પરકમ્મા/ધર રહેશે, રહેશે ધરમ

← વાતડાહ્યાઓ વિદાય લે છે પરકમ્મા
ધર રહેશે, રહેશે ધરમ
ઝવેરચંદ મેઘાણી
એકલિયો બહારવટિયો →


‘ધર રહેશે, રહેશે ધરમ; ખપ જાશે ખુરસાણ–’

ટાંચણમાં નવી એક ભાત પડે છે. અબૂધ નરની પડખે કવિતાની જાણકાર નારી દેખાય છે–

તેતર દુહો લઈ ગયું !

મેઘો મારૂ : થોરડી ગામનો આહીર માલધારી હતો. નજીકમાં એક નેસવાઈ (નેસડાનો વાસી) પરજીઓ ચારણ : માલવાસિયું માણસ : સ્થિતિએ દૂબળો-પોતાને તો કંઈ આવડે નહિ, પણ ઘરમાંથી ચારણીએ એક દુહો રચી આપ્યો :

ચાર ગોળી સજ્જ કર,
લે નેતર ને રવા;
મારૂ માગાં મેઘડો
સમપે ભીંસ સુવા.

(અર્થ – હે મારી ચારણી! તું મહી વલોવવાની ગોળી તૈયાર કર. નેતરાં ને રવાઈ હાથમાં લે. કારણ કે હું મેધા મારૂને જાચવા જાઉં છું ને એ તત્ખેવ મને ભેંસ સમર્પી દેશે)

હે ચારણ, આ કૃતિ લઈને તું મેઘા મારૂ કને પહોંચીને દુહો કંઠે રાખજે.

રસ્તે જતો જતો ચારણ દુહો ગોખતો ચાલ્યો... પણ એક તેતર ભરરરર કરતું વાડમાંથી ઊડ્યું ને ચારણ દુહો ભૂલી ગયો. એને લાગ્યું કે ‘તેતર મોળો દુવો લે ગો. [તેતર મારો દુહ લઈ ગયો.]

હવે? દુહા વગર દાતારને ઘેર જવું શી રીતે ? પોતાના માસિયાઇને ઘેર રાત રહ્યો. ભેંસો દોવાતી હતી. પોતે પૂછ્યું, ‘દેવરાવાં?’ [દોવરાવું!]

પોતાની ભેંસો નથી, છતાં દોવરાવવાનો આનંદ કેવો ! શેડ્યો પડતી જાય છે ને પોતે બોલતો જાય છે: ‘વાહ પાતાળની પદમણી ! વાહ નસૂંઢા (સૂંઢ વિનાના) હાથી. તોળાં વધન્ય લાં. [તારાં વારણાં લઉં.]

એ આનંદમાં ચારણને ભુલાયેલો દુહો યાદ ચડી ગયો. પહોંચ્યો દાતાર પાસે. દુહો સાંભળીને મેઘો મારૂ બોલ્યો : ‘ગઢવા ! આ દુહો તમારો રચેલો નહિ.’

ચારણ સાચું બોલ્યો. ‘દુહો તો ચારણ્યે કહેલો છે.’

‘ગઢવા માગો.’

‘માગું છું એક ભેંસ.’

‘ના, એમ નહિ; વાંભ દ્યો, ને જેટલી ભેંસ આ ખાડુમાંથી ઊભી થાય એટલી તમારી.’

ચારણે વાંભી (સાદ પાડ્યો) ત્યાં તો વીસ ઊભી થઈ. વીસે વીસ દાતારે દઈ દીધી.

ચારણીએ બીજો દુહો રચી મોકલ્યો હતો—

વાદળીઓ વણાર, થાનક થોરડી તણો;
કાલરની કાળા, મેઘડા મેની જીં.

(અર્થ – થોરડીના સ્થાનકમાં હે વણાર આહીર, તું તો વાદળીઓ મેઘ છે, માટે હે કાળા મેઘડા ! તું પણ તારા નામ મુજબ વૃષ્ટિ કર.)

