← છેટાં હૃદય પત્રલાલસા
લક્ષ્મીની ચોકી
રમણલાલ દેસાઈ
૧૯૩૧
પત્રદર્શન →




૨૩
લક્ષ્મીની ચોકી

તો ય ધોધ કેરે ધમક જગત ધમધમે રે લોલ.
મને આંસુનાં એમ અનુકમ્પ ગમે રે લોલ !
નાનાલાલ

'તને કેમ ગમતું નથી ? તું બધાં સાથે વાત કર. મારી સાથે ફરવા ચાલ. મન હોય તે ઘરેણાંલૂગડાં પહેર, ઘરમાં હારમોનિયમ છે તે વગાડ. તને તો સારું આવડે છે ! શા માટે આમ આખોય દિવસ ઉદાસ રહે છે ?'

અણગમતું મટાડવાના વ્યોમેશચંદ્ર ઇલાજો બતાવ્યા, પરંતુ મંજરીને એકે ઇલાજ ગમ્યો હોય એમ જણાયું નહિ. તેણે એકે માગણી કરી નહિ.

પત્ની અણમાનીતી હોય તેનો પતિ ઇલાજ કરી શકે. પરંતુ પતિ જ અણમાનીતો હોય તો પતિએ કે પત્નીએ શું કરવું તેનો ઈલાજ શાસ્ત્રોએ કે ચાતુર્યે સૂચવ્યો જણાતો નથી. વ્યોમેશચંદ્રને લાગ્યું કે આટલી વિનવણી પછી મંજરીને એકલી મૂકવી એ જ વધારે સારું છે. તેમની આશા અમર હતી. ફરી પ્રયત્ન કરી મંજરીને મનાવી શકાશે એવી આશામાં તેઓ ઊઠતા હતા, એટલામાં તેમની નાની પુત્રી વેલી બૂમ પાડતી દોડતી દોડતી આવી.

'જુઓ ને મંજરીબહેન ! મને ભાઈ મારવા આવે છે !'

આટલું બોલી તે મંજરીની પાસે ભરાઈ ગઈ. તેને મંજરી પારકી લાગતી નહોતી. મંજરી પણ ઘરમાં માત્ર વેલીની જ સાથે બોલતી અને હસતી. ક્વચિત બીજાં બાળકો સાથે પણ બોલતી અને રમતી. પરંતુ બાળકો સિવાય અન્ય સર્વ તેને મન વર્જ્ય હતાં.

મંજરીએ વેલીને પાસામાં લઈ લીધી, વ્યોમેશચંદ્રે આ દ્રશ્ય પહેલી જ વાર જોયું, આનંદ અને આશ્ચર્યની લાગણીમાંથી તેમની આશાએ એક અવનવી ફાળ ભરી:

'મારાં બાળકો તરફ તો આટલો ભાવ છે ! શા માટે એમ માનવું કે એને મારા તરફ ભાવ નથી ?'

તેમના માનસિક વ્યાપારે તેમના દેહમાં ફૂર્તિ આણી. આશામાં ને આશામાં તેમનાથી બોલી જવાયું :

'મંજરી ! સાંજે મારી સાથે તારે ફરવા આવવાનું છે હો ?'

આટલું બોલી તેઓ ઊભા થયા ને મંજરીના જવાબની તેમણે રાહ જોઈ.

મંજરીએ જવાબ ન આપ્યો. નીચે જોઈ ખોળામાં લપાઈ ગયેલી વેલીના માથા ઉપર તેણે હાથ ફેરવ્યા કર્યો.

વ્યોમેશચંદ્ર ત્યાંથી ગયા. વેલી બેઠી થઈ અને મંજરી સામે તાકીને જોવા લાગી.

'શું જુએ છે ?' મંજરીએ પૂછ્યું.

‘તમે રડતાં હતાં ?' વેલીએ જવાબ આપવાને બદલે પ્રશ્ન કર્યો.

'તેં કેમ જાણ્યું ?' મંજરીએ સહજ હસતાં પૂછ્યું.

'કેમ ન જાણું? તમારી આંખો ચોળાઈ ગઈ છે ! લાલ લાલ થઈ ગઈ છે !'

મંજરીએ હસીને કશો જવાબ ન આપ્યો.

‘તમે આવાં કેવાં છો ? આખો દહાડો મોં ચઢાવીને જ બેસો છો !' વેલીએ મંજરી સામે વાંધો લીધો.

'મારું મોં જ એવું છે તે હું શું કરું ?' પોતાને ગમતી છોકરી સાથે મંજરીએ વાત લંબાવવા માંડી.

‘તમારું મોં તો બહુ જ સારું છે, મને એવું ગમે છે !' વેલીએ મંજરીના મુખસૌંદર્ય વિષે અભિપ્રાય આપ્યો.

