← ગ્રેજ્યુએટ થયા પછી પત્રલાલસા
વિચિત્ર સ્થળ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
વિચિત્ર માનવીઓ →


વિચિત્ર સ્થળ

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની;
ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની !
કલાપી

દૂર દૂર બળતા દીવા પ્રકાશ આપવાને બદલે અંધકારને વધારે ગાઢ સ્વરૂપ આપતા હતા. ક્વચિત્ જતા આવતા માણસો નિર્જનતાને વધારે તીવ્ર બનાવતાં. અંધકાર સાથે ભળી જતાં મકાનો છેક નજીક આવતાં નાનાં મોટાં લાગતાં.

સનાતનને સ્પષ્ટ સમજાયું કે તે કોઈ અવનવા લત્તામાં ફરે છે. એકાએક બે મકાનોની વચ્ચે અંધારા ખૂણામાંથી કાંઈક ચળકાટ જણાયો, અને સાથે જ કોઈ માણસે ધસારો કર્યો હોય એમ લાગ્યું. સનાતનને ખંજર લઈ ઊભેલા બદમાશોની ચેતવણી યાદ આવી, ને ચિતરંજનની અને ધસી આવતી વ્યક્તિની વચમાં તે આવી ઊભો.

સનાતનને સખત ધક્કો વાગ્યો, પરંતુ તેને અત્યારે કશી ભીતિ રહી નહોતી. ચિતરંજન ઉપર ઊપડેલા હાથને તેણે એક વખત નિષ્ફળ કર્યો ફરીથી તે હાથ ઊપડ્યો અને સનાતને તેને ઝાલી લીધો. તેનામાં અપૂર્વ બળ આવ્યું. પોતાના કરતાં એક વેંત ઊંચા અને બેવડા શરીરને તે અટકાવી રહ્યો હતો.

ચિતરંજનને લાગ્યું કે સનાતન મુશ્કેલીમાં છે. એક ધારદાર મોટો છરો ઉપાડેલા હાથને તે પકડી રહ્યો હતો, અને સામા મનુષ્યના બળવાન શરીર સાથે તે યુદ્ધમાં ઊતર્યો હતો.

‘છોડ, હાથ છોડ !' પેલા નવીન માણસે બૂમ મારી. ધારેલા મનુષ્ય ઉપર ઘા ન થઈ શક્યાની મૂંઝવણ તે બૂમમાં સ્પષ્ટ જણાતી હતી. એકદમ સનાતનના ગળા પર પેલા માણસે હાથ મૂક્યો. તેના પહોળા પંજા નીચે સનાતનનું ગળું દબાવા લાગ્યું, અને છરાવાળા હાથ ઉપરથી પકડ હલકી થઈ ગઈ. સનાતનને લાગ્યું કે કાં તો ગળું દબાઈને અગર છરો ભોંકાઈને મરવાનો વખત આવી પહોંચ્યો અને અંત સમય ધારી તેણે સઘળું જોર વાપર્યું. પરંતુ તે જોરની નિષ્ફળતા તેને તુરત સમજાઈ. પરંતુ એકાએક તેનું ગળું હલકું થયું, છતાં એક આછો જખમ હાથ ઉપર થતો લાગ્યો. ચિતરંજને પેલા નવીન મનુષ્યના મસ્તક ઉપર એક મુક્કીનો એવો પ્રહાર કર્યો કે તેને તમ્મર આવી તે નીચે પડ્યો. પડતાં પડતાં તેણે છરાનો બની શકે તેટલો ઘા કરવા પ્રયત્ન કર્યો, અને તેમાં સનાતનના હાથ ઉપર તે લાગ્યો.

'બદમાશ ! હજી મારો હાથ નથી જોયો, ખરું ?' ચિતરંજન મોટેથી પુકારી ઊઠ્યો.

પાસેનું એક બારણું ખૂલ્યું, અને તેમાંથી એક મધ્યવયની સ્ત્રી ઝાંખું ફાનસ લઈ આવી.

