← દ્વિતીય લગ્નની જરૂરિયાત પત્રલાલસા
પ્રથમ ભેટ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
ગ્રેજ્યુએટ થયા પછી →


પ્રથમ ભેટ

અહ પ્રિત શી ! અહ હેત શું ! અહ કશો અંતર ઉમળકો !
શું પત્ર આ? શું શબ્દમાં ! એ મૃતક કરથી છે લખ્યો !

 * * *

એ પ્રાણપતિનું હૃદય છે ! એ આત્મનાં ભવનો નર્યા !
એ ભવનમાં રમતાં નિરંતર સુંદરીથી છે ભર્યા !

 * * *

મુજ ઉપર ઝીલતી કંચુકીની ભાતડી પ્રિય, તું જ છો !
મુજ સાડીમાં રહી શોભતું, શોભાવતું ગુલ તું જ છો !

નાનાલાલ

સનાતન ક્યાં હશે ? શું કરતો હશે? એ બધું મંજરીને કોણ કહે ? શા માટે કહે ? કોઈને આ બધી વાત જાણવાનું કારણ શું ? મંજરીને આમ મૂંઝવણ થઈ. શા માટે મંજરીને આ મૂંઝવણ થઈ તેનું કારણ તેનાથી સમજી શકાયું નહિ. મંજરી ઘણી જ શાન્ત અને સમજણવાળી હતી. આવો ફેરફાર હૃદયમાં કેમ થયો હશે તે તેના સમજવામાં આવ્યું નહિ; અજાણ્યા-પારકા યુવક માટે હૃદયમાં કોઈક અતિ કુમળો છતાં ઉત્તેજક ભાવ એ શો પ્રગટ્યો? એ સારું કે ખોટું ?

છતાં સનાતન સાંભર્યા જ કરતો; તેની સાથે જ એક દિવસ તેણે થોડી ક્ષણ માત્ર વાત કરી હતી, પરંતુ તે પ્રસંગનાં સ્વપ્ન નજર આગળથી ખસતાં નહિ. સનાતને પત્ર લખવાનું કહ્યું હતું, ખરું? ક્યારે પત્ર આવશે? પત્રમાં શું આવશે ? વિચાર કરતાં તેનાં રોમ ઊભાં થયાં. પત્રની કલ્પના થતાં તેનું હૈયું ઝોલે ચડ્યું. શું લખશે ? કાંઈક વિચાર આવ્યો, અને શરમથી મુખ રાતું થઈ ગયું. તેને સહજ હસવું આવ્યું. આ ઘેલછા શી ? મારે અને સનાતનને શું ? તે મનમાં બોલી, અને અચાનક નીચે ટપાલીએ તેના નામનો ઉચ્ચાર કર્યો.

તે ચમકી, કંપી ઊઠી, છતાં નીચે ઉતાવળી દોડી. ઉતાવળમાં તેના ઘૂંટણમાં એક ખુરશી જોરથી અથડાઈ, પણ તે વખતે તેને કશું લાગ્યું નહિ. ઉપર કોઈ જાણે તે પહેલાં, પોતાનો કાગળ છાનોમાનો વાંચી લઈ સંતાડી મૂકી દેવાની વૃત્તિ એટલી બધી પ્રબળ હતી કે વાગ્યાનું પણ તેને ભાન રહે એમ નહોતું.

નીચે જઈ તેણે પત્ર ઉપાડ્યો. સુંદર અક્ષરોમાં પોતાનું નામ અંકાયેલું જોયું. આવા સુંદર અક્ષરોમાં ભાગ્યે જ કોઈએ તેનું નામ લખ્યું હશે, પરબીડિયું ખોલવાની તેની હિંમત ચાલી નહિ. વખતે કોઈ જોઈ લેશે તો ? તેણે પત્રને વાળી દીધો અને કબજાના ખિસ્સામાં મૂક્યો. બીજા કાગળો પણ હતા તે પોતાના પિતાના હતા. તે ભેગા કરી ઉપર ચડી કાગળો દીનાનાથને આપી દીધા.

