← લક્ષ્મીની ચોકી પત્રલાલસા
પત્રદર્શન
રમણલાલ દેસાઈ
૧૯૩૧
મજૂરો →




૨૪
પત્રદર્શન

મુજ ઉર ઝીલતી કંચુકીની ભાતડી પ્રિય તું જ છો !
મુજ સાડીમાં શોભતું શોભાવતું ગુલ તું જ છો !
'નાનાલાલ

મંજરીને મનાવવાના વ્યોમેશ અને લક્ષ્મીના પ્રયત્નો આમે મિથ્યા બનતા હતા. સ્ત્રીનું માન એ શૃંગારનું આવશ્યક અંગ છે એ સહુ કોઈ જાણે છે. પરંતુ એ માન ક્ષણિક મનાવાની છૂપી આકાંક્ષાથી ભરપૂર અને પતિનું વહાલ વધારવાના સાધન રૂપ હોય છે. એ માન દિવસોના દિવસો સુધી ચાલતું નથી. અને જો તે તેમ ચાલે તો પતિ થાકી જાય છે, કંટાળી જાય છે, બેદરકાર બની જાય છે, અગર ક્રૂર પશુમાં ફેરવાઈ જાય છે.

પત્ની આવું દિવસો ભરનું માન ધારણ કરવાની હિંમત કરતી જ નથી : પરિણીત જીવનની પ્રથમ ભૂમિકામાં તો નહિ જ. પતિ તેને અણગમતો હોય તો જ આવું પરિણામ આવે. વળી સ્ત્રીની સામાન્ય સમજ અણગમતા પતિને પણ ગમતો માનવા મંથન કરે છે. અને મોટે ભાગે તે સફળ થાય છે, પરંતુ કેટલાંક હઠીલાં હૃદયો સામાન્ય સમજને પણ ઓળખતાં નથી. અણગમતાપણાનું ભાન તેમનાથી ખસતું નથી. અણગમો સતત રહે છે જ; કદાચ તે વધે પણ ખરો.

પત્નીને મનાવવાના પ્રયત્નો કરી ચૂકેલો પતિ પત્નીના સતત અણગમાથી થાકે છે, કંટાળે છે, કંટાળ્યા પછી તેને પણ પત્ની તરફ તિરસ્કાર આવવો શરૂ થાય છે. જગત જેને અક્કલવાળાં, સમજવાળાં, રૂપવાળાં માને છે એવાં કંઈક સ્ત્રીપુરુષોનાં યુગલો ન સમજાય એવી રીતે જીવનભર પરસ્પરથી અળગાં બની જાય છે. પરસ્પરના અણગમાનું આ પરિણામ. માનવું નથી જ એમ નિશ્ચય કરી બેઠેલી માનિની પ્રત્યે પુરુષને અમુક સમય પછી જરૂર તિરસ્કાર આવવા જ માંડે છે, પછી ભલે તે માનિનીના મુખ ઉપર ચંદ્રની છબી ચિતરાઈ હોય, આંખમાં તારાઓએ ચળકાટ પૂર્યો હોય અને ગુલાબે તેના ગાલ ઉપર બિછાયત કરી હોય !

વ્યોમેશચંદ્ર પણ થાક્યા અને કંટાળ્યા. મંજરી તરફનો તેમનો તીવ્ર ભાવ ઓછો થવા લાગ્યો. તેમણે કામમાં જીવ પરોવવા માંડ્યો. ઘરમાં વધારે વાર રહેવાની તેમની વૃત્તિ ઓછી થવા માંડી. તેમણે બહારગામ પણ વધારે પ્રમાણમાં જવા માંડ્યું. ઘણી વખત તો તે મંજરી સામું જોતા પણ નહિ. તેમને લાગ્યું કે આવી હૃદય વગરની પૂતળી સાથે પરણવા કરતાં કોઈ લાગણીથી ઊભરાતી સૌન્દર્યરહિત સ્ત્રીને તેઓ પરણ્યા હોત તો વધારે સારું. જેની પાસે ધન હોય તેને મન મનાવવાનાં સાધનો જોઈએ એટલાં મળી શકે છે. તેમણે શહેરો શોધવા માંડ્યાં. મિત્રોને ત્યાં મુંબઈ નિયમિત રીતે જવા માંડ્યું. ઘરમાં હોય તોય દિવસો સુધી મંજરી સાથે તેમને બોલવાનો પ્રસંગ પણ આવતો નહોતો. બોલવાના પ્રસંગો તેઓ હાથે કરીને જતા કરતા હતા એમ મંજરી જોઈ શકી.

