પરકમ્મા/ખાંભીઓ જુહારું છું
← પોકારીને પાલો ભણે | પરકમ્મા ખાંભીઓ જુહારું છું ઝવેરચંદ મેઘાણી |
ગણજો ગોરી પીપળિયાનાં પાંદ રે → |
ખાંભીઓ જુહારું છું
આ ટાંચણ-પોથીમાંથી આવાં મારાં સ્વજનોની સમાધોને ખોળતો ખોળતો તેમની ખાંભીઓને જુહારતો જાઉં છું. પોતાનાં મૃતપિતૃઓ પ્રિય જનની કબર પર સંજવારી કાઢવાના ચીનીજનો પવિત્ર પ્રિય કાર્ય જેવું જ આજે કરી રહ્યો છું. કબરો વાળું છું. વાળતાં વાળતાં જે કાંઈ સાહિત્યસામગ્રી હાથ આવે છે, તે આજ પર્યંત અપ્રકટ રહેલી સાહિત્યસંપત્તિ છે. અપ્રકટ છે તેને પહેલી જ વાર પ્રકટ કરું છું. બીજી કોઈ રીતે વાપરી નથી શક્યો, સંકલનામાં મૂકી નથી શક્યો, મૂકી હોત તો વાંચકોને રસ ન પડત. આજે રસ પડે છે કારણ કે વાચકના મનોજગતમાં હું આટલાં વર્ષોથી ભૂમિકા બાંધતો આવું છું. આજે એ ખેડાયેલ, ભીની બનેલ ભોંય પર આ બીયાં પડે છે. એટલે જ ઉગાવો થાય છે, નહિ તો શો રસ પડત આ ભેંસના ચારણી કાવ્ય-વર્ણનમાં ?—
પાતાળની પદમણી
ઘડલ એક ટપલા તણી અંગે નમણી ઘણી,
સધર ધૂન માદણામાંય સેલી;
ચડાવલ ખાખ ગોરખનાથવાળી છટા
શૌર પર ચાલી અબધૂત-ચેલી.
ફાંટ એક વ્રાકને તોળ મેંગળ ફરે,
જમીં પર પોતરી નાગ જાણી;
પતાળની પદમણી કરણ ગ્યલ પરણવા,
અમલ એરાગ ધજ મેખ આણી,
કરણની આણલ ભલી નવસાર તોય કને
મેખી, મોતીઆં કેરી માણા;
અઈણાઈ કવ્યાંની તું થકી આળસે
ખ ળ ક્કે દૂ ધ નાં સમદ-પાણા.
સુવાડીયું સમપ્પે તું જ મેળગસતન !
ગુંજતી તાંબડી ચડે ગૂડે;
પટાળા દીપસંગ તણો ઝાલ્યો પટો;
અસતનું પાંદડું પરૂં ઊડે.
ચારણોનો શિષ્ટાચાર છે કે પોતાને ભેંસ કે ઘોડું દાનમાં દેનાર દાતાને, આવી રીતે, દાન કરેલ પશુના કાવ્ય-વર્ણનથી બિરદાવે. આવી બિરદાવણ-રીતિમાંથી જ પશુ-વર્ણનનાં સેંકડો છટાદાર કવિતો-ગીતો ચારણી સાહિત્યને સાંપડ્યાં છે. ઉપર ટપકાવેલું તો કૃતિ તરીકે ફિક્કું ને પિંગળ-માપથી દૂષિત છે. પ્રારંભમાં ભેંસને એક ટપલા અર્થાત કુંભાર (બ્રહ્મા)ની ઘડેલી નમણી, કૃતિ કરે છે. કાદવમાં પડીને ખૂબ ખરડાઈ ભભૂતીમય બનનાર અબધૂત કોઈ ખાખી નાથ બાવાની ચેલી તરીકે વર્ણવે છે, એક ફાંટ જેટલું આઉ ઊંચકીને હાથી સમી પૃથ્વી પર ઘૂમતી વર્ણવે છે. પણ મારે રસ તેમાં નથી, મેં આ કૃતિને પકડી તેનું કારણ એ છે કે ભેંસને તો પાતાળની પદમણીને પરણવા ગયેલ કરણ મહાભારતિયા સાથે સાંકળી છે. ‘આ શું કથા છે ?’ મેં ચારણને પ્રશ્ન કર્યો હતો: જવાબમાં મને જે કહેવાયું તે મારું ટાંચણ બોલે છે—
પાતાળની પદમણી કરણ પરણી આવ્યો. પણ બહુ ખૂબસૂરત એટલે કરણ નજર નહોતો ઝાલી શકતો. વીર્ય ચળી જતું. બાઇ આણું વળીને પાતાળમાં માવતરે (નાગને ઘેર) ગઈ.