પશુધન : ઊર્મિધન

કાવ્યપ્રશસ્તિનો સાહિત્ય-પ્રકાર તો શતકો જૂનો છે. મહારાજાઓ રીઝતા ને લાખોનાં દાન દેતા. સૌરાષ્ટ્રના નાનકડા માલધારીઓને પણ આ પ્રશસ્તિઓથી પોરસ ચડતો. પશુધનનાં દાન પણ પ્રચલિત હતાં. આ પ્રશસ્તિ, આ પોરસ ને આ દાન, એની વચ્ચેથી આ જીવનનો પ્રધાન સૂર તો એ નીકળે છે, કે પશુધન એ કેવણ પાર્થિવ સંપત્તિ નહોતી, પણ આ નિરિક્ષર અને સંસ્કૃતિથી વેગળાં માનવીઓનું ઉચ્ચ લલિતોર્મિધન હતું. આ પશુધનનાં કાવ્યલાલન વડે એમની લાગણીઓ પુષ્ટ રહેતી ને સંસ્કાર પકડતી. એ ભેંસો કે ઘોડાં સમર્પતા, પણ ફિદા થઈને. એકાદ મેં કરેલો દુહો પણ ભૂલી જનાર ચારણને માટે ભેંસ એ એક જીવતું કાવ્ય હતું. એ મૂંગા પશુને દર્શન અને પ્રાપ્તિએ કવિતા પણ દૂઝણાંની પેઠે જ ‘પ્રાસવો’ મૂકતી, એટલે દૂધ મોકળાં મૂકતી. એટલે કાવ્યપ્રશસ્તિ દાતારની નહિ પણ એ પશુની બનતી. આ રહ્યું મારાં ટાંચણમાં એવા એક પશુદાન કામેલા ચારણનું રચેલું ભેંસ વિશેનું કાવ્ય—

ટેકા લેહન્તી આધોલાં બીચ, પ્હાડકાં ડગાતી ટુંક
ઝાડકાં ઉખેળે મૂળ ટાલ્લાસે જોરાણ;
હાડકાં ગોળ હીં જેનાં, થાક્યા હંસ જેમ હાલે
ખાણકી છકેલ તેમ ગજી હે ખોરાણ. ૧

અંગવાળા બાબ ઓ તો ગજાળા સરીખા ઓપે,
મીણ ગોળા જસા દેહ, શોભતી મોં-નાળ,
શીંગવાળા ઢાળા જાણે આંટાળા વિશેષ શોભે,
માપ મેં સાંકળાં ભલ્લી દીપતી માથાળ. ૨

કુંભી જસા મોદા તેમ ચાર તસુ ગૂડી કહાં,
થંભ દેવળારા જસા પાહોવાળા ગોક,
ગોળા જ્યું ધડારા ભાગ, હડાળા રૂપાળા ગણાં,
દૂધાળાં ભરેલાં હાડ પાતળાંગી ડોક. ૩

રોડવેલ પાસા ઢાળા, અંગવાળા ઘાટ રૂડા,
તેમ ચોડા પીઠ ભાગ દીપતા તમામ;
નખોડા એહવા બાબ નેતર’ચા પૂછ નામી,
દેખે અંબોડાળી ગ્રાગ દેવે સેસ દામ. ૪

પીંગળારા વ્રાક તેમ કાળા નાગ જસી પોતે,
ડુવાળાં આંચળા વાળાં વેંતકાં દેખાય,
પટાળા રામેવ વાળા, દાનહીં ભોપાળા પેખે,
બબે હી ગોવાળા દોવા વાળા બદલાય. ૫

ઘંબોડા શેકડા વાળી, ચલ્લે દૂધવાળી ધારા,
હિલોળી ભરે છે ઝબોળી હંમેશ,

ઠણંકે સિંહ જ્યું ગોળી દધિકું વરોળી દેખો,
ભલેરી ઘીઆળી વીકાનંદા વાળી ભેંસ. ૬

સિંહ તણા પ્રાણ લેવે, બાણ સાંધે ચડી ચોટ,
નવે ખંડે ગઢે કોટે વખણાય નામ;
કંટાળા-ભોપાળ રામ નોળ એડી બાબે કમી
જોરાળા સમાપી એડી આહીરાંકા જામ. ૭