'કોના કોના કાગળો છે ?' દીનાનાથે પૂછ્યું.

'મેં જોયા નથી; વાંચું ?' મંજરીએ કહ્યું.

'હા, વાંચી સંભળાવ.' પિતાએ કહ્યું.

મંજરીને થયું પિતાજી ભણેલાગણેલા છે અને મારી પાસે શા માટે કાગળો વંચાવે છે ? ઘણુંખરું મંજરી જ કાગળો વાંચતી. પણ આજે તે નિત્યક્રમ ભૂલી ગઈ; અને કચવાતે મને બેઠી. કાગળો તો બધા વાંચવા પડ્યા, પરંતુ તેનો ક્યારે પાર આવશે એમ કંટાળાભરેલી વૃત્તિથી તેણે વાંચ્યા.

જેમતેમ કરી કાગળો પૂરા કરી તે પોતાની નાની ઓરડીમાં આવી. ઓરડીનું બારણું બંધ કર્યું. ખિસ્સામાંથી કાગળ કાઢ્યો. કાગળ કાઢતાં તેનો હાથ સહજ કંપ્યો અને હૃદય ધડક્યું.

બહુ જ સાવચેતીથી તેણે લિફાફો ઉઘાડ્યો.

અંદરથી એક સો રૂપિયાની નોટ અને પત્ર બહાર આવ્યાં. તેને આશ્ચર્ય લાગ્યું. સહજ શંકા આવી અને કાગળની ગડી ઉકેલી પત્ર ધબકતે હૃદયે વાંચવા માંડ્યો.

'મંજરી,
 
મારી આજે જન્મતિથિ છે તે નિમિત્તે હું અલ્પ ભેટ મોકલું છું. ભેટ મોકલવા મેં તારા પિતાની સંમતિ લીધી છે. માટે વગર સંકોચે સ્વીકારજે, અને તને ગમે તે વસ્તુ મારા સંભારણા તરીકે તેમાંથી મંગાવજે.
લિ. વ્યોમેશચંદ્ર'
 

મંજરીને લાગ્યું કે તેના હૃદયસાગરમાં અચાનક ઓટ આવે છે. તેનો ઉત્સાહ ઓસરી ગયો. રસ ફીટી ગયો અને આનંદ ઊડી ગયો. જગત શૂન્ય ભાસવા માંડ્યું. અસહાય જીવન કોઈક અણધારી દિશામાં જ ઘસડાતું લાગ્યું. કેટલીક વાર સુધી ખાલી નજરે એક બાજુ તરફ જોયા કરતી તે બેસી રહી.

બારીમાંથી સહજ પવન આવ્યો અને કાગળ હાલ્યો. શૂન્યમય સ્વપ્નમાંથી ઝબકી મંજરીએ કાગળ અને નોટ હાથમાં લીધાં અને શાન્તિથી બંનેને ફાડવા લાગી. કિંમતી નોટને ચીરતાં તેને જરા પણ અસર થઈ નહિ. ઘરમાં વધારે પડતા નકામા કાગળોને જેમ જરા પણ દયા વગર ચીરી નાખવામાં આવે છે તેમ તેણે એ બંને કાગળોના ઝીણા ચૂરા કરી નાખ્યા.

‘આટલી ઉંમરે લોકો પોતાની જન્મતિથિઓ ઊજવતા ન હોય તો ન ચાલે ?' તે લવી ઊઠી. તેને ક્યાં ખબર હતી કે ઉંમર વધવાથી જિંદગીની કિંમત ઘટતી નથી ? વ્યોમેશચંદ્રની ઉંમર વધારે કહી શકાય ? એ ભલા જાગીરદારને તો ભારે અન્યાય આપતી હતી.

