પત્રલાલસા/ગ્રેજ્યુએટ થયા પછી

← પ્રથમ ભેટ પત્રલાલસા
ગ્રેજ્યુએટ થયા પછી
રમણલાલ દેસાઈ
૧૯૩૧
વિચિત્ર સ્થળ →


ગ્રેજ્યુએટ થયા પછી

કહી તું જાય છે દોરી
દગાબાજી કરી કિસ્મત !
મણિલાલ

સનાતન બી.એ.માં ઊંચા નંબરે પાસ થયો. તેના મિત્રો, સગાંસંબંધી, ઓળખીતાઓ અને કૉલેજના પ્રોફેસરોએ મુબારકબાદી આપી. તેને હજી આગળ અભ્યાસ કરવો હતો, પરંતુ જે ગામમાં તેના કાકાની બદલી થઈ હતી ત્યાં આગળ અભ્યાસની સગવડો નહોતી; અને તેથી પણ મહત્ત્વની વાત એ હતી કે તેની અગર તેના કાકાની પાસે વધારે અભ્યાસ કરવા માટેનું સાધન નહોતું.

ઉપરાંત સનાતનમાં ધનવાન થવા માટે તીવ્ર ઉત્કંઠા જાગી હતી. ભરતશીવણ કામ વેચી પોતાના પિતાની દુર્બળ સ્થિતિ ટાળવા પ્રયત્ન કરતી મંજરીને જ્યારથી તેણે જોઈ ત્યારથી તેના મનમાં એક જ વિચાર રમી રહ્યો હતો: 'હું મંજરીને લાખોની મિલકત ભેટ ન કરી શકું? અને તેને આવી ગરીબીમાંથી છોડાવી ન શકું?' યુવકો સર્વદા આશાવાન અને ઉત્સાહી હોય છે. તેમની અભિલાષાને સીમા હોતી નથી, અને તેમાં પણ જો એ આશા અને અભિલાષા કોઈ યુવતીમાં સંક્રાન્ત થાય ત્યારે તેમાં અપૂર્વ બળ આવે છે. આકાશમાંથી તારાઓ તોડી લાવવામાં તેને મુશ્કેલી જણાતી નથી, હિમાલયને આંગળી ઉપર ઉઠાવવો એ સહજ લાગે છે, અને સૂર્યચંદ્રને દડાની માફક ફેંકવાની પ્રવૃત્તિ સ્વાભાવિક લાગે છે. સ્ત્રીઓ માટે પુરુષો જગતમાં શું શું નથી કરતા ?

યુવકો સર્વદા પોતાનું જીવન મહત્ત્વાકાંક્ષાથી જ શરૂ કરે છે, પણ સનાતનની મહત્ત્વાકાંક્ષામાં અતિશય તીવ્રતા હતી. બને તો એક જ દિવસમાં અઢળક ધન ભેગું કરવું એમ તેના મનમાં થયા કરતું. મંજરીના ચરણ આગળ ધનનો ઢગલો કરી ઊભા રહેવું અને મંજરીના નયનમાંથી પ્રશંસાનું કિરણ પોતાની આંખમાં ઝીલવું એ તેનું અત્યારે ધ્યેય હતું. મંજરી આવી ભેટ સ્વીકારશે કે કેમ ? તેનાં અભિમાની માતાપિતા આવી ભેટ સ્વીકારવા દેશે કે કેમ ? પોતે કયા સંબંધે આ ભેટ આપી શકશે ? એવા વિચાર કદાચ આવતા; પરંતુ તેનું સમાધાન સહજ થઈ શકતું. તે દિવસે અગાસીમાં મંજરીએ શું કહ્યું હતું ? પત્ર લખવાનો નહોતો કહ્યો ? કેવી ભાવભરી વાણીથી તે વાત કરતી હતી? તેની આંખમાં મીઠાશ કેવી ચમકી રહી હતી ? શું તે મારી ભેટ નહિ સ્વીકારે ? અને ભેટની સાથે મને નહિ સ્વીકારે ?