અર્થ

૧. માથાના ઠેલા દઈને પહાડનાં શિખરો ડગમગાવતી, ઝાડનાં મૂળ ઉખેડતી આ જોરાવર ભેંસ, જેનાં હાડકાં ગોળાકારે છે, જે થાકેલા હંસ માફક મલપતી ગતિએ ચાલે છે, ખાણ ખાઈને મદોન્મત્ત બને છે.

૨. શરીરનાં લક્ષણો તો હાથીનાં લક્ષણો સમાં છે. મીણના ગોળા જેવો મુલાયમ દેહ છે, મોઢાની નાળ્ય શોભે છે, શીંગો ખૂબ આંટા લઈ ગયેલ છે, ડોક (સાંકળ) પણ માપમાં છે.

૩. પથ્થરની કુંભી જેવી પગની ખરીઓ છે, ઘૂંટણ ચાર તસુ પહોળી કહું છું (કહાં). પગ દેવળના સ્થંભ જેવા છે. ધડાનો ભાગ ગોળા જેવો છે, છાતીનો હડો રૂપાળો છે. હાડ દૂધે ભરેલ છે. ડોક પાતળી છે.

૪. અંગોના ઘાટ હાથીદાંતના પાસા જેવા સરખા છે. પીઠભાગ પહોળો છે, ખોડખાંપણ વિનાનાં (નખોડા) એવાં લક્ષણોવાળી ને અંબોડાવાળી (આંટા લઈ ગયેલ શીંગડાવાળી) ભેંસને દેખી ગરાક (ગ્રાગ) હજાર (સેસ=સહસ્ત્ર) રૂપિયા આપવા ઈચ્છે.

૫. વેંત વેંતનાં તો આંચળ છે. પટાધર રામ નામના દાતારનાં આવાં દાન સર્વ રાજવીઓ જોઈ રહે. બબે ગોવાળ તો એને દોવા બદલવા પડે. ૬. દોતાં દૂધની ગાજતી ધારાઓ વહે છે, હાંડા ને હાંડા ભરાય છે. એનાં વલોણાંની ગોળી તો સિંહ શી ગર્જના કરે છે. વીકાનો નંદ (પુત્ર) એવી ભલી ભેંસ સમર્પે છે.

૭. સિંહના પ્રાણ લેનારી, વાણ્ય (ચીસ) પાડીને સિંહ સામી દોટ કાઢનારી એવી ભેંસ વખણાય છે. એવી દરેક લક્ષણે કર્મી (ક્રમી) ભેંસ કંટાળા ગામનો દરબાર રામ નોળ આપે છે.

રાજાને બોલતો કર્યો

ભેંસને વાંભ (સાદ) દઈને બોલાવી ખડી કરવાનાં જેમ કાવ્ય, દાતારનું દિલ કોળાવવાને જેમ કાવ્ય, તેમ અબોલ માનવીને પણ બોલતાં કરવાને કાવ્ય કામ લાગતું. આ કાવ્ય–કરામતનો નીચલો પ્રસંગ ટાંચણમાંથી નીકળે છે.