હળવા બનેલા મંજરીના હૃદયમાં જવાબ સ્ફુર્યો.

‘ત્યારે મારી સાથે તું પરણજે.'

પરંતુ એ જવાબ તેના હૃદયમાં જ રહ્યો. કદાચ વેલી મોટી હોત તો મંજરીએ જવાબ આપ્યો હોત. મંજરીનો સ્વભાવ હતો એવો આનંદી રહ્યો હોત તો વેલી નાની હોવા છતાં તેણે એ જવાબ આપ્યો હોત. પરંતુ મંજરી મંજરી હતી અને વેલી નાની બાળકી હતી, એટલે તેને કાંઈ પણ જવાબ ના આપતાં તેણે વેલીના ગાલ ઉપર વહાલભરી એક ઝીણી ચૂંટી ભરી. વેલી મંજરીને વધારે વળગી.

નીચેથી ટપાલીનો અવાજ આવ્યો. અને મંજરી એકાએક બદલાઈ ગઈ. લક્ષ્મી તે જ વખતે વેલીને ખોળવાને બહાને ત્યાં આવી પહોંચી.

આ અનુભવી સ્ત્રી કેટલાક દિવસથી મંજરીના દર્દની ચિકિત્સા કરવાના પ્રયત્નમાં ગૂંથાઈ હતી. છૂપી રીતે તેણે મંજરીની સઘળી હિલચાલનો અભ્યાસ કર્યો. એક વાત કદી સમજાતી ન હતી કે દરરોજ ટપાલીનો સાદ સાંભળી મંજરી કેમ બદલાઈ જતી ? જીવ વગરની, સુસ્ત, ઉદાસ અને અબોલ મંજરીના કર્ણ ઉપર કાગળવાળાની બૂમ પડતાં તે એકદમ ચમકી ઊઠતી, તેના મુખ ઉપર વ્યાકુળતા દેખાતી; તેનામાં કોઈ અવનવું બળ આવતું; અને મુખ ઉપરની ફિક્કાશ ચાલી જઈ સહજ લાલાશ તરી આવતી.

તેને ત્યાં કાગળો દરરોજ આવતા. મંજરીની જાતને લખેલા કાગળો પણ કેટલાક આવતા. છતાં રોજ આ પ્રમાણે ટપાલ વખતે મંજરી આતુર બની જતી. એવું શું કારણ ? કાગળ વાંચીને મંજરી જેમની તેમ પાછી સુસ્ત બની જતી. કાગળોને ઠેકાણે ન રાખતાં ગમે ત્યાં ફેંકી દેતી. દરકાર વગર ગમે ત્યાં ફેંકાયેલા કાગળો કોઈ વાંચે તેની પણ મંજરીને પરવા ન હતી. લક્ષ્મીએ કેટલીક વખત કાગળો છાનામાના વંચાવ્યા પણ ખરા; પરંતુ આમ નિરાશા પ્રેરતો એક પણ કાગળ લક્ષ્મીના જોવામાં આવ્યો નહિ.

છતાં દરરોજ કાગળ આવતી વખતે મંજરી એવી ને એવી જ ચેષ્ટા કરતી. તે બેઠી હોય તો ચમકી ઊઠતી. કામ કરતી હોય તો અટકી જતી. પુસ્તક વાંચતી હોય તો તેના હાથમાંથી તે પડી જતું. મંજરીને સૂક્ષ્મ રીતે જોનાર જાણી શકે એમ હતું કે કાગળ તેની પાસે આવતાં તેને કોઈ વિચિત્ર અનુભવ થતો.

આજે પણ એમ જ થતું લક્ષ્મીએ ભાળ્યું. વેલીની સાથે ચાલતી રમત કાગળ જોતાં જ તેણે મૂકી દીધી. કાગળ જોવાની તેની વ્યાકુળતા વધી ગઈ. પરંતુ કાગળ તેની પાસે આવતાં જ તેને વાંચ્યા વગર બાજુએ નાખી મંજરી ઉદાસ બની હીંચકે અઢેલીને બેઠી.

'કેમ કાગળ વાંચ્યો નહિ ?' લક્ષ્મીએ પૂછ્યું.

'મારી બહેનપણીનો કાગળ છે. પછી નિરાંતે વાંચીશ.'

'તમે કેમ જાણ્યું કે એ બહેનપણીનો કાગળ છે ?'

'અક્ષર ઉપરથી.'

'કાગળ આવે છે ત્યારે ચમકી ઊઠો છો, પણ હાથમાં આવતાં વાંચતાયે નથી. એનું શું કારણ ?' લક્ષ્મીએ પૂછ્યું.