આ વિચાર આવતાં જ તેનાં રોમ ઊભાં થઈ જતાં. તેના દેહમાં વીજળી ઝબકી જતી. સમુદ્ર ઉલેચી નાખવાનું બળ આવતું. 'પત્ર તો લખશો ને ?' એમ બોલતી મંજરીની મૂર્તિ તેની આગળ ઊભી રહેતી. તેણે નિશ્ચય કર્યો હતો કે જ્યાં સુધી મંજરીની પાસે ધનનો ઢગલો ભેટમાં ન મૂકું ત્યાં લગી પત્ર લખવાની મારી લાયકાત ગણાય જ નહિ. આ નિશ્ચયથી તેણે ઘણી વાર મનને મારી કાગળ લખ્યો જ નહિ. તેને ઘણું મન થઈ આવતું કે પત્ર લખી તે મંજરીની ખબર પુછાવે. ક્વચિત પત્ર લઈને બેસતો પણ ખરો, થોડા અક્ષરો પાડતો પણ ખરો, પરંતુ પોતાની કઈ લાયકાત ઉપર તે કાગળ લખે ? લખેલો કાગળ તે ફાડી નાખતો, અને મંજરી માટે ધનવાન થવા અનેક વિચારોમાં મશગૂલ રહેતો.

મુંબઈ એ ધનની ખાણ છે એમ તેના જાણવામાં હતું. વધારે અભ્યાસ માટે પણ ત્યાં જ સગવડ થાય એવી હતી. ધનપ્રાપ્તિના અનેક માર્ગ ત્યાં જ મળી આવશે, અનેક સભાઓ અને મંડળીઓમાં ભળવાથી આગળ આવી શકાશે, આવા વિચારો કરી સનાતન મુંબઈ આવ્યો, અને પોતાના એક મિત્રની નાની સરખી ઓરડીમાં ઊતર્યો. તેને તરત વિચાર આવ્યો કે 'આવડું મોટું શહેર અને આટલાં ગંજાવર મકાનો, છતાં માણસને રહેવા માટે કેદીની ઓરડી કરતાં પણ નાની ઓરડી !'

તેણે ચારે પાસ અરજીઓ નાખી, પોતાની લાયકાતનાં ભભકભર્યા પ્રમાણપત્રો સાથે રાખ્યાં સરકારી અને ખાનગી કચેરીઓમાં તપાસ કરી; મળવા જેવા માણસોને મળ્યો, કાંઈ કરતાં એક વખત નોકરી મળી જાય તો પછી આગળ રસ્તો થશે એ વિચારથી નોકરી મેળવવા અત્યંત આગ્રહથી તેણે પ્રયત્નો શરૂ કર્યા.

પરંતુ જગતમાં આગળ વધવાના રસ્તા ભાગ્યે જ સરળ હોય છે. વ્યવહારમાં પ્રથમ પગલું મૂકતાં જ જગત તેને વધાવી લેશે એવી સનાતનની માન્યતા હતી. પરંતુ દુનિયા એવા હજારો અને લાખો સનાતનોની દરકાર વગર આગળ ધપ્યે જાય છે એવી તેને હવે જ ખબર પડી.

આ અરજીઓના જવાબો આવવા માંડ્યા : 'હાલ જગા ખાલી નથી.' બીજા ઉમેદવારોની નિમણુક થઈ ગઈ છે.' 'તમે માગો છો તે પગાર ઘણો ભારે છે.' 'તમારા જેવી લાયકાત ધરાવનાર આટલા ઓછા પગારની માગણી કરે એ અમને સંતોષકારક લાગતું નથી, માટે તમારી અરજી સંબંધી કાંઈ થશે નહિ.' 'તમારા જેવી કેળવણી પામેલા યુવકને અમારી નાની સંસ્થામાં જોડી દેવાથી ભવિષ્ય બગડે એ ભયથી અમો તમને સલાહ આપીએ છીએ કે તમારે અમારી સંસ્થામાં નોકરી ન લેવી.' 'આટલું બધું ભણેલા માણસનો અત્રે ખપ નથી.' 'અમે બહુ ગ્રેજ્યુએટો અજમાવી જોયા, પરંતુ તેમનાથી અમને જરા પણ સંતોષ થયો નથી. તમે ગ્રેજ્યુએટ છો. દિલગીરી સાથે લખવું પડે છે કે હવે ગ્રેજ્યુએટ રાખવાનો એક પણ વધારે અખતરો કરવા અમો તૈયાર નથી.' 'અમને ગ્રેજ્યુએટ નહિ જોઈએ.’ ‘તમો પરણેલા નથી એટલે નાઈલાજ.'

કેટલીક અરજીના તો જવાબ પણ આવ્યા નહિ.

સનાતન જવાબો વાંચી સ્તબ્ધ બનતો ગયો. તેને ખાતરી થવા માંડી કે જગતને કાંઈ પણ જોઈતું હશે તો તે સનાતન તો નહિ જ હોય ! સનાતન સિવાય જગતને બધું જ જોઈએ છે !