(મા પૂછે છે) ‘તારે ડીલે તેજ કાં નહિ?’ પુત્રીનો જવાબ : ધણી બધી વાતે પૂરો, પણ બરદ ખડી જાય છે.’
(નાગણ્યે જઈ શેષનાગ પતિને પુત્રીના ઊંડા મૂંગા દુઃખની વાત કહી.)
શેષનાગ કહે ‘હું નિદ્રા કરું ત્યારે મારા મોં માથે જે ફીણ વળે છે તે લઇ લ્યો, એની ગોળીયું વાળો, ને એક ભેંસ ભેળી આપો, (જમાઇ રોજ ગોળી ખાય ને માથે ભેંસનું દુધ પીએ.)
(એ રીતે શેષનાગ (અહિ) ના મોંના ફીણની ગોળીઓ અને ભેંસ આપીને પુત્રીને પતિઘેર પૃથ્વી પર મોકલી.
સાથે ઢોલિયો આપ્યો. ઘઉં દીધા.
આજે પણ નાગ (સાપ) કદી ઢોલિયા પર ન ચડે, કારણ કે ઢોલિયો તો દીકરીનો કહેવાય.
ઉપલા ટિપ્પણમાંથી આટલી બાબતો સારવીએ કે પૃથ્વી પર ભેંસ નહોતી તે નાગલોકમાંથી કોઈક આર્યપુત્રની પરણેલી નાગકન્યા લઈ આવી. અફીણ પણ એ સાથે લાવી. (અફીણ=અહિ+ફીણ, અહિ કહેતાં સર્પ, તેનાં ફીણ.)
વણજારાની દુનિયા
ફરી પાછાં ગીતોના સરવડાં—
અમે પાણીડાં ગ્યાં'તાં રે જોબન માળીડા !
×××
રાજલ રે આવી વણજારાની પોઠ
આવી ને આ રે ઊ ત રિ યા વણજારા હો જી
રાજલ રે મુંજલ પાણીડાંની હાર
નણંદ-ભોજાઈ પાણી સાંચર્યાં વણજારા હો જી
ભોજાઈ મુંજલ પાણી ભરીને ચાલી ગઈ હશે. પાછળ રહેલી નવજોબનવંતી નણંદ રાજલ પાળે ઊભેલ વણજારાને વીનવતી હશે—
નાયક રે અમને બેડલાં ચડાવ્ય,
છેટાં પડ્યાં રે સૈયરૂંનાં, વણજારા હો જી
રાજલ અરધાં,ઢોળી ઢોળી નાખ,
અરધાં ભરાવું ખારક-ટોપરાં વણજાર હો જી
કેવી પ્રણય–વેદના !–
માતા રે અમને બેડલીઆં ઉતરાવ !
માથું ફાટ્યું ને હૈડું ઊમટ્યું વણજારા હો જી
આ રાજલ વણજારા-નાયકની સાથે રાતમાં નાસી છૂટી, એક વાર માવતરને મળવા મન થયું. પોઠ પાછી ન વળી, રાજલે વખડાં ઘોળ્યાં. એ રીતે ગીત પૂરું થાય છે.