‘તારે શું કામ છે ?'

'મારે કામ છે. મારાથી તમારું આવું મોં જોવાતું નથી. મને પારકી ન ગણશો. હું તમારી જ છું.’

‘મારે કોણ પારકું પોતાનું હોય !' મંજરીથી બોલાઈ ગયું. ‘ત્યારે શા માટે છુપાવો છો ? કોઈનો કાગળ આવવાની બીક લાગે છે ?' વકીલની સફાઈથી લક્ષ્મીએ પૂછ્યું.

મંજરીએ જવાબ ન આપ્યો. સમજાવવામાં કુશળ લક્ષ્મીએ આગળ ચલાવ્યું :

'હોય ! નાનપણની હજાર વાત હોય. રમતાં રમતાં વાત બની જાય એ વખતે કંઈ ભાન રહે છે ? અને મરદો તો એવા હોય છે કે પછીથી કેડો છોડતા જ નથી. કાંઈ નહિ તો કાગળ લખવામાંથી પણ ન જાય. પણ બહેન ! તમારે બીવાનું કોઈ કારણ નથી. તમારા કાગળો અહીં કોઈ ઉઘાડવાનું નથી. સાહેબને તો એવી ટેવ જ નથી ને.'

'મારે તો કશુંય બીવાનું કારણ નથી.'

'ખરું છે. કોઈ કાગળ લખે અને કોઈ વાંચે એમાં તમારે શું ? ગઈ ગુજરી વિસારે પડી, તોયે કોઈ કાગળ લખે તો તે જાણે તમારે તો કાને જ હાથ દેવાના !'

મંજરીના મુખ ઉપર તિરસ્કાર છવાઈ રહ્યો. પોતાની પત્રલાલસા શું આ રીતે બધા ઉકેલતા હશે ? નાનપણની કોઈ મૂર્ખાઈને પરિણામે કોઈ પુરુષ મળેલી છૂટનો દુરુપયોગ કરે, કાગળ લખે અને પોતાની ફજેતી કરાવે ! શું એવા ડરથી તે કાગળો માટે આતુર બનતી હતી ?

પોતે આવી મૂર્ખાઈ કરે જ નહિ એવું મંજરીને અભિમાન હતું. કોઈ પણ પુરુષને અણઘટતો કે ઘટતો લાભ મળે એવી છૂટ આપ્યાનું તેને સાંભરતું ન હતું. ગમે તેનો કાગળ આવે તોપણ તે ખુલ્લો મૂકતાં તેને જરાય ડર રહે એવું હતું નહિ. લક્ષ્મી મંજરીની અસ્થિરતા અને જડતામાં આવી અરસિક વાસના રહેલી શા માટે જોતી હશે તે તેને સમજાયું નહિ. લક્ષ્મી હલકી કક્ષાની સ્ત્રી હતી માટે જ તેને મંજરી માટે આવી ભાવના ઉત્પન્ન થઈ હતી. તિરસ્કારભરી આંખે તેણે લક્ષ્મી તરફ જોયું.

'સામાન્ય સ્ત્રીઓ આવી હશે. હું તો નહિ જ !'

એ વાક્ય તે બોલી નહિ, પરંતુ તેની દ્રષ્ટિમાં એવો જ ભાવ રહ્યો હતો.

લક્ષ્મી ગૂંચવાઈ. તિરસ્કારનો તે અર્થ સમજી; અને મંજરી સામાન્ય સ્ત્રી નહોતી એમ તેને થયેલા ભાનમાં વૃદ્ધિ થઈ.

ત્યારે આ વિચિત્રતા શી ? પૂર્વજીવનમાં યાદ કરવા સરખો પુરુષ ન હોય તો વ્યોમેશચંદ્ર શા માટે મંજરીને ગમતા નહિ હોય ? તેમના દેહ ઉપર ઉંમર દેખાતી નહોતી. તેમના સ્વભાવમાં કશી વિચિત્રતા નહોતી. અણગમો આવે એવી કશી ટેવ પણ નહોતી. તેમનાં બાળકો મંજરીને ગમતાં હતાં. ત્યારે મંજરીને શું થતું હતું ? તેનામાંથી હર્ષ કેમ ઊડી ગયો હતો ? સુખ મળ્યે માનવીને આનંદ થવો જ જોઈએ. મંજરી પણ માનવી તો ખરી જ ને ? કક્ષાભેદમાં માનવતા પણ જુદી બની જતી હશે ?

લક્ષ્મી ચાલી ગઈ. વેલી ફરીથી મંજરીને વળગી. મંજરીએ તેને વળગવા દીધી, પરંતુ તેના મનમાં વિચાર આવ્યો :

લક્ષ્મી તરફ બતાવેલો તિરસ્કાર શું વાસ્તવિક હતો ?