આમાંથી કોણ દયાપાત્ર ? મંજરી કે વ્યોમેશ?

મંજરીને પણ થાક લાગ્યો. શૂન્ય જીવન સહુને થકવે છે. તે પોતાની પરિસ્થિતિ પૂરેપૂરી રીતે સમજતી હતી. વ્યોમેશની પત્ની હતી, તોય બીજા કોઈના પત્રની આશામાં જીવતી હતી. પત્ર આવવાની જરા પણ આશા નહોતી. પત્ર આવે તોય તેનો હવે કશો ઉપયોગ નહોતો. સનાતન તેને હજી સુધી શા માટે સંભારી રાખતો હોય તેની પણ તેને સમજ પડતી નહિ. તેને સંભારવાનું સનાતનને કશું કારણ નહોતું અને છતાં તે સનાતનના પત્રની આશા છોડી શકતી ન હતી ! માનવ વિચિત્રતાનો કાંઈ પાર છે?

નાહીને તે એક દિવસ બેઠી હતી. અરીસામાં પોતાનું મુખ નિહાળતાં તેને લાગ્યું કે તેનું મુખ પ્રથમ જેવું સુંદર નહોતું. આંખો નીચે સહજ કાળાશ દેખાઈ, ગાલમાં ન સમજાય, ન ગમે એવી, આછી રેષાઓ દેખાઈ. આયનો ઘણે ભાગે તો સૌંદર્ય જ બતાવે છે, પરંતુ કોઈ વાર તે મશ્કરી પણ કરી શકે છે. મુખની આયનામાં દેખાતી કુરૂપતા ભ્રમ પણ હોય. છતાં સૌંદર્ય ઓછું થયાનાં ચિહ્ન કોઈને પણ ગમતાં નથી, સ્ત્રીને તો ખાસ નહિ જ.

એકાએક ટપાલીએ મંજરીનું નામ દઈ કાગળ નાખ્યો. મંજરી પાછી ચમકી. મુખ ઉપર રતાશ તરી આવી, છતાં રોજની માફક કાગળ લેવાની ઉતાવળ તેણે પ્રદર્શિત કરી નહિ. તોપણ તેનું હૃદય તો રોજની માફક ધડક્યું જ. પગને ચાલતાં અટકાવાય, પરંતુ હૃદય એક એવું અંગ છે કે જેના ઉપર બીજાં અંગો જેટલું સ્વામિત્વ ચાલતું નથી.

કંટાળેલું મુખ રાખી ધડકતા હૃદયે મંજરીએ કાગળ હાથમાં લીધો, અને તેનું હૃદય રોજ કરતાં વધારે જોરથી ધડકી ઊઠ્યું. પત્ર અજાણ્યો જ હતો. અક્ષર પણ અજાણ્યા જ હતા - કે નહિ? અજાણ્યા અક્ષર હોય તો તેનું હૃદય આટલું બધું અસ્વસ્થ કેમ થાય ? સનાતનના અક્ષરોવાળાં કાગળિયાં શું તેણે એક વખત અગાસીમાંથી મેળવી નહોતાં રાખી લીધાં ? સનાતનની મૂર્તિ માફક સનાતનના અક્ષર પણ તેના કાળજામાં કોતરાઈ રહ્યા હતા.