તેણે મોટા ગૃહસ્થો અને અમલદારોને જાતે મળવા વિચાર રાખ્યો. તેને એમ લાગ્યું કે તેનો ઊંચો મજબૂત બાંધો, ગૌર વર્ણ નાજુક મુખ અને બોલવાની છટા જરૂર સામા માણસ ઉપર છાપ પાડ્યા વગર નહિ જ રહે. પરંતુ ધનવાન અને સત્તાવાન મનુષ્યો ઉપર છાપ પાડવાનો પ્રયોગ કદી સફળ થતો જ નથી.

અડધો કલાક બેસાડી રાખી એક ગૃહસ્થ સનાતનને પોતાની પાસે બોલાવ્યો.

'સનાતન તમારું જ નામ કે ?'

'જી હા.' છટાથી સનાતને જવાબ આપ્યો. '

'હાં.તે પછી...શા કામે આવ્યા છો ?' ગૃહસ્થે પૂછ્યું.

'સાહેબ ! હું પ્રથમ વર્ગમાં પાસ થયેલો ગ્રેજ્યુએટ છું, અને....'

તેને આગળ બોલતાં પહેલાં જવાબ મળ્યો :

'બહુ સારી વાત છે... અરે જમાદાર ! જુઓ ને, ગાડી તૈયાર થઈ ? હાં, પછી ?'

'મારી ઇચ્છા એવી છે કે...' સનાતન બોલી રહે તે પહેલાં તો પેલા ગૃહસ્થે બીજી બૂમ મારી :

'સાંભળો ને ! ટેલિફોનમાંથી શો જવાબ આવ્યો ?....હા, હા. તમારી ઈચ્છા ઘણી સારી છે.'

સનાતનને લાગ્યું કે આ ગૃહસ્થ ઘેલા થઈ ગયા છે કે શું ? પોતાની વાત સાંભળવાની પણ તેમને ફુરસદ દેખાતી નથી. તો પછી અંદર બોલાવ્યો શા માટે ? તેણે છેવટે કહ્યું :

‘ત્યારે હું રજા લઉ છું.'

'હા ભાઈ ! આવજો હો !' બોલી તે ગૃહસ્થે ઊભા થઈ ચાલવા માંડ્યું. સનાતન રીસમાં આવી બીજી જગાએ ગયો. સિપાઈએ કલાક બેસાડી રાખી છેવટે જવાબ આપ્યો કે 'સાહેબ આજે મળી શકશે નહિ.'

'મોટા માણસો આવા અવિવેકી હોય છે ?' તે બબડ્યો. આવા લાખો બબડાટો વચ્ચે મોટા માણસો મોટા થયે જ જાય છે.

સનાતનના સ્વાભિમાનને આમ ઘા પડવા માંડ્યાં. 'દુનિયામાં મારું સ્થાન જ નથી ?' તે પોતાની જાત ઉપર ચિડાયો. મારું ભણતર, મારું જ્ઞાન, મારી આવડત, મારી ચાલાકી સરસ્વતીના ક્ષેત્રમાં સ્વીકાર પામ્યાં; લક્ષ્મીના મંદિરમાં શું તેમનો ઉપયોગ છે જ નહિ ? લક્ષ્મીના પૂજારીઓમાં શું જુદી જ લાયકાત જોઈતી હશે ?' તે વિચારોના વમળમાં પડ્યો.

એકાએક તેની દ્રષ્ટિએ પાંચ-સાત મોટરો અને પાંચ-સાત ગાડીઓ બેદરકારી અને ત્વરાથી જતી માલુમ પડી. લક્ષ્મીદેવીના લાડકવાયાઓનાં સનાતને દર્શન કર્યા.

તે હસ્યો.

'પેલાને બેસતાં તો આવડતું નથી. જાણે હવે મોટરમાંથી ઊઠવું જ ન હોય એમ પડ્યો છે.' પૈસાદારને જોઈને તેણે મનથી ટીકા કરવા માંડી.

અને આ ગૃહસ્થ ! આખી બેઠકમાં એકલા પોતે જ સમાઈ શક્યા છે. આવી જાડાઈ ?'

ત્રીજા ધનવાનની દોડતી મોટર જોઈ તેને ફરી હસવાનું મન થયું. 'કેટલો કદરૂપો ! એની સાથે પરણનાર કોણ ભાગ્યશાળી હશે ?'

પરંતુ એ પ્રશ્નનો ઉત્તર તેને તુરત મળી ગયો. એક અતિશય સ્થૂળ, કાળા અને કદરૂપા ગૃહસ્થની જોડે એક દેખાવડી સ્ત્રીને લઈને મોટર તેની આગળથી પસાર થઈ. તે સ્ત્રીનું મુખ હસતું હતું. આવા કદરૂપા ગૃહસ્થની સાથે બેસવામાં તે સ્ત્રીને કાંઈ દુઃખ કે શરમ લાગતાં હોય એમ જણાયું નહિ.