ગોંડળાના રાજવી સંગ્રામજી બહુ મૂંગા રહેતા. કેમેય ન બોલે. હમીર ધાધલે પોતાની છ આંગળીવાળી હથેળીની અંજળી વીશ અફીણની લેવરાવી તો પણ ન બોલેલ. એને બાણીદાસ કવિએ આ ગીત કહીને બોલાવ્યા—

સધ જબરા બોલ જોગંદર સગમલ !
કે કે સાધ્યો કંક કળા ?
પલટણ દલી સતારા પૂણા
[કે) ગઢ જૂનાનો થિયો ગળા ? – ૧

(આવું) જબરું વ્રત લીધું કિમ જાડા?
ભડ સાચું કહેજો સતભાણ,
દેવાહરા ! કવ્યાં અથ દેવા
(કે ના) રાજાનું ટલ્લા લેવા જદુરાણ ? – ૨

બનરાં પંખી પઢાવ્યાં બોલે,
દલમાં દૂજા નકે દગા,
કુંભા તણ પ્રાક્રમ અંગ કેવાં
(કેના) સિધ જોગારો ખેલા સગા ? –


દેવળ તેય પડછંદા દેવે,
કહીએ તેવું તે જ કહે,
મેપત બોલો ખૂબ મજાથી
[તો] રાજસભાને મોજ રહે – ૪

કરડા તણી ધર લેવા કાજે
[તું તે] નવ સોરાઠાં સામો નાથ?
આબુ ટોંકથી ઘોંકથી આવ્યો
[કે તું] રે’વાશી કાશી સમરાથ ? - ૫

સૂબો જબર, જબર મનસૂબા,
ઘાટ સમજણે ઠાઠ ઘણા,
સગમલ અસ્થ કવ્યાં જગ સઘરે
તું બોલ્યાથી ભાણ તણા ! - ૬

મૂંગા રહેવાનું કારણ તો ઠાકોર સયામજીને ચાય તે હો, પણ ચારણે એને વ્યંગમાં ઠપકો દીધો : હે સંગ્રામજી ! હે જબરા જોગંદર સિદ્ધ ! બોલ તો ખરો, કે તું શી શી વિદ્યાની સાધના કરી રહ્યો છે ? તું તે શું દિલ્હી, સતારા કે પૂનાનો રાજપલટો વિચારી રહ્યો છે ? કે શું તને જુનાગઢનું રાજ્ય જીતી લેવાનો સ્વાદ લાગ્યો છે ? આવું મૌનવ્રત શીદ લીધું છે ? કે શું કવિઓને કોઈ પહેરામણી કરવાનું વિચારે છે ? મોટા રાજાઓ સાથે અફળાવાની ઈચ્છા કરછ ? અરે વનનાં પંખીડાં પણ દિલમાં કશો દગો રાખ્યા વગર આપણા બોલાવ્યાં બોલે છે, તો તું મનુષ્ય કેમ ચૂપ છે ? અરે નિર્જીવ દેવળ પણ આપણા અવાજની સામે પડઘા આપે છે, ને જેવું કહીએ તેવું સામે કહે છે, તો તું શું એ કરતાં પણ પ્રાણહીન છો? હે મહીપતિ ! બોલતા રહો, તો રાજસભાને પણ મોજ રહે. નહિ તો કહી દો કે તું શું કોઈ કરડા રાજાની ધરતી જીતવા મનસૂબો કરી રહેલ છો ? કે શું તું કોઈ આબુશિખરથી કે કાશીથી ઊતરેલો મહાયોગી છો? નવાઈ નથી કે સોરઠિયો ઠાકોર પોતાને આરોપવામાં આવેલ આવાં બુલંદ બિરુદો અને ઉપમાઓના હાર્દમાં છુપાયેલ હાંસીનો માર્યો મૂંગો મટી ગયો હોય. બાકી કવિએ તો ઉપાલંભ અને પરિહાસ દેવામાં કાંઈ બાકી નથી રાખી. પંખીઓ અને પથ્થરોથી પણ રાજા જેવા રાજાને વધુ જડ કહી દીધો.

રાદડિયાનું ખીજડિયું

ઊઘડે પાનાં—

ચીતળયો કાઠી દરબાર હમીરવાળો : રામ રાદડિયો નામે એનો કાઠી. રામ રાદડિયાને ઘેર મહેમાનગતમાં સાકરની ડમરીઉં ચડે.