ઓરડીનું બારણું બંધ કરી મંજરી પલંગ ઉપર જઈ સૂતી. હૃદયને ધડકવું હતું તેટલું તેણે ધડકવા દીધું. હૃદય ધડકાર સહજ શમતાં તેને લાગ્યું કે તેની આંખમાં આંસુ ઊભરાતાં હતાં. તેણે આંસુને ઊભરાવા અને વહેવા દીધાં. તે શા માટે રડતી હતી ? તેને કારણ જડ્યું નહિ. ઘણાં રુદન કારણ વગરનાં જ હોય છે. કારણ જડતાં ન હોવાથી એમ લાગતું હશે. પણ તેણે રડીને હૃદય હલકું પાડ્યું.

ધીમે રહીને તેણે કાગળ ફોડ્યો. તેમ કરતાં તેનો હાથ ધ્રુજ્યો. ફરી તેણે સરનામું વાંચ્યું. પિતાને સરનામે મોકલેલા આ પત્રથી તેને એકદમ ભાન આવ્યું કે સનાતનને તેના લગ્નની ખબર પડી જ નહિ હોય. સનાતન હવે તેનો થઈ શકે એમ હતું જ નહિ એ ખ્યાલ આવતાં તેને એમ થયું કે કાગળ વાંચવો જ નહિ. પરંતુ એવું મન ક્યાં સુધી રહી શકે ? હાથમાં આવેલો કોઈનો પત્ર પણ વાંચ્યા વગર માનવીથી રહેવાતું નથી. પોતાનો જ પત્ર વાંચ્યા વગર મંજરીથી શી રીતે રહેવાય? ક્યાં સુધી રહેવાય? વળી સનાતનનો પત્ર ન વાંચવો એ શું ક્રૂરતા ન કહેવાય ? એવી ક્રૂરતા થાય ?

તેણે પરબીડિયામાંથી પત્ર કાઢ્યો. હાથ તો ધ્રુજતો હતો. પત્ર કાઢતાં બરોબર મંજરી પોતે પરિણીત છે એ વાત ભૂલી ગઈ, અને પ્રથમ તેણે પત્રને છાતી સાથે દબાવ્યો. સનાતનને મળ્યા પછી જગતમાં પહેલું જ સુખ તે અનુભવતી હોય એમ તેણે ઊંડો શ્વાસ લીધો. થોડી વાર સુધી તેણે પત્રને દબાવી રાખ્યો.

કાગળ જેવી જડ વસ્તુઓ મન ઉપર કેમ અસર કરતી હશે ? અસર કરે છે એ સહુ કોઈ જાણે છે. પ્રેમીઓના ઘેલછાભર્યો પત્રવ્યવહાર વાંચવાની પણ જરૂર નથી. પ્રેમીઓ પરસ્પરના પત્રના માત્ર સ્પર્શ કે દર્શનથી જ ઘેલા બની જાય છે એ તેમની ચેષ્ટા નિહાળનાર તરત પરખી શકે છે. શા માટે એક જ કાગળ તેનાં દર્શન માત્રથી પ્રેમીને વિહ્વળ બનાવે છે ? જડ અને ચેતનની સીમાઉલ્લંઘનનો આ કોયડો કોઈ મનોધમવિજ્ઞાની ઉકેલે તો જુદી વાત.

કાગળને દબાવ્યાનો પૂરો સંતોષ વળ્યા પછી મંજરીએ કાગળ છાતીથી ખસેડી આંખ આગળ આણ્યો. વાંચતાં જ તે બેઠી થઈ ગઈ. તેણે એક વખત પત્ર વાંચ્યો, બીજી વખત વાંચ્યો, ત્રીજી વખત વાંચ્યો. તેની પત્રવાચનની લાલસા તોય તૃપ્ત ન થઈ; આજુબાજુની પરિસ્થિતિ તે વીસરી ગઈ, તે કોની પત્ની છે એ વાત ભૂલી ગઈ; સનાતન પરાયો-પરપુરુષ હતો એ સામાજિક સત્ય તેના મનમાં પ્રવેશી શક્યું નહિ. કોણ જાણે કેમ પત્રને છાતી સરસો દાબ્યાથી પૂરતો સંતોષ મંજરીને વળ્યો નહિ; પત્રને વારંવાર વાંચવાથી પણ તેને પૂરતો સંતોષ થયો નહિ; તેણે પત્રને એક ચુંબન કર્યું.