મધ્યવય છતાં તેનું મુખ સુંદર અને આકર્ષક લાગતું હતું.

'સનાતન ! વાગ્યું કે શું ?' ચિતરંજને પૂછ્યું.

‘જરા. ગભરાવાનું કારણ નથી.’ સનાતને કહ્યું.

'શું થયું ? અંદર આવતા રહો ને ? પાછો ઝઘડો થયો કે શું ?' પેલી સ્ત્રીએ પૂછ્યું.

'કાંઈ નહિ, મેના ! એ તો આ માખી સહજ મસળાઈ ગઈ.' ચિતરંજને જવાબ આપ્યો. 'સનાતન ! અંદર જા. વાગ્યું છે ત્યાં પાટો બંધાવ. આ ખાનસાહેબને જરા જાગતા કરું.'

પરંતુ સનાતન ત્યાંથી ખસ્યો નહિ. ચિતરંજને જોયું પેલા ભોંય પડેલા માણસની મૂર્છા વળી હતી. ચિતરંજને તેનો એક હાથ પકડયો અને તેને વાગે છે કે નહિ તેની જરા પણ દરકાર વગર તેને ઘસડી તેણે ઓટલે ચઢાવ્યો, અને મેના જે બારણામાંથી બહાર આવી હતી તે બારણામાં થઈ તેને ઘરમાં લીધો.

સનાતન તથા મેના એ બંનેની પાછળ ઘરમાં દાખલ થયાં.

ઘર આછું શણગારેલું હતું. ચિતરંજને પેલા માણસને એક કોચ ઉપર બેસાડ્યો, અને સનાતનને લઈ તે એક હીંચકા ઉપર બેઠો.

મેના અંદર જઈ પાણી અને સફેદ કપડું લઈ આવી.

'ભાઈ ! બહુ વાગ્યું જણાય છે. હજી લોહી અટકતું નથી. લાવો, હું પાટો બાંધી દઉં.' મેનાએ સનાતનને કહ્યું. તેના બોલવામાં માર્દવ ઊભરાઈ આવતું હતું.

પેલા માણસે ચારે પાસ નજર નાખવા માંડી. તે અત્યંત કદાવર અને મજબૂત હોઈ એક પહેલવાનનો ખ્યાલ આપતો. તેણે માત્ર ધોળું પહેરણ અને સુરવાળ પહેરેલાં હતાં. માથે ફૂમતું લટકતી ટોપી પહેરી હતી. આ સ્થિતિમાં પણ ટોપીને વાંકી મૂકેલી હતી. તેના પહેરણમાંથી તેનો વિશાળ સીનો તેની મજબૂતીનો સામા માણસનો ખ્યાલ આપતો. તેની મોટી લાલ આંખો, તથા કાળી ભરાવદાર દાઢી અને મૂછ તેના સ્વરૂપમાં વિક્રાળતા ઉમેરતાં.

સનાતનને પણ સહજ સંકોચ થયો. આવા ભયંકર પુરુષની સામે તે બાથે પડ્યો હતો ? કદાચ તેને પૂરેપૂરો નિહાળ્યો હોત તો તેની સામે થવાની તે ભાગ્યે જ હિંમત કરી શકત.

'કેમ, રફીક ! હવે મરવાનો જ તેં ઠરાવ કર્યો છે, નહિ ?' થોડી વારે ચિતરંજને તેને પૂછ્યું.

સનાતનને આશ્ચર્ય લાગ્યું. ચિતરંજન તો તેનું નામ પણ જાણતો હતો !

રફીકે મગરૂરીથી ડોકું ઊંચું કર્યું. તેની આંખમાંથી અગ્નિ વરસતો લાગ્યો. ‘તમને મારતા પહેલાં હું મરવાનો નથી એ ખાતરી રાખજો.' રફીકનો ઘેરો અવાજ આવ્યો.

ચિતરંજન ખડખડાટ હસી પડ્યો. તેના હાસ્યમાં રહેલી બેદરકારી અને તુચ્છતાએ રફીકની આંખમાં વધારે ખૂન પ્રેર્યું.

