસુ ખૂટે છે. મંજરી જરા છાની રહી એટલે વ્યોમેશચંદ્રે ફરી પૂછ્યું :
'મંજરી ! તને શું થાય છે ? આટલો બધો અણગમો કેમ ?'
મંજરીને લાગ્યું કે વ્યોમેશચંદ્ર અસંસ્કારી તો નહોતો જ. મંજરી ઉપર ગુસ્સે થવાને બદલે તેઓ સૌમ્ય વર્તન રાખતા હતા. પરંતુ મંજરીની વાચા તો બંધ જ હતી.
'મેં તો કંઈક આશાઓ રાખી હતી. તારા જેવી સંસ્કારી અને સ્વરૂપવાન પત્ની મને મળી તે હું મારું સૌભાગ્ય માનતો હતો - હજીયે તેમ માનું છું, પણ તું તો આમ અતડી રહે છે જાણે પારકું ઘર હોય એમ સંકોચમાં જ રહે છે !'
વ્યોમેશચંદ્રે વિનવણી કરી. વિનવણી કરતાં કરતાં તેમણે પોતાનો હાથ મંજરીને ખભેથી ખસેડી વાંસે મૂક્યો, અને ધીરે ધીરે હાથ ફેરવવા માંડ્યો.
મંજરીએ ઘણી વાર્તાઓ વાંચી હતી. પતિપત્નીના રસમય સંવાદો પણ તેમાં વાંચ્યા હતા. તેની કલ્પના પણ જાણેઅજાણ્યે આવા રસભર સંવાદો ક્વચિત્ સંભળાવતી. આ તો તેણે પ્રત્યક્ષ અને સ્પષ્ટ રીતે પ્રેમ વ્યક્ત કરતાં પતિને જોયો અને સાંભળ્યો.
'મંજરી ! હું તારો છું અને આ ઘરે તારું છે, સમજી?' તે સમજી, છતાં તેનું અંતર ઊછળ્યું નહિ. પોતાના સંસ્કાર અને સ્વરૂપનાં વખાણ સાંભળી હરકોઈ પત્ની રીઝે, પતિ 'તારો છું.' એ વિધાનથી પોતાના સમર્પણને વ્યક્ત કરે ત્યારે કોઈ પણ પત્નીને જીવનમાં સ્વર્ગ ઊતરી આવતું દેખાય. પરંતુ મંજરીને પોતાનાં વખાણ ગમ્યા નહિ. વ્યોમેશચંદ્ર અને તેમનું ઘર તેનાં ન હોત તો જ વધારે સારું થાત એવી લાગણી તેણે અનુભવી.
કોઈ પણ પત્નીના માનને - રોષને સમાવવા વ્યોમેશચંદ્રના શબ્દો પૂરતા હતા. છતાંયે જ્યારે મંજરી બોલી નહિ ત્યારે તેમને ફરીથી ખોટું લાગ્યું. અલબત્ત, ખોટું લાગ્યાથી તેમને ગુસ્સો ન જ ચઢ્યો. વ્યોમેશચંદ્રની રસિકતા ઓસરી ગઈ ન હતી. પત્નીનાં માન અને રોષમાં રસનો તેઓ અનુભવ કરતા હતા. મંજરીનું સુંદર રુદન અને વિસ્તૃત બનતો જતો અનુકૂળ સ્પર્શ તેમના ગુસ્સાને ગાળી નાખતો હતો.
તેમણે ખોટું લાગ્યાનો ભાવ વ્યક્ત થાય એ ઢબે પૂછ્યું :
'મંજરી ! મારી જોડે તું નહિ જ બોલે ને? મેં એવો શો વાંક કર્યો છે ?'
દયા ઉપજાવતાં આ વચનોએ મંજરીનું હૃદય વીંધ્યું. વ્યોમેશને થતા અન્યાયની ભાવનામાં દયાનો ઉમેરો થતાં મંજરીએ આડી રાખેલી આંખ સહજ વ્યોમેશચંદ્ર તરફ ફેરવી. વ્યોમેશના નવજીવનમાં આ પળ ધન્ય હતી. આજ સુધી મંજરીએ વ્યોમેશચંદ્રની નજર સાથે નજર મેળવી નહોતી. આજે તેણે સહજ દ્રષ્ટિ મેળવી. અનુભવી વ્યોમેશચંદ્રને લાગ્યું કે તેની જીત આ જ રસ્તે હતી. મંજરીની દયાવૃત્તિનો સ્પર્શ કરતાં તે જિતાશે એવી તેમને ખાતરી થઈ. તેઓ આગળ વધ્યા :
‘મંજરી ! હું નથી ગમતો, ખરું ?'
પતિનું આ લાડવચન હતું – વધારે દયા ઉપજાવવા માટે હતું. દયાથી ઉત્તેજિત થયેલી મંજરીએ વ્યોમેશચંદ્ર તરફ ફરી નજર નાખી. પરંતુ નજર - પડતાં જ તેનો જૂનો અણગમો પાછો તરી આવ્યો. વ્યોમેશના મુખ્ય તરફ જોયા વગર તેના શબ્દોમાં તે ગમતી હતી ત્યારે તેના હૃદયમાં દયાનો સંચાર થતો. પરંતુ નજર મેળવતા જ તેને સનાતન સાંભર્યો. સનાતનના પ્રભાતપુષ્પ સમા મુખને પડખે વ્યોમેશચંદ્રનું મુખ તાપથી કડક, અને મ્લાન બનેલા, રંગ ઊડી ગયેલા પુષ્પ સરખું લાગ્યું.
મંજરીથી છેવટે બોલાઈ ગયું :
'મને અહીં નથી ગમતું.’