તે ઊભી થઈ નીચે જવા લાગી. આજે શરીરમાં કેમ અશકિત લાગે છે ? તેણે પોતાના મનથી ધાર્યું કે તેનામાં કાંઈ જોર રહ્યું નથી. છતાં તે નીચે પોતાના પિતા પાસે જવા લાગી. અધવચ તેણે વ્યોમેશચંદ્રને વાતો કરતા સાંભળ્યા. તે અટકી, મુખ ઉપર અસહ્ય કંટાળો પ્રદર્શિત કર્યો, અને પોતાની ઓરડીમાં જવા પાછી ફરી. ઝડપથી તે ઉપર ચડી ગઈ, ફરી પોતાની ઓરડીમાં દાખલ થઈ, બારણું બંધ કર્યું અને પલંગ ઉપર બેકાળજીથી પડી, અચાનક તેણે આંખો મીંચી દીધી; મીંચેલી આંખો ઉપર હાથ દાબ્યા. તેનું હૃદય પોકારી ઊઠ્યું : 'સનાતન ! સનાતન !'

તેને કોણ કહેશે કે સનાતન ક્યાં છે?

નીચેથી નંદકુંવરે બૂમ મારી : 'મંજરી ! જરા નીચે આવ ને ! વ્યોમેશચંદ્ર આવ્યા છે; તને યાદ કરે છે.'

'મારું માથું દુખે છે; હમણાં નહિ આવું !' કહી મંજરી સૂતી જ રહી.

વ્યોમેશચંદ્ર ખરેખર મંજરીને યાદ કરતા હતા. પોતે મોકલાવેલા કાગળની મંજરી ઉપર શી અસર થાય છે એ જોવાની તેમની ઇચ્છા હતી. ભલા ગણાતા માણસોની યુક્તિઓ લુચ્ચા માણસોની પ્રમાણિક લુચ્ચાઈ કરતા વધારે ગૂંચવણ ભરેલી હોય છે.

લક્ષ્મીના પ્રસંગ પછી વ્યોમેશચંદ્રની ખાતરી થઈ ગઈ હતી કે પોતાને પરણવું જ પડશે. 'પરણ્યા સિવાય જગતમાં નીતિમાન રહેવું મુશ્કેલ છે.' એમ તેમણે સૂત્ર બાંધ્યું. નીતિમાંથી ચળાય એ ભયથી થતા લગ્નમાં નીતિ કેટલી રહી શકે એ ગૂંચવણભર્યો પ્રશ્ન તેમનાં મનમાં ઊઠ્યો જ નહિ. ચારે પાસ વહેતી લોલુપ વૃત્તિઓને એકત્ર કરી એક જ વિજાતીય વ્યક્તિ તરફ પ્રેરવી એનું જ નામ શું લગ્ન ? અને એ લાલસા સંતોષવાનું સાધન એનું જ નામ પત્ની? નીતિ ! નીતિ ! જગતમાં તારી વ્યાખ્યા કેવી રીતે બાંધવી?

ગત પત્નીના વિચારને વ્યોમેશચંદ્ર શરમાતા હૃદયે આઘો કર્યો. 'શું કરું?’ તેમણે દલીલ કરી. 'પરણું નહિ અને આડે રસ્તે દોરાઈ જઉં તો તેને વધારે અન્યાય થશે !' જાણે આવાં લગ્નમાં અને આડા રસ્તામાં ભારે તફાવત હોય એમ તેમને લાગ્યું. આખા જગતને એમ લાગે છે. બધા ફરી પરણે છે. શા માટે વ્યોમેશચંદ્રને એકલાને દોષ દેવો ?

અને ઉપરાંત તેમનાં પત્નીએ મરતે મરતે પણ ફરી લગ્ન કરવાનો આગ્રહ કર્યો હતો ! એ આગ્રહ, એ આજ્ઞાનું ઉલ્લંઘન થાય ? ગત પત્નીની ઈચ્છા વિરુદ્ધ જવાનું પાપ થાય ? નહિ જ.

‘માટે મારે ફરી પરણવું જ પડશે.' વ્યોમેશચંદ્ર પોતાની દલીલો સબળ કરવા માંડી.