વણજારાની દુનિયા ફરી એકવાર આ ગીત વડે મનને ચક્કર ચડાવે છે. પરિભ્રમણશીલ પ્રાણ પૃથ્વીબાંધ્યા કલેવરને કહે છે કે ‘હેઠ્ય ભૂંડા ! જકડી જ રાખવો છે ને?’ પેલા ‘દુઈ પાખી : બે પંખી’વાળા ટાગોરના ગીત જેવી રમૂજ અંદરખાને મચી જાય છે. અંદર બેઠાં બેઠાં બે પ્રાણપંખી બોલે છે. એક કહે છે, ચાલને નિ:સીમ આકાશને ઉડાણે ! બીજું બોલે છે, આવને રૂપાળા આ સંસારી સુવર્ણપિંજરમાં !
જાન સાથે પ્રણય
ત્યાં તો હુરી-રાયમલ નામનાં બે ભાગેડુ પ્રેમીઓનો રાસ આવે છે.
હુરી પાણીડાં હાલી રાયમલ !
હુરી પાણીડાં હાલી.
વાંહે રાયમલ ના'વા હાલયો રે તું ચારણિયો.
સંવનન કર્યું –
વેળુમાં વીરડા ગાળયા રાયમલ !
વેળુમાં વીરડા ગાળ્યા
તેં તો મુંને પહલીએ પાણી પાયાં રે તું ચારણિયો.’
નદીની રેતીમાં પાણીના વીરડા ગાળી, તેમાંથી પ્રેમિકે પ્રેયસીને પોતાની અંજલીઓ ભરી ભરી પિવરાવ્યું. આધુનિક પ્રેમિકોની સંવનન–સૃષ્ટિમાં આ ગ્રામીણોની સંવનન–ક્રિયા નવી એક કલ્પના–લહર લાવે છે. હુરી-રાયગલની વાત પૂરી કરું. બેઉ ભાગ્યાં. પાછળ ભરી બંદૂકે મૂછાળા ચડ્યા. પણ પ્રેમિકે મરી જાણ્યું—
તરવારુંનાં તોરણ રાયમલ
તરવારુંના તોરણ
બંધૂકુંના ચંભા રે તું ચારણિયો
પેલી બંધૂકે માર્યો રાયમલ
પેલી બંધૂકે માર્યો...
ટપકતી ઝોળીએ આવ્યો રે તું ચારણિયો.
ચાલો જીવ ! અસૂર થાય છે. સૂતેલી યાદોને સળવળાવતા શબ્દો ને સૂરો ઊપડે છે—
પોપટ ઝુરે મારા મૈયરનો
નણદલ ઝુરે નેવાં હેઠ મારી સૈયરૂં !
પોપટ ઝુરે મારા મૈયરનો.
***
ભોમાંથી નીકળ્યો ડોલરિયો દેડકો
તારે મારે નૈ બને ડાલરિયા દેડકા !
***
ધગધગતી ધરા
એ સુકોમળ શબ્દ-બાગમાંથી પાર થાઉં છું અને ધગધગતી ધરા આવે છે બહારવટિયા-ગીતોની—
ન છડિયાં હથિયાર
અલાલા પાંજે મરણેજો હકડી વાર
એ શબ્દોની અગન-ઝાળ લાગી છે એક પાને. બીજે પાને—
ડુંગરે ડુંગરે કાદુડાના દાયરા
દાયરામાં તો ઊડ દારૂડાની ફોર
નહિ નહિ. બોલ બદલી ગયા લાગે છે. કાદુ દારૂ પીતો નહિ, દાયરાને પીવા દે નહિ. સાચા બોલ તો આ છે—
‘દારૂ-ગોળાની ઊડે ઠામઠોર રે મકરાણી કાદુ !
કાદુ પીતો, પણ મોતના દારૂ : શરાબ નહિ પણ સીસું પીતો.
ફાંસીએ ચડતાં કંથડજી બોલિયા,
આમાંથી મને ચાર ઘડી છૂટો કે મેલ્ય
બાલુભા ભુજના રાજા !
છેતરીને છેલને નો’તો મારવો.