એક વાર ખુમાણો મહેમાન થઈને ચીતળમાં આવ્યા. ગામમાં પેસીને જરા થંભ્યા. ઘોડા ખુંદી રહ્યા છે. પણ મસલત કરે છે કયે ઘેરે જવું !

‘જો દરબારગઢમાં જાશું તો ખાટિયાં [ ખાટી કઢી ] મળશે. સાકર દૂધની ડમરીઉં તો રામ રાદડિયાને ત્યાં મળશે.’

‘હાલો હાંકો રામને ઘેર ઘોડાં.’

આ વાતચીત દરબારગઢની ડેલીએ બેઠે બેઠે દરબાર હમીરવાળાએ અને એના કાઠી રામ રાદડિયાએ બેઉએ કાનોકાન સાંભળી.

રામને બીક પેઠી : નક્કી દરબાર રજા આપશે !

દરબારે મર્મ કર્યો :‘જાવ રામ રાદડિયા, સાકરની ડમરીઉં ચડાવો. આંઈ તો ખાટિયાં છે !’

રામને ઘેર ખુમાણ દાયરો ઊતર્યો, રોજની રીતે રૂડી ભાતની મહેમાનગતિ માણી ને પછી આગળ ઊપડવા ઘોડે પલાણ મંડાય છે ત્યાં જ દરબાર હમીરવાળો આવીને હાજર થયા. રામ રાદડિયાને પૂરો ધ્રાશકો પડ્યો.

દરબાર મહેમાનને કહે કે ‘બા ! રોકાઈ જાવ.’

કે ‘કાં આપા ?’

કે ‘રામ રાદડિયાને ખરચ બહુ છે. એટલે મારે એને ખીજડિયું ગામ દેવું છે.’

તે જ વખતે ખીજડિયું ગામ દીધું.

હજુ પણ રાદડિયા ખીજડિયું ખાય છે. 

માણસાઇ હજી ઝબૂકે છે

સોરઠી જીવનનો ‘સંસ્કાર’ ‘સંસ્કાર’ એમ હું જે વારંવાર કહું છું, જે સંસ્કારને હું સોરઠી સાહિત્યકલાસંપત્તિનું જનક ગણાવતાં થાકતો નથી, તે જ આ સંસ્કાર છે. જેની ગાળો ખાતાં ખાતાં પણ ક્ષુધાર્ત ઠાકોર વજેસંગ ખરા બપોરે છાશની ઘેંશ પામ્યા તે ખેડૂતને મોટું દાન દીધું (રસધાર ભાગ ૧ : ‘બેળો’ નામની વાર્તા), જે પોતાનો કારમો શત્રુ હતો તે વીરાવાળાં પર વિષપ્રયોગ થનારો જાણીને તુરત ચાતુરી કરીને ખાંટ ભાયા મેરે શત્રુને બચાવ્યો, (રસધાર ભાગ ૩ : ‘દુશ્મન નામની’વાર્તા) જે પોતાની સ્ત્રીને પરણી બેઠો હતો તે જુવાનને રાતના અંધકારમાં શત્રુહાથે ઘવાયેલો પડેલ દેખી કાંધે ઉપાડી વાઘેરે ઘર ભેગો કર્યો, (બહારવટિયા ભાગ ૨ઃ વાધેરોનાં બહારવટાં) પરરાજ્યના જે પટેલને એની પરોણાચાકરી બદલ ભૂલભૂલથી ગોંડળના કુંવર પથુભાએ પોતાની જમીન જાણી પારકી જમીન સરપાવમાં સમર્પી તે પટેલને તે જમીન તેના ધણી કાઠીરાજે ખરેખાત આપી દીધી (રસધાર ભાગ ૫ રખાવટ નામની વાર્તા), એવા પ્રસંગો સોરઠી જીવનમાં ઠેર ઠેર પડ્યા છે. સાહિત્યમાં મળે તો તો કલાકૃતિ તરીકે જ સારા લાગે, અને વાસ્તવ-જીવનમાં તો એ સામા મળે તો પણ કાં કલ્પિત લાગે ને કાં બેવકૂફીનાં પરિણામો લાગે, એવી એ ઘટનાઓ છે. માણસાઈ ઘસાતી ઘસાતી પણ આટલા જમાના પછી જીવનની અનેકવિધ દીનતા વચ્ચે ઝબૂકે છે, તે જ આવા ‘સંસ્કાર’ ની ઊંડી જડને આભારી છે.