'આ નાદાન છોકરો વચ્ચે આવ્યો અને તમે બચી ગયા. પણ રફીકને બીજા રસ્તા પણ જડે છે.' રફીકે હાસ્યનો ઉત્તર આપ્યો.

‘તું નકામો ફાંફાં મારે છે. કોઈ ને કોઈ મારી અને તારી વચ્ચે આવશે જ.’ ચિતરંજને જવાબ આપ્યો.

એટલામાં અંદરથી એક નાની બાળકી દૂધના પ્યાલા લઈ આવી.

'કેમ, ખાનસાહેબ ? દૂધ તો પીશો ને ?' ચિતરંજને પેલા ધૂંધવાતા રફીકને પૂછ્યું. 'શરાબ તો અહીં નહિ મળે !'

રફીક કાંઈ જ બોલ્યો નહિ. તેના મુખ ઉપર ક્રોધની લાગણી વધારે સ્પષ્ટ જણાયા કરતી હતી. પેલી બાળકીએ એક પ્યાલો ચિતરંજનની પાસે; એક પ્યાલો સનાતન પાસે, અને એક રફીકની પાસે મૂક્યો.

રફીકે ગુસ્સામાં જ એ પ્યાલાને જોરથી લાત મારી. દૂધ ચારે પાસ ઢોળાઈ ગયું અને પ્યાલાના ટુકડેટુકડા થઈ ગયા.

સનાતનને કશી સમજ પડી નહિ. રફીક અને ચિતરંજન એક બીજાને ઓળખે છે છતાં આમ પરસ્પર દુશમનાવટ શાની રાખે છે ? અને એ દુશ્મનાવટ હોય તો ચિતરંજન આટલો બધો વિવેક કરી તેને દૂધ પાવાનો નિષ્ફળ પ્રયત્ન કેમ કરે છે ? ચિતરંજને ધીમે રહી રફીકને પૂછ્યું : 'હરકત નહિ. બીજો પ્યાલો મંગાવું ?'

રફીકે જવાબમાં દાંત કચકચાવ્યા.

થોડી વારે તે બોલ્યો : 'અમારા પેટ ઉપર તમે પગ મૂક્યે જ જાઓ છો. તમને શો ફાયદો થાય છે ?'

ચિતરંજને જવાબ આપ્યો : 'જે દિવસે તારે ઉપવાસ કરવો પડે તે દિવસે મારી પાસે આવીને પૈસા લઈ જજે. પણ તારો આ પાપી ધંધો તો હું નહિ જ ચાલવા દઉં.'

'હું તમારી પાસે પૈસા માગવા આવીશ ? બહેતર છે કે એથી તો ફાકામાં મરવું.' રફીકે કહ્યું.

'શાબાશ !' ચિતરંજને જવાબ આપ્યો. આવી હિંમત રાખીશ તો કોઈક દિવસ તારું ભલું થશે. હું કહું તે રસ્તે જાય તો આજથી હું તને રોજગાર ઉપર ચઢાવું.'

‘છે તે રોજગાર તો તોડી પાડવા માંડ્યો છે !'

‘એ પૂરતી જ મારી તકરાર છે. નાની કુમળી વયની છોકરીઓ અને યુવતીઓને ફોસલાવી લાવો છો, અને તેમની કમાણી ઉપર મજા કરો છો. મર્દ નામને બટ્ટો લગાડો છો !'

'અમે કદી ફોસલાવતા જ નથી. અમે તો ચોખ્ખી વાત કહી દઈએ છીએ. જે બૈરીને એ જિંદગી ફાવતી હોય તે પસંદ કરે.'

'બદમાશી ઉપરાંત જૂઠાણું ! જાણે મને તમારી કશી ખબર જ નહિ હોય !' ચિતરંજને કહ્યું, 'બોલ, પેલી આગ્રાની બે છોકરીઓને કેવી રીતે તું લઈ આવ્યો હતો ?'