અંદર દાખલ થવાનું ઓરડીનું દ્વાર ખાલી બંધ કર્યું હતું. તથાપિ બીજી જાળીઓ અને બારીઓ ખુલ્લી જ હતી. દૂરની એક જાળીમાં છૂપાઈને લક્ષ્મીએ આ બધી મંજરીની ચેષ્ઠા નિહાળી. પછી જાણે મહત્ત્વની શોધ તેણે કરી હોય એમ હસતું, પરંતુ ભારેખમ મુખ રાખી જાળી આગળથી તે ખસી ગઈ અને બારણાં પાસે જઈ સહજ બારણું ખોલી તેણે પૂછ્યું :

'બહેન ! આવું કે?'

મંજરી-પત્રચુંબનમાં બેભાન બનેલી મંજરીને એકદમ ભાન આવ્યું કે તે પોતાના પતિના મકાનમાં જ કોઈ પરપુરુષનો પત્ર વાંચી આનંદ માણે છે !

ક્ષણભર સ્તબ્ધ બની ગયેલી મંજરીએ લક્ષ્મીને જોઈ એકદમ કાગળ સંતાડી દીધો. ગુનો ન કર્યો હોય તો પણ કોઈ ચીજ છુપાવવાનો પ્રયત્ન કરતાં મનુષ્ય ગુનેગાર જેવો જ દેખાય છે.

'કેમ બહેન, રડો છો ?' લક્ષ્મીએ પૂછ્યું.

'હું તો કાંઈ રડતી નથી.'

‘ત્યારે તમે હસો છો ?'

'તને ભલું એવું લાગ્યા કરે છે !'

'તો ખરી વાત કહું છું.; એટલું બોલી લક્ષ્મી મંજરીની પાસે આવીને ઊભી.

મંજરીનો હાથ ઘડીઘડી ઉશીકા તરફ જતો હતો. કાગળ તેની નીચે જ સંતાડ્યો હતો. રખેને કાગળ ત્યાંથી ખસી જઈ જાહેર થાય એવો ડર તેને લાગ્યા કરતો હતો. આથી જાણીબૂઝીને પકડાઈ જવાય એવી તેના હાથની પ્રવૃત્તિ ચાલ્યા કરતી હતી.

'આજે કોઈના કાગળની રાહ નથી જોવાની ?' લક્ષ્મીએ પૂછ્યું.

'કાગળ કેવો અને રાહ કેવી?' મંજરી જૂઠું બોલી. સારાં માણસો પણ જીવનમાં કેટલીયે વાર જૂઠું બોલે છે.

'જાઓ, જાઓ. મને છેતરશો નહિ. હું અજાણી નથી. આજે કોનો કાગળ આવ્યો છે તે કહું ?'

લક્ષ્મીના આ બોલ સાંભળી મંજરીના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો, લક્ષ્મી ખરેખર કાગળ વાંચીને જ આવી હોય એવો તેને ભાસ થયો. મંજરીના મુખ ઉપરથી નૂર ઊડી ગયું, તે ફિક્કી પડી ગઈ. વ્યોમેશચંદ્રને તે ચહાતી હોય કે ન ચહાતી હોય છતાં તે તેમની પત્ની હતી. પત્નીએ પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષના જીવનમાં રસ લેવો એ મહાપાપ છે એમ નીતિવેત્તાઓએ નીતિના પ્રથમ સૂત્ર તરીકે સતયુગથી ઉચ્ચારેલું છે. મંજરીને લાગ્યું કે તે પાપ કરે છે. પાપ છુપાવવું એટલે પુણ્ય ! પરંતુ તે છુપાય નહિ ત્યારે ? ત્યારે પાપી કાં તો પ્રાયશ્ચિત્ત કરે કાં તો નઠોર બની જગતને ચીઢવવા ફરીથી એ પાપનો જ રસ્તો લે છે. જેમ માણસને ચીઢવવામાં મજા પડે છે, તેમ જગતને ચીઢવવામાં પણ રમૂજ આવે છે !