ખેલદિલી

‘કરિયાવર’ નામની વાર્તા, (રસધાર ભાગ ૫ ની પહેલી) તો યાદ હશે. હમણાં જ ટ્રેનમાં એક ભાઈએ યાદ કરાવી. પરપ્રાંતે વસેલ એ ભાઈ એ કહ્યું કે ફલાણા ફલાણા એક ભાઈ આ વાર્તા વાંચી વારંવાર રડ્યા છે. વાર્તા એવી છે કે એક વૃદ્ધ બની ગયેલા વિધુર  પિતાએ, પોતાને સંતાનમાં જે એક જ હતી તે પુત્રીને પરણાવી કરી, એને આણે તેડવા આવેલ જમાઈ સાથે પોતાના ઘરની કુલઝપટ સંપત્તિ સાથે વિદાય દીધી. જેવી બાઈ બધો કરિયાવર લઈને ગામ સોંસરી વેલડાંમાં નીકળે છે તેવા જ ચોરે બેઠેલા પિતરાઈઓ ડાંગ તલવારો લઈ આડા ફરે છે : ‘નહિ લઈ જવા દઈએ આટલું બધું. વાંસે અમે વારસ બેઠા છીએ.’

બાઈએ કહ્યું– ‘વેલડું પાછું વાળો.’

તેડવા આવેલ ધણીને એણે કહ્યું કે ‘ધાધલ, આ લે, તું આ રૂપિયા લઈ જા. બીજે પરણી લેજે.’

કે ‘કા ?’

કે ‘હું તો મારા બાપને દીકરો થયા પછી જ આવીશ. તે પહેલા તું મારો ભાઈ છો.’

બાપને બીજે પરણાવ્યો. દૂધના કઢા પાઈ મર્દ બનાવ્યો. વરસ દહાડે નવી માને દીકરો આવ્યો એની છઠ્ઠી કરી, પછી ધાધલ પતિને કહેવરાવ્યું કે ‘હવે તું તારે મને તેડી જાજે.’

પછી તો બધું જ લઈને દીકરી સાસરે જવા નીકળી, ચૉરે બેઠેલા પિતરાઈઓને વેલની ફડક ઊંચી કરીને કહ્યું : ‘હવે આવો આડા ફરવા.’

‘હવે શું આડા ફરીએ ? ’

‘હા જ તો. શું ફરો ! ઘોડીએ ભાઈ રમે છે.’

આંહીં સુધી તો મેં વાત આપી છે, પણ તે પછીનો પ્રસંગ ટાંચણમાં જ રહી ગયેલો આજે સામો મળે છે. આ વૃદ્ધ કાઠીના જે બે દીકરા થયા તેનાં નામ સૂરો ને માત્રો. મોટપણે એમણે સાંભળ્યું કે વડાળાના કણબીએ પોતાના બે બળદોનાં નામ આપણાં નામ પરથી સૂરો ને માત્રો પાડ્યાં છે માટે જઈને એને ઠાર મારીએ. ગયા પટેલને ખેતરે. જુએ તો પટેલે બેઉ બળદોની ગમાણમાં એક કોર ખોળ ભર્યો છે ને બીજી કોર કપાશીઆ ભર્યા છે. બેઉને ખાવું હોય તેટલું ખવરાવે છે ને ‘બાપો સુરા !’ ‘બાપો માત્રા !’ કરતો જાય છે. પશુ પર પ્રેમથી ઓછો ઓછો એ થઈ રહ્યો છે.