'હું તમારી સાથે વાત કરવા માગતો નથી.’ રફીકે કહ્યું.

'હું તને અહીંથી જીવતો જવા દેવા પણ માગતો નથી.' ચિતરંજને મોટે અવાજે કહ્યું.

‘શું કરશો !' રફીકે મિજાજમાં પૂછ્યું. તેની આંખોમાંથી ખૂન વરસવા લાગ્યું.

‘તને અહીં લટકાવીને જીવતો બાળી નાખીશ.' ચિતરંજનના મુખ ઉપર કદી ક્રોધની છાયા જણાતી નહિ, પરંતુ ત્યારે તેની બેદરકાર મોજીલી મુખમુદ્રાએ સહજ ભયંકરતા ધારણ કરી. 'અરે, કોણ છે અહીં ?'

એક મોટા કદનો નોકર જેવો લાગતો પુરુષ અને મેના બે બહાર આવ્યાં. ‘અલ્યા, એક દોરડું તૈયાર કર અને થોડાક લૂગડાંના કટકા લેતો આવ.' , ચિતરંજને કહ્યું.

પેલો નોકર જરા ખમચ્યો.

ચિતરંજને બૂમ મારી : ‘કેમ, બહેરો થયો છે કે ? સંભળાતું નથી ?'

કાંઈ પણ બોલ્યા વગર નોકર અંદર ચાલ્યો ગયો.

સનાતન અને મેના બંને સ્તબ્ધ થઈ ગયાં. તેમની વ્યાકુળતા બહાર જણાઈ આવી. સનાતનને લાગ્યું કે આવો આનંદી ચિતરંજન આટલી મોટી ઉંમરે, અત્યંત ટાઢકથી એક જીવતા માણસને બાળી નાખવાની તૈયારી કરાવે છે એ કેવું આશ્ચર્ય ?

રફીક પણ સહજ ચમકતો જણાયો, પરંતુ તેને આ બધી ધમકી ખરી લાગી નહિ. થોડી ક્ષણોમાં તેણે સ્થિરતા મેળવી.

મેનાથી બોલ્યા વગર રહેવાયું નહિ.

'જવા દો ને એને ? એનું પાપ એને ખાશે !'

'એનું પાપ પણ એની પાસે આવતાં ગભરાય છે. એને તો હું જ ખાઈશ.' ચિતરંજને શાંતિથી જવાબ આપ્યો.

આ ભયંકર પ્રસંગથી સનાતન દિઙ્મૂઢ બની ગયો. પોતે કઈ સૃષ્ટિમાં છે તે પણ એને સમજાયું નહિ. ચિતરંજનને લાગ્યું કે સનાતનની કલ્પનામાં પણ નહિ આવેલો પ્રસંગ નિહાળી તે ચકિત બની ગયો છે. રાત્રિ વધતી હતી તેમ તેમ આ પ્રસંગની ભયંકરતા પણ વધતી હતી.

'મેના ! સનાતનને હવે સુવાડી દે, એને વાગ્યું છે અને પાછો ઉજાગરો થશે.' ચિતરંજને કહ્યું.

માણસનું ખૂન કરવા તૈયાર થયેલો રાક્ષસી માણસ એક વાત્સલ્યથી ઊભરાતું વાક્ય બોલે એ પણ માનવહૃદયની વિચિત્રતા છે. સનાતનને સમજાયું નહિ કે ચિતરંજન તે એક ખૂની હશે કે પાલક !

'હમણાં કાંઈ સૂતો નથી. તમારી સાથે સૂઈશ.' સનાતને કહ્યું. પેલો નોકર અંદરથી એક મોટી રસી અને લૂગડાંના કટકા લઈ બહાર આવ્યો.

રફીકે શાંતિથી તે જોયા કર્યું.

ચિતરંજને હુકમ આપ્યો : 'પેલે કડે રસી લટકાવ, અને અંદરથી બીજા માણસો બોલાવી પેલા ચાંડાળને રસી સાથે બાંધી દે.'