લક્ષ્મીએ પલંગ ઉપર બેઠેલી મંજરીની કુમળી હડપચી પકડી હસતે હસતે કહ્યું :

'કેમ કેવાં પકડાયાં છો ? બોલો હવે...! કેમ જીભ બંધ થઈ ગઈ? કહું, કોનો કાગળ છે ?'

'કાંઈ પણ ન જાણવા છતાં પૂરેપૂરું જાણવાનો ઢોંગ કરનાર માણસોનું ઘીટપણું અજબ હોય છે. કાગળ કોનો છે તે લક્ષ્મી જરાય જાણતી ન હતી. માત્ર મંજરીના સ્વાભાવિક ઊભરાએ તેની કલ્પનાને ઉત્તેજિત કરી હતી. સ્ત્રીસ્વભાવ અને પુરુષ સ્વભાવની જાણકાર લક્ષ્મી કલ્પનામાં પણ ખોટાં અનુમાનો તરફ દોરાય એમ ન હતું. અલબત્ત, એણે મંજરીને આપેલી હાસ્ય રૂપની ધમકી આખરે તો અનુમાન અને કલ્પનાની જ રમત હતી. સર્વજ્ઞ હોવાનો ઢોંગ કરી મંજરી પાસેથી કલ્પેલા પ્રસંગની સાચી વિગત કઢાવવાનો લક્ષ્મીએ સચોટ રસ્તો લીધો હતો.

શું કહેવું એ મંજરીને સૂઝયું નહિ. તેણે ફરીથી તકિયા ઉપર હાથ ફેરવ્યો, અને સંતાડેલા કાગળને વધારે દબાવી તેનું અસ્તિત્વ અને તેમાં રહેલું રહસ્ય વધારે સાબિત કર્યું. લક્ષ્મીએ તકિયા તરફ પોતાનો હાથ લંબાવ્યો. લક્ષ્મી જોકે નોકર હતી, તથાપિ તેનો દેખાવ, તેની રીતભાત અને તેની ધમક તેને બીજી ચાકરડીઓ કરતાં બહુ જ જુદી પાડી દેતાં હતાં. કદી તે સાસુ જેટલો દમામ રાખતી; કદી ઘરની પોતે જ માલિક હોય એમ હુકમ પણ કરતી; કોઈ વાર બહેનપણી બની જઈ મંજરીના હૃદયની વાત કઢાવવાને મથતી; અને લાગ જોઈ મંજરીના પગ દબાવી પોતાની હલકી નોકરની સ્થિતિ પણ માન્ય કરતી. આ બધું કરવામાં મંજરીને પોતાની કરી લેવાની તેની તજવીજ હતી.

લક્ષ્મીએ જેવો હાથ તકિયા તરફ લંબાવ્યો તેવો જ મંજરીએ તે હાથને જોરથી આઘો કર્યો. મંજરીના મુખ ઉપર ક્રોધ વ્યાપેલો દેખાયો, તેની ભ્રકુટી વાંકી થઈ. જવલ્લે ક્રોધ કરતી મંજરીનો કોપ ભય પમાડે એવો હતો.

લક્ષ્મી સમજી કે હવે મંજરીને મનાવવી પડશે. એકલો હક્ક કરી કાગળ ઝૂંટવી શકાય નહિ.