તેણે ટીકા કરવી બંધ કરી. તેને લાગ્યું કે તે પોતાની તુચ્છતા બતાવે છે.

આકાશમાંથી સૂર્ય અસ્ત થતો હતો. આ પૂર્વ લાવણ્યભર્યા રંગ વચ્ચેથી પસાર થતો આ જગતનો આધાર અંધકારમાં ઓસરી જતો હતો. ક્ષિતિજમાં ડૂબતે ડૂબતે પણ તેનું સ્મિત કાયમ રહ્યું, અને સંપૂર્ણ અસ્ત થતાં તેના સ્મિતનાં ચિત્રો આકાશે ઝીલી લીધાં.

દોડતા જગતને આની શી પરવા હતી ? સૂર્યાસ્ત રોજ થાય છે. ઘણાયે સૂર્યાસ્ત જોયા. એ સૂર્યાસ્ત મારા ખિસ્સામાં શો ભાર વધારે છે ? ધનપ્રાપ્તિ માટે રાત્રે પણ જાગવા ઈચ્છતા જગત ને સૂર્યાસ્તની આ કિંમત કરવાની છે.

સનાતન વિચારમાં ને વિચારમાં આગળ વધ્યો. વિચાર પણ બંધ પડ્યા. આજે ઘેર જવું સાંભર્યું નહિ. રાત પડી હતી, લોકોનાં ટોળાં વહ્યે જ જતાં હતાં, તે જોતો જોતો ખાલી મને સનાતન ચાલ્યો જ જતો હતો. તેનું હૃદય શૂન્ય હતું. તેના પગ જ માત્ર ચાલતા હતા. તેની આંખ ઉઘાડી હતી છતાં કોઈ પણ પ્રકારનું દ્રશ્ય તે તેના મગજ ઉપર છાપી શકતી નહોતી.

એટલામાં તેણે ખડખડાટ હસવાનો અવાજ સાંભળ્યો.

આ હાસ્ય સાંભળી તેનું હૃદય ખૂલી ગયું. તેણે આજુબાજુનાં દ્રશ્ય ગ્રહણ કરવા પ્રયત્ન કર્યો. આ સ્થાને તે ક્યાં આવી લાગ્યો ? આ આજુબાજુની બારીઓ અને ઓટલા ઉપર અંગ સમારીને સ્ત્રીઓ બેઠેલી હતી. રસ્તે જતા ફક્કડો સાથે ઠઠ્ઠામશ્કરી, હસાહસ અને તોફાન ચાલતાં હતાં. નફટાઈ અને અમર્યાદાની સીમા નહોતી. નાની બાળકીઓથી માંડી મધ્યવયમાં પ્રવેશ કરતી સ્ત્રીઓ ત્યાં જોવામાં આવતી અને તે સર્વ જતા આવતા, નાના મોટા અને વૃદ્ધ વયના પુરુષો ઉપર મોહનમંત્રનો પ્રયોગ ચાલુ રાખતી.

તેમનાં મુખ જોતાં સનાતન ચેતી ગયો. ‘આ તો પતિત સ્ત્રીઓ !' તેને મનમાં વિચાર્યું. પતિત સ્ત્રીઓના મુખ ઉપર તેમનું પતિતપણું સ્પષ્ટ અંકિત થયેલું હોય છે. હરકોઈ તેમને ઓળખી શકે છે.

'હું અહીં ક્યાં આવી ચઢ્યો ?' તે લવી ઊઠ્યો. તેને અપાર શરમ આવી. નાસી જવા માટે તેણે રસ્તો ખોળવા માંડ્યો. કોઈ દેખશે તો ? તેને પકડાવાનો ડર લાગ્યો. વ્યાકુળપણું તેના મુખ ઉપર જણાઈ આવ્યું હશે, કારણ તેના સામું જોઈ પેલી સ્ત્રીઓ હસતી હતી. એકે તો આ બહાવરાપણું જોઈ વગર પિછાને સનાતનને પૂછ્યું પણ ખરું.

'શેઠ ! મુંબઈ આજે જ જોયું કે ?'

તે વગર બોલ્યે આગળ વધ્યો. થોડેક છેટે ગયો એટલામાં તેને ખભે કોઈનો હાથ પડ્યો. ચમકીને તેણે પાછું જોયું. ચિતરંજનને તેણે ભાળ્યો. તે હસતો હતો.

તેને શંકા આવી : 'આ વૃદ્ધાવસ્થાએ આવી પહોંચેલો માણસ પણ અહીં રખડે છે ?'