નોકરે વગર બોલ્યે મોટી રસી કડે લટકાવી.

મેના અને સનાતન થરથરવા માંડ્યાં. ચિતરંજને પાસે પડેલો પાનનો ડબ્બો લીધો અને જાણે કાંઈ જ બનતું ન હોય તેમ પાન બનાવી ખાધું.

'કેમ, ખાંસાહેબ ! પાનબાન જમશો ?' ચિતરંજને રફીકને પૂછ્યું. જવાબમાં ફૂટેલા ગ્લાસનો એક મોટો કાચ નજીક પડ્યો હતો તે લઈ રફીકે ચિતરંજન તરફ અત્યંત બળથી ફેંક્યો.

ચિતરંજને માથું સહજ હઠાવી લીધું. તે આ પ્રસંગ માટે જાણે તૈયાર જ થઈને બેઠો હતો એમ લાગ્યું.

'હરકત નહિ.' ચિતરંજને જણાવ્યું. 'છેલ્લો ઘા કરી લીધો. હવે બીજો ઘા કરવા રફીક જીવવાનો નથી.'

આટલું બોલતાં ચિતરંજને એક છલંગ મારી રફીકને ગરદનથી ઝાલ્યો. કદાવર છતાં રફીક ચિતરંજન આગળ ઝાંખો લાગ્યો, મોજીલા ચિતરંજનના મુખ ઉપરનો ક્રોધ જોતાં સર્વ કોઈ શૂન્ય થઈ ગયાં.

રફીકને એક જબરજસ્ત ધક્કો મારી તેણે આગળ લીધો. સઘળાંને લાગ્યું કે કોઈ ભયંકર પ્રસંગ બને છે. સનાતન ચિતરંજનને મદદ આપવા તૈયાર થયો અને હીંચકેથી ઊઠ્યો.

‘તારી જરૂર નથી.' ચિતરંજને રફીકને દોરી પાસે ઘસડી જતાં સનાતનને જણાવ્યું. 'આવા તો કંઈક માણસોને મેં એકલાએ સળગાવી દીધા છે !'

રફીકનું લોહી ઊડી ગયું. ‘વખતે આ ક્રૂર ડોસો મને બાળી મૂકશે તો? મારું અહીં કોણ ? કોને ખબર પડશે ?'

ચિતરંજને રફીકને બાંધવા માંડ્યો. રફીક આમ એકદમ નાકૌવત થઈ જશે એમ કોઈને પણ લાગેલું નહિ. સહુ કોઈ ભયંકર મારામારી માટે તૈયાર થતાં હતાં. આ પરંતુ ચિતરંજનની આવી કૃતિથી રફીક જેવા બદમાશનાં પણ ગાત્ર ગળી ગયાં ? તે ચીંથરા જેવો થઈ ગયો. અભિમાનને લીધે તે એકે હર્ફ ઉચ્ચારી શક્યો નહિ. પરંતુ તેના શરીરની સ્થિતિ તેના હૃદયની વ્યથા સૂચવતી હતી.

'હવે ખુદાને સંભારવા હોય તો સંભારી લે !' ચિતરંજને કહ્યું. 'જોકે તને જોઈને ખુદા પણ સંતાઈ જાય છે.'

રફીક કાંઈ જ બોલ્યો નહિ.

'અલ્યા. થોડું તેલ લાવ તો ? કપડાં બાંધી સળગાવીએ.' ચિતરંજને પેલા નોકરને જણાવ્યું. નોકર કાંઈ પણ બોલ્યા વિના અંદર ગયો. રફીકને બરાબર રસી સાથે બાંધી દીધો હતો. ફક્ત સળગાવવાની જ વાર હતી.

મેના અને સનાતન થરથર કાંપવા લાગ્યાં. તેમનો કંપ સહુ કોઈને જણાઈ આવે એવો હતો.

ચિતરંજન શાંતિથી તેલની રાહ જોઈ ઊભો.