આ શૌર્યના સ્વરો-શબ્દો મેં ક્યાંથી પકડ્યા ? નામ ઠામ કે તિથિ વાર નથી. પણ એક પુરાવો છે. ભાઈ રામુ ઠક્કરના હસ્તાક્ષરમાં લખાયેલું દસ પંક્તિનું બહારવટિયા-ગીત મારી પોથીમાં છે—
રામાવાળા ઠાકોર, રામવાળા કાઠી, રામવાળા દરબાર
ડુંગરડા તારે દોયલા થિયા.
એટલે યાદ આવે છે. ભાવનગરમાં મારા મિત્ર કપિલ ઠક્કરને વૉશિંગ-ઘાટ સામેને ઘેર નાથ બાવાઓ આવ્યા હતા. તેમની પાસેથી ગવરાવી ગવરાવી લખતો હતો. જમવા બેઠો, રામુભાઈને તેટલો સમય લખવા કહ્યું હતું. બાવો રાવણહથ્થા પર ઘૂઘરિયાળી કામઠી નચાવતો આધુનિક સંગ્રામ-સૂત્રોને પુરાતનના પેટાળમાંથી ઉઠાવીને સનાતનની જબાન પર ધરતો હતો—
ના છડિયાં તલવાર
અલાલા હણે મરદુંમાં લખી લીજો નામ
દેવોભા કે’
મુરૂ માણેકજે, મ છડિયાંવ તલવાર.
જુવાનો હણે મરણજો હકડી વાર
દેવોભા કે’
મુરૂભા વંકડા ! મ છડિયાંવ હથિયાર.
સો જી ર ની ત મે શે ર ડી કી ધી
વા ઘે ર ભ ર ડે વા ડ,
દેવોભા કે’
મુરૂભા વંકડા !મ છડિયાંવ તલવાર.
ગોરા સોલ્જરોને શેરડી બનાવી યુદ્ધ રૂપી વાડમાં વાઘેરો ભરડી રહ્યા છે. ઉપમા નોંધી લેજો જરી !
પુરાતન, નૂતન અને સનાતનના સહિયારા સૂર છે આમાં. ૧૯૨૫-૨૬માં એ મને લાધ્યું. વીશ વર્ષે પણ શ્રોતાઓને કાને એની નવીનતા શમી નથી. સૌરાષ્ટ્રની પાસે સંગ્રામ-ગીતો હતાં.
મન પર મોરલી વરસી
આગળ વધું છું ત્યાં મને એક ગીત રોકે છે—
જેમ સુકાય તારી જૂઈનાં ફુલ
મારા વાલા જી રે !
તેમ તારી ગોરાંદે કરમાય
જઈને કે’જો મારા વાલાને રે !
લોકગીતોમાં જેને હું ઉત્કૃષ્ટ ઊર્મિગીતો ગણું છું તેમાનું આ એક મને કોણે આપ્યું ? ભાવનગરનાં બહેનોએ; મારા મિત્ર કપિલ ઠક્કરના કુટુંબનાં બહેનો મારે માટે એ ભાવનગરની ખવાસણોને પોતાને ઘેર તેડાવી રાસડા લેવરાવતાં.
‘જઈને કે’જો મારા વા’લાને રે !’
એ ગીત એ બહેનોના કોમળ કંઠેથી પ્રથમ વાર જાગ્યું ત્યારે મન પર મોરલી વરસી. ખવાસણોના નાનકડાં નારીવૃંદે ઓરાડામાં ફૂલ ક્યારી જેવડે કુંડાળે ગાયું કે -
શેના લીધા મારા શ્યામ !
અબોલડા શેના લીધા રે !
હૈયામાં રૈ જાશે હામ !
અબોલડા શેના લીધા રે !