તેના પૂર્વજીવનમાં અણઘટતું કશું જ બન્યું નહોતું, પરંતુ તેમાં પ્રવેશ પામી ગયેલો સનાતન હજી ખસતો નહોતો. એ શું ઘટતું હતું ? વચન આપ્યા છતાં તેણે પત્ર લખ્યો નહોતો. પત્ર આવવાની મંજરીએ આશા છોડી દીધી હતી. આશા છોડી દઈ તે માબાપને રાજી રાખવા વ્યોમેશચંદ્ર સાથે પરણી હતી; તે પૂરી સમજ સાથે પરણી હતી. સનાતનની તેના પ્રત્યેની ઉદાસીનતા અને સનાતનની સાંભળેલી નિંદા એ બે કારણોએ તેની પસંદગીને - અગર સંમતિને ખૂબ ઝોક આપ્યો હતો. લગ્ન થઈ ગયું હતું એટલે તેની ફરજ હતી કે તે વ્યોમેશચંદ્રને સુખી કરે. વ્યોમેશ તેનો ધર્મ પાળતો જ હતો. મંજરીને સુખી કરવા તે અથાગ પરિશ્રમ કરતો હતો.

આમ છતાં સનાતનના પત્રની હજી આશા રાખવી, તેને માટે ચમકી ઊઠવું, પત્ર ન આવે એટલે નિરાશાના સાગરમાં ડૂબી જવું અને સર્વનું જીવન ઝેર બનાવવું એ શું મંજરીને માટે ઘટિત હતું ? પત્ની તરીકે તે શું નિષ્ફળ નીવડતી નહોતી ?

આવા વિચારો તેને આવ્યા. લક્ષ્મી કરતાં તે પોતે કઈ રીતે વધારે ઊંચી કક્ષાની નીતિ પાળતી હતી તે વિષે તે વિમાસણમાં પડી. પતિ સિવાયના સર્વ કોઈ પરપુરુષ, પરપુરુષ માટેની આસક્તિ - જરા સરખી પણ – એટલે અનીતિ. શું મંજરી પોતે જ અનીતિમાન ન હતી ?

આનો ઉપાય શો ? સનાતનનો વિચાર સરખો પણ આવતો અટકાવવો ! પરંતુ તે અશક્ય હતું. સનાતન સાથેની થોડીક ક્ષણો તેના હૃદયમાં એવી ઊંડી ઊતરી ગઈ હતી કે ટપાલને સમયે અને નિદ્રામાં તે પરવશ બની જઈ સનાતનની મૂર્તિને સંભારતી હતી. સ્વપ્ન આવે તેનો ઇલાજ નહોતો. પત્ર આવે એ સમયે થરથરવું એ તેણે અટકાવવું જોઈતું હતું. પરંતુ તેયે બની શક્યું નહિ.

તેને વિચાર આવ્યો :

'વ્યોમેશચંદ્ર સાથેનું લગ્ન એ શું તેનું ખરું લગ્ન હતું ?'

એ વિચાર પછી સામાન્ય માનવીને જરૂર બીજો આમ જ વિચાર આવે :

'એ લગ્ન ખરું ન હોય તો તે લગ્ન જ અનીતિ રૂપ નથી ?'

લગ્ન ઉપર જ સમાજે નીતિની મહોર છાપ મારી છે. સ્ત્રીપુરુષનો સંબંધ લગ્ન વગર અપવિત્ર, અનીતિમય બની જાય છે. પ્રત્યેક બાળક-બાળકી આ જ માન્યતામાં ઊછરે છે. લગ્ન અનીતિ રૂપ હોય એવી તેને કલ્પના પણ આવવી મુશ્કેલ છે. છતાં મંજરીથી એ વિચાર થઈ ગયો એટલું જ નહિ, તેથીયે વધારે ભયંકર વિચાર તેના હૃદયમાં ઝબકી ઊઠ્યો :

‘એવાં લગ્ન તૂટી જાય તો....'

એ વિચારની ભયંકરતાએ તેને થથરાવી મૂકી. લગ્નવિચ્છેદ એ કુલીનતાનો વિરોધીવિચાર. એ વિચારનો પડછાયો સુધ્ધાં ઉચ્ચ સમાજમાં પડવો ન જોઈએ. મંજરી ગભરાઈ ગઈ.

'હું જ મરી જાઉં તો કેવું સારું?'

નિષ્ફળ લગ્નને પરિણામે પુરુષ મરવા ઇચ્છતો નથી. પરંતુ સ્ત્રીને તો મરવું કે અણગમતું લગ્ન સ્વીકારી લેવું એના વિના બીજો કયો માર્ગ છે?