બેઉ ભાઈઓ ગયા’તા તો પટેલને મારવા, પાછા વળ્યા બન્નેની ઘોડીઓ પટેલને ઈનામમાં આપીને.

એની એ જ વાતઃ સંસ્કાર : આજે આપણે એને ખેલદિલી, રમતવીરતા, સ્પોર્ટસ્મેનશીપ વગેરે અનેક શબ્દો વડે ઓળખીએ છીએ.

ખાનખાનાન નવાબ

દાનના પ્રકારો વર્ણવું છું તેજ ટાણે ટાંચણનું નવું પાનું દાનના ઉદાત્ત સંસ્કારનો મર્મ બતાવતો પ્રસંગ રજૂ કરે છે —

ખાનખાનાન નવાબ, એ નામના મોટા અમીર અકબરશાહને રાજદરબારે શોભતા હતા. દાનેશ્વરી હતા. પણ દાન દેતા દેતા શરમાતા. કવિ પ્રશ્ન લખી મોકલે છે.

સીખે કહાં નબાબ જી,
એસી દેતે દેન?
જ્યું જ્યું કર ઊંચે કરો,
ત્યું ત્યું નીચે નેન.

અર્થ—હે નવાબ ખાનખાનાન ! આવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા, કે જેમ જેમ હાથ ઊંચો કરો છો તેમ તેમ નેણાં નીચાં ઢળે છે?

ખાનખાનાન જવાબ મોકલે છે. (તે કવિ હતા)

દેને વાલા ઓર હે,
ભેજત એ દિનરેન,
લોક ભરમ હમ પે ધરે
તાતે નીચે નેન.

અર્થ—હે કવિ, દેવાવાળો તો કોઈક બીજો (અલ્લાહ) છે. દિવસરાત મોકલે છે તો એ. પણ લોકો એનો ભ્રમ મારા પર આરોપે છે, (કે હું આ દઉં છું) તેથી લજ્જા પામીને મારાં નેણાં નીચાં ઢળે છે.

અકબર–દરબારનાં ‘રત્ન’ ગણાતા એ નેકપાક શાહિર–સેનાપતિ ખાનખાનાન પર, સ્વર્ગસ્થ મહારાણા પ્રતાપસિંહના પુત્ર રાણા અમરસિંહે, મુગલ–સામ્રાજ્યનાં પીડનોથી તોબાહ પુકારતા આ બે દુહા મોકલ્યા તે પણ આજે ટાંચણમાંથી જડી આવે છે ને સ્વ. ગગુભાઇનું સ્મરણ તાજું કરાવે છે.

કમધજ હાડા કુરમ્મા
મહલાં મોહ કરન્તા;
કહજ્યો ખાનખાનાન મેં
બનચર હુવા ફિરન્ત

અર્થ–રાઠોડો, હાડાઓ ને કચ્છવાહા ક્ષત્રિ રાજવીઓ તો અકબર–સામ્રાજ્યને શરણે થઇ જઈને મહેલોમાં મોજ કરે છે, હું એક જ વનનું વનચર બનીને ભટકું છું.

ચહવાણાં દલ્લી ગઈ,
રાઠોડાં કનવજ્જ;
કહજ્યો ખાનખાનને
એ દન દીધે અજ્જ

.

અર્થ–ચહુવાણોની દિલ્હી ગઈ, રાઠોડોનું કનોજ ગયું, એજ દિવસ મારા મેવાડનો પણ આજે દિસે છે.

તેના જવાબમાં ખાનખાનાન ભાવિની વાણીથી ભરેલો દુહો મોકલે છે.

ધર રહસી, રહસી ધરમ્મ,
ખપ જાસી ખુરસાણ,
અમર ! વિશંભર ઉપરે
રાખ નહચ્ચો રાણ !

અર્થ–ધરા રહેશે, ધર્મ રહેશે, ખોરાસાનીઓ (પરદેશી પીડકો) ખપી જશે. હે અમરસિંહ ! વિશ્વંભર પર વિશ્વાસ રાખજે.