‘છેવટે આવું જ કરશો ને ? અમે અમારા મનથી જીવ આપીએ ત્યારે બહેન તો અમને ધક્કા મારે ! નથી જોઈતો તમારો કાગળ. અમે બધું જાણીએ છીએ કે એ ક્યાંથી આવ્યો છે !' લક્ષ્મીએ મૃદુ રીસ ચઢાવી.

'તું જાણે છે ત્યારે મને પૂછવા કેમ આવી ?' મંજરીએ ગુસ્સો ચાલુ રાખ્યો.

'મને શી ખબર કે તમે હજીયે જુદાઈ રાખશો ?’ લક્ષ્મીએ દયા ઉપજાવતી લાચારી બતાવી કહ્યું.

લક્ષ્મીને માટે ફરિયાદ કરવા સરખું મંજરીને કાંઈ જ દેખાયું નહોતું. ઊલટું પોતાને માટે અનહદ કાળજી રાખતી લક્ષ્મી પ્રત્યે તેને લાગણી હતી. મંજરીનું મન કુમળી કે તીવ્ર એક લાગણી દેખાડવાની સ્મૃતિ ધરાવતું જ મટી ગયું હતું ખરું, છતાં લક્ષ્મી છેક અણગમતી બની ગઈ નહોતી. તેના લાચારીભર્યા શબ્દોએ મંજરીને પિગળાવી.

વળી મંજરી એકલી હતી. ભયાનક એકલવાયાપણાની ઓથાર તેને દબાવી રહી હતી. જેની સાથે મંજરી પરણી તેની સાથે તે એકતા સાધી શકી નહોતી. માબાપથી તે જુદી પડી ગઈ હતી. માબાપમય જીવન હવે તેને માટે શક્ય નહોતું. જેની જુદાઈ તેણે સ્વપ્ને પણ ચાહી નહોતી તે સનાતન હવે તેને આ જન્મે પોતાની કરી શકે એમ નહોતું. માત્ર આ એકલી લક્ષ્મી વારે ઘડીએ મંજરીની આસપાસ ઝઝૂમ્યા કરતી હતી અને તેના જીવનમાં ઊંડે ઊતરી સમભાવ બતાવતા મથતી હતી. મંજરીનું કોઈ જ નહોતું. લક્ષ્મીને એ એકલાપણું જણાવવાનું મંજરીને મન થયું.

'જગતમાં મારું કોઈ નથી, શા માટે હું તને કશુંયે કહું? કદાચ કહું તેથીયે શું ?' મંજરી દુઃખભર્યા અવાજથી બોલી.

લક્ષ્મીને લાગ્યું કે તેના પાસા સવળા પડે છે. મંજરીને માથે અને વાંસે હાથ ફેરવી તેણે જણાવ્યું :

'ના રે, બહેન ! એવું રાખીએ નહિ. એકાદ જણ તો પોતાનું કરવું કે જેને બધુંયે કહેવાય. દુઃખ કહીએ તો તે અડધું ઓછું થઈ જાય.’

બહારથી વ્યોમેશચંદ્રની બૂમ સંભળાઈ :

'લક્ષ્મી ! લક્ષ્મી !'

મંજરી પાસેથી જરા પણ ખસ્યા વગર લક્ષ્મીએ જવાબ દીધો:

‘કેમ, શું છે ? હું તો અહીં બહેન પાસે છું.'

વ્યોમેશચંદ્ર બારણું ખોલી અંદર આવ્યા. આ ઓરડીમાં આવ્યે તેમને કેટલાક દિવસ થઈ ગયા હતા. મંજરી તરફ તેમણે ધ્યાન પણ ન આપ્યું. અને લક્ષ્મી ભણી જોઈ કહ્યું :

‘તું અહીં ને અહીં જ ભરાઈ રહે છે. તને શાની ખબર હોય કે આજે એક મહેમાન આવવાના છે ?'