'કેમ સનાતન ! ઓળખાણ પડે છે ?' ચિતરંજને પૂછ્યું.

'હા. કેમ નહિ ? દીનાનાથ જાગીરદારનું મકાન મેં જ આપને બતાવ્યું હતું.' સનાતને જવાબ આપ્યો.

'મુંબઈ ક્યારનો આવ્યો છે, ભાઈ ?' ચિતરંજને એકવચનમાં સંબોધન કરી સનાતન સાથે નિકટપણું બતાવ્યું.

'થોડા દિવસ થયા. આપ ખુશીમાં છો ?' સનાતન જોઈ શક્યો કે ચિતરંજનને આ બાજુએ ઘણા જણ ઓળખતા હતા. કોઈ કોઈ સ્ત્રીઓ પણ તેને જોઈ સંકોચાતી. કદાવર પઠાણો, મજબૂત પૂરભૈયાઓ વગેરે ઘણા જ આગળ આવી ચિતરંજનને સલામ કરતા.

'ક્યાં ઊતર્યો છે ?' ચિતરંજને પૂછ્યું.

'મારા એક મિત્રને ત્યાં.'

‘સાથે નથી લાવ્યો ?'

સનાતનને શરમ આવી. પોતે આ સ્થાને કેવી અણધારી રીતે આવ્યો છે તે જણાવી દેવાનું મન થયું. પરંતુ તેની વાણી ચાલી નહિ.

ચિતરંજને કહ્યું : 'આ દુનિયા જોઈ ? ઇતિહાસ અને કાવ્ય તમને સતીઓનાં જ વર્ણનો આપે છે, પરંતુ આ તમારી પાપી દુનિયાએ જ સતીઓની બહેનોને ક્યાં ધકેલી મૂકી છે એનું કથન કયો ઇતિહાસ કહેશે?'

આ અમર્યાદ વાતાવરણમાં આ વિદ્વત્તાભર્યું વાક્ય સાંભળી સનાતનને આશ્ચર્ય લાગ્યું.

'ઠીક, પણ તું મુંબઈમાં નોકરી માટે આવ્યો હોઈશ.' ચિતરંજને પૂછ્યું.

'હા, જી.’ સનાતને જવાબ આપ્યો.

'કાંઈ નોકરી જડી ?'

'ના, હજી કાંઈ પત્તો લાગતો નથી. દુનિયાને મારી જરૂર હોય એવું જણાતું નથી.' સનાતને નિરાશાજનક જવાબ વાળ્યો.

'પુરુષને માટે લૂંટ અને સ્ત્રીઓને માટે દેહવિક્રય એ સિવાય પોષણનો કયો માર્ગ રહ્યો છે?' ચિતરંજનના મુખ ઉપર સર્વદા આનંદ જ જણાતો, પરંતુ આ ઉદ્દગાર કાઢતાં તેના મુખ ઉપર વિષાદની એક છાયા આવી ગઈ. એકાએક કોઈ અજાણ્યા જેવા લાગતા મુસલમાને આવી ચિતરંજનની સાથે ધીમે રહી વાત કરી :

'રસ્તો બદલો, ખંજર લેઈ ચાર ગુંડાઓ બેઠા છે.'

આટલું બોલી તે ચાલ્યો ગયો અને આનંદ કરતા જતા ટોળામાં તે અદૃશ્ય થઈ ગયો.

ચિતરંજનની આંખો સહજ ચમકી. તે અટક્યો.

'સનાતન ! આ રસ્તે ચાલ જોઈએ.’

પાસે જ એક ગલી હતી, તેમાં સહજ અંધારું હતું, સીધો રસ્તો મૂકી ચિતરંજન અને સનાતન તુરત ગલીમાં વળ્યાં.

‘ગભરાઈશ નહિ હો !' ચિતરંજને કહ્યું. 'આ તો જમપુરી છે. એ જોયા વગર સ્વર્ગે જવાય એમ નથી.' તે હસ્યો.

બંને બોલ્યા વગર આગળ ચાલ્યા. સનાતનના આશ્ચર્યનો પાર ન હતો. શું થાય છે તેની તેને ખબર નહોતી. તેનું હૃદય નિર્બળ બની ગયું હતું. તેને જે રસ્તે દોરે તે રસ્તે જવાને તે પણ તૈયાર હતો. સઘળું ઝગઝગતું દૃશ્ય તેણે પાછળ મૂક્યું. તેની કલ્પનામાં પણ ન આવે એવી વાંકીચૂંકી ગલીઓમાં તેમણે માર્ગ લીધો.

સનાતન મૂંગો મૂંગો ચિતરંજનની પાછળ જતો હતો.