રસજાવટની વિવિધતા

‘ધર રહસી, રહસી ધરમ...’ એ શબ્દ મારા સ્વ. ચારણમિત્ર ગગુભાઈ નીલાના કંઠેથી જ્યારે પ્રથમ વાર ઊઠ્યા ત્યારવેળાનું તેમનું મોં અત્યારે પણ નજરે તરવરે છે. એ મોં પર, આ દુહો બોલતાં બોલતાં, ખાનખાનાનનું આત્મસંવેદન ઝલક મારતું હતું. મોં પર પસીનાનાં ટીપાં બાઝતાં. સુંદર ગુલાબી ઝીણી કિનારવાળા દુપટ્ટાનો છેડો લઈને પોતે મોં લૂછતા, હાથના પંજાનો ઝટકો મારીને કહેતા- ‘ખપ જાસી ખુરસાણ.’ ‘ધર રહસી’ બોલતે ધરણીના પરમ સ્થૈર્યનું મહાસ્વરુપ હાથની સ્થંભમુદ્રાએ ખડું કરતા, અને આકાશ સામે આંગળી ચિંધાડીને, માનવના તૂટતા મહાસામર્થ્યને ટેકવી લેતા હોય તેમ બોલતાઃ ‘અમર ! વિશંભર ઉપરે રાખ નહચ્ચો રાણ !’ – આશા અને આસ્થાના શા એ બોલ હતા ! થોડાક જ બોલ, પણ ચારણના બોલ, વલોવાઈ જતા એક મુસ્લીમના હૈયા–બોલ:– ‘ધર રહસી, રહસી ધરમ...’

પરિહાસ તો જેની વાણીમાં પગલે પગલે આવતો હતો, એ ગગુભાઈની પાસે આ ત્રણ દુહા ઉચ્ચારતી વેળા નરી પ્રાર્થના, નરી આરઝૂ, નરી આપદા જ છવાઈ રહેતી. આંખોમાં જળના ટશીઆ આવતા. વીરોચિત કારુણ્ય વાળી ઘટનાઓને એની ઉત્કટતાએ પહોંચાડવામાં ગગુભાઈ કેટલા પાવરધા હતા તે તો મારી ‘રાઠોડ ધાધલ’ની વાત (રસધાર ભાગ ૩)ને યાદ કરનારા વાચકો કલ્પી શકશે. જોગીદાસ ખુમાણે અને રાઠોડ ધાધલે મળીને એક કાળા બપોરે વીજપડીના ખેતર વચ્ચે સાંઠીઓ સૂડતા એક જોબનજોદ્ધ કણબીને બરછીએ માર્યો, અને ધણીને બચાવવા માટે પોતાના દેહ પર ઠાંસેલાં તમામ આભરણોને ઉતારી દેતી આણત કણબણ યુવતીએ ધણીને મરતો દેખી કોદાળીના જે ધડૂસકારા પોતાને કપાળે ખાધા, તેનું વર્ણન યાદ આવે છે? એ વર્ણન ગગુભાઇનું કરેલું. એ પાતકની આહ વૃદ્ધ કાઠી રાઠોડ ધાધલને કેવી જલાવી રહી હતી તે યાદ આવે છે ? એ વર્ણન ગગુભાઈનું કરેલું. રાઠોડ ધાધલના વીરમૃત્યુને ‘એપીક’ ઘટના બનાવીને કરેલું આલેખન યાદ આવે છે? એ શિલ્પ ગગુભાઇનું. એ ચિત્રો આલેખવા ટાણે કોણ કહી શકે કે ગગુભાઈની રસના–પીંછીમાં હળવાશ પણ ભારોભાર હશે !– એ હળવાશનો દાખલો મારા ટાંચણમાં એકલિયા બહારવટિયાના બ્યાન રૂપે મોજુદ છે. છોકરું મોઈડાંડિયે રમતું હોય એટલી મોજભરી બાનીમાં ગગુભાએ એકલિયા નામના ચોરને આલેખ્યો—