લોકગીતોની નવી લગની લઇને મને આવતો જોયો, લોકગીતોની ઘેલછામાં પડેલો જોયો ત્યારનું મારા પ્રત્યેનું એ કુટુંબીજનોનું વિનોદ-મધુર હાસ્ય હજી પણ મને શ્રવણગોચર થાય છે. એમને, ઘરનાં સર્વને, લોકગીતો એ તો જે ઘરનો શોખ હતો તે ઘરનાં આબાલ-વૃદ્ધ તમામને, મેઘાણી લોકગીતોની લતે ચઢે એ એક કૌતક બન્યું. લોકગીતો મારે માટે તેઓ પૂંમડે પૂંમડે વીણી આપતાં.
દેવપૂજામાં હાલરડું
ઘરમાં પ્રભાત પડે છે, બીજે માળે ટોકરી વાગે છે, કોઈક ગાય છે—
‘તમે મારાં દેવનાં દીધેલ છો
‘તમે મારાં માગી લીધેલ છો
‘આવ્યાં ત્યારે અમર થૈને રો !
કરુણતાઘેરે કંઠે કોણ ગાય છે ? કપિલભાઈ-કંચનબહેનનાં બા ગાય છે. પુષ્પો ને ધૂપદીપના મંગલ વાતાવરણ વચ્ચે મઢાયેલું એ લોકહાલરડું મને દેવની વૃદ્ધ પૂજારિણી મોંઘીબા પાસેથી મળ્યું હતું. આજે ઓગણીસ વર્ષોથી ગુજરાતને હૃદયે રમતું મૂકેલું એ હાલરડું સ્વ. મોંઘીબાનું પૂજન-સ્તોત્ર હતું.
મોંઘીબા મંદ મંદ મલકતાં જાય અને ઘરમાં ઘૂમતાં ઘૂમતાં મને ગીતો સંભળાવે. એમાંનું એક, જે ગાતાં ગાતાં એ ગદ્ગદિત બનેલાં (કંઈક તો પોતે પુત્રવધૂઓ પર કડક રહેતાં તેના આંતર્-મંથનને લીધે હશે !) તે ‘ચૂડલો’ મારા ટાંચણમાં છે—
ચૂડલો
કમાડ પછવાડે માતા દેવકી ને
સાંભળે વહુની રે વાત;
અમ રે સાંભળતાં વવારૂ બોલિયાં
હવે કેની રાખશે લાજ !
તેડાવો ગામ ગરાસીઆ રે
લખાવો રે કાગળ !
વેગે તેડાવો વઉનો બાંધવો રે
વઉને મૈયરીએ મોકલ !
રોતી રોતી વહુ કહે છે - અરેરે ! કીડી પર આટલાં કટક લઈને શું ચડી આવ્યાં છો !
કીડી ઉપર શું કટકાયું કરો રે માતા !
રાંક ઉપર શો રોષ.
બાળક જાણી અમે બોલિયાં રે હવે !
દયા કરો મુજ દોષ.
બસ, સાસુને તો સંતોષ થઈ ગયો !
દયા ચડી રે માતા દેવકીને
ચાંપ્યાં છે રૂદિયાની સાથ,
જે રે જોયેં તે મગાવજો રે
તમારો પિયુ તે પાટણ જાય.
જોજન કેરી સાંઢડી રે માતા
પવન-વેગે જાય;
ઊંડણ દાંત ન વોરશો
હું નૈ પે’રૂં જમણે હાથ.
પીળા પોગરનો ચૂડલો રે
મારી બાંવડલી ઢંકાય;
નંદ રે નારણજીએ પાઠવ્યો રે
મૂલ કરે કે મોરાર
ત્રીકમજીએ તોળાવિયો રે
વેરાવે વૈકુંઠ જાય,
સોનાની જીવીએ મઢાવિયો રે
પેરણ રાધાને હાથ.
આર્થિક ભીંસમાં પણ ઉજળાં મોં ને ઉજળી રખાવટ જારી રાખીને, ઘણાં બાળકોને, પૌત્રપૌત્રીઓને મોટાં કરી, અને એવાં ‘પાણા પઠે પકવેલાં’ કેટલાંયને મસાણે વળાવીને મોંઘીબા ગયાં.