આ શબ્દો લક્ષ્મીને ઉદેશીને બોલાતા હતા. કદાચ લક્ષ્મીને માટે જ તે વ્યંગ વપરાતો હોય ! છતાં મંજરીને લાગ્યું કે લક્ષ્મીને સંબોધાતા શબ્દો ખરેખર તેને માટે હતા.

‘મને તે વળી કોણ કહે ?' લક્ષ્મીએ પોતાની પાયરીનું સૂચન કરાવ્યું.

'હું તને કહું છું. મહેમાન મુંબઈથી આવવાના છે.' વ્યોમેશચંદ્ર કહ્યું.

મંજરી ફરી કંપી ઊઠી. તેનો પત્ર સહુએ વાંચ્યો કે શું? કોઈના પત્ર ઉઘાડી, વાંચી ફરી બંધ કરવાની તરકીબ સુધરેલા જમાનામાં અજાણી નથી.

'તે ભલે આવે ! આપણે મહેમાનોની ક્યાં નવાઈ છે ?' લક્ષ્મીએ કહ્યું.

'હં ! મારે તો મારા માણસ પણ મહેમાન બની જાય છે.' આછો તિરસ્કાર મુખ ઉપર વ્યક્ત કરી વ્યોમેશચંદ્ર બોલ્યા. ખરે, મંજરીને તેઓ પોતાની બનાવવા મથતા હતા - કાયદા અને સમાજની દ્રષ્ટિએ તો તે તેમની હતી જ - છતાં મંજરી પત્ની કરતાં એક મહેમાન સરખી વધારે લાગતી હતી. મહેમાનને લાગતું અતડાપણું હોવા ઉપરાંત મંજરીમાં તો તેના પોતાના જીવન પ્રત્યે એક જાતનો વિરોધ વરસતો દેખાતો હતો. મંજરીએ નીચેથી ઊંચે જોયું જ નહિ.

‘તેઓ સાંજે આવશે. સ્ટેશને ગાડી મોકલવાની છે.' વ્યોમેશચંદ્રે સૂચના આપી.

લક્ષ્મીને સમજ ન પડી કે આ બધી સૂચના તેને શા માટે અપાતી હશે.

મંજરીને ઉદ્દેશીને કેટલોક મર્મ આમાં વપરાતો હતો એમ જાણ્યા છતાં તેને વ્યોમેશચંદ્રની લંબાણ સૂચનાઓ માટે આશ્ચર્ય ઊપજ્યું.

‘વખત થશે એટલે ગાડીવાળો જશે.' લક્ષ્મીએ કહ્યું.

‘પણ ગાડીવાળાને કહેશે કોણ? હું તો અત્યારે જાઉ છું.’ વ્યોમેશચંદ્ર બોલ્યા.

'ક્યાં ?' લક્ષ્મીએ પૂછ્યું.

'જહન્નમમાં.' કંટાળીને વ્યોમેશે જવાબ આપ્યો.

'અરે એમ શું? મહેમાન આવે તે દિવસ તો અહીં રહેવું પડે.’ લક્ષ્મી બોલી. 'મારે ગામડે ગયા વગર ચાલે એમ નથી. વખતસર ગાડી મોકલજે, અને મહેમાનની કાળજી રાખજે. હું કાલે પાછો આવીશ.' કહી વ્યોમેશચંદ્ર ગયા.

'મહેમાનને તો તમે ઓળખતાં હશો.' લક્ષ્મીએ મંજરીને પૂછ્યું.

'મારે કોઈને ઓળખવું નથી. મને અહીં એકલી મરી રહેવા દે.' મંજરી બોલી અને કાંઈ સૂઝ ન પડવાથી આંખો દબાવી પાસુ ફેરવી સૂઈ ગઈ.

‘શું વ્યોમેશચંદ્ર જાણીને જાય છે ?' મંજરીએ સૂતે સૂતે પોતાની જાતને જ પ્રશ્ન પૂછ્યો.