પરકમ્મા/‘ઓળીપો’ની વાતોનાં બીજ

← સજણાં પરકમ્મા
‘ઓળીપો’ની વાતોનાં બીજ
ઝવેરચંદ મેઘાણી
પોકારીને પાલો ભણે →


‘ઓળીપો’ની વાર્તાનાં બીજ

મેરોનું બાપોદર ગામ.
બાપ કચરો મેર, દીકરો નથુ ને એની રૂપાળી ગુણિયલ વહુ.
વહુ ગાર-ગોરમટી બહુ સારી કરે.
પાડોશીને ઈર્ષ્યા આવે.
પાડોશીઓએ પિયરિયે જઇને ભરાવ્યું કે તમારી દીકરીને તો બહુ કામ કરાવે છે !
સાતમઆઠમ-વહુ પિયર જાય.
પોતાની સાસુને કહે : ‘ફૂઇ, નથુને મારે પિયર જરૂર મોકલજે હો. નીકર મારી સાતમ નૈં સધરે.’
સાસરાને: ‘મામા, નથુને મોકલજે હો ?’
પિયરે ગઈ–માવતરે ના પાડી [પાછી મોકલવાની].
સાસરાને બોલાવી લખણું કરાવી લીધું.
કહે કે બીજે પરણાવીએ.
દીકરી કહે કે ન પરણું.
નદીએ ધોવા ગઇ, ડૂબી મૂઇ.

રસધારના વાચકોને યાદ આવી જશે ‘ઓળીપો’–ચોથા ખંડમાંની વાર્તા. એ વાર્તાનાં આટલાં જ અસ્થિ મારી ટાંચણપોથીમાંથી મળે છે. પણ એ અસ્થિ કેવળ એકલી ‘ઓળીપો’ની વાર્તાનાં નથી, એ તો મારા છ–સાત વર્ષના શૈશવથી માંડીને ૨૮-૩૦ ના યૌવન સુધીના, રાજકોટથી ગોધરા સુધીના જીવન-પટને અજવાળતું એક ટાંચણ છે. ગોધરા-ઠક્કરબાપાએ જેસાવાડા ગામે ભીલોને માટે રામમંદિર ચણાવ્યું તેની ઉદ્‌ઘાટનક્રિયા હતી. મને તેડાવેલો. જેસાવાડાથી વળતાં ગોધરે મને ત્યાંની સાહિત્યસભા તરફથી ઉતારવામાં આવ્યો. ગોધરાની સાહિત્યસભા એટલે તો બીચારા એક ભાઈ–‘બાળક’ નામના માસિકના તંત્રી. (નામ ભૂલી ગયો છું) સૂર્યાસ્ત સમયે મને ટ્રેનમાંથી ઉતારી, એક ગાડીમાં બેસારી કહે કે તમારો ઉતારો ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને ઘેર છે. હેબતાયો–મનમાં એક એવો સંસ્કાર પડી ગયેલો કે નિમંત્રણ ભલે સંસ્થાનું હોય, ઊતરું હમેશાં નોતરનાર વ્યકિતને ઘેર–ગરીબ શ્રીમંત ગમે તે હો : ભૂખ કેવળ એના ઘરનો પરોણો થઈને એના કુટુંબ પરિવારનો આત્મીય બનીને રહેવાની. એને બદલે આ પોલીસના સાહેબને ઘેર ! હશે જીવ ! બીજે સગવડ નહિ હોય, ને કાં પોલીસના સાહેબે જાપ્તો રાખવાની બીજી કશી પંચાત ન પડે તે સારુ પોતાની નજર સામે રાખવા ધારેલ હશે !

સાહેબને બંગલે પહોંચું ત્યાં તો આનંદ અને આશ્ચર્ય રાહ જોતાં હતાં. એ ઘર પોલીસના સાહેબનું હતું તે કરતાં વધુ તો મારાં વર્ષોનાં આત્મજનોનું હતું. મારા જમાદાર પિતાના મોટાભાઈ જેવા ઉપરી ફોજદાર ભટ્ટ સાહેબ ત્રિપુરાશંકર, એમનાં પત્ની મણિબા, વઢવાણ કેમ્પની સડક પર એપ્રિલના ધોમ બપોરટાણે નિશાળેથી કજિયો કરતાં કરતાં પાછા ફરતાં જેના ગોઠણની નીચે દબાઈને ભોંય પર પડ્યાં પડ્યાં જેનાં મેં બાબરકાં ખેંચી તોબા પોકરાવેલી તે મારો સમવસ્યક બાળગોઠિયો બાલુભાઈ (આજે કરાચીમાં ડૉ. કેપ્ટન સી. પી. ભટ્ટ છે તે જ)- એ બધાં મને ચકિત કરીને ભેટી પડવા ઊભાં હતા. એમની અંદર હતાં વિધવા કુમુદબહેન.

યાદદાસ્ત આગળ ને આગળ જાય છે–

રાજકોટની પોલીસ-લાઈનની એક ઓરડી : ત્યાં એક માંદા મહેમાન : કૉડલિવરની એક બાટલી : મહેમાનની ચાકરી કરતાં કુમુદબહેન : સાતેક વર્ષની મારી વયનું આ સ્મરણ છે. મહેમાન ગુજરી ગયા. જમાદાર ત્રિપુરાશંકર ભટ્ટની મોટી, રૂપાળી, મર્માળી, મીઠાબોલી, જોબનવંતી પુત્રી કુમુદબહેન રંડાણી. તે દિવસનાં જે કુમુદબહેન હતાં તે જ હતાં બગસરા–ફોજદાર ત્રિપુરાશંકરને પિતા-ઘેર રહેતાં કુમુદબહેન, ને તે જ હતાં ગોધરાના પોલીસ-ઉપરી સાહેબનો બંગલો અજવાળતાં કુમુદબહેન. ત્રેવીસ-ચોવીસ વર્ષનો આખો સ્મરણપ્રદેશ એ એકનાં એક ગરવા, હેતાળવાં, હસમુખાં, વાતડાહ્યાં, પ્રસન્ન અને પ્રશાંત કુમુદબહેનના લાવણ્યે લળકી રહ્યો છે.

ઘણાં વર્ષે મળ્યાં. એ સૌની જીભે ‘ઝવેરચંદ’ નહિ પણ ‘ઝવો’ સંબોધન જ અણબદલ્યું રહ્યું હતું. (આજે પણ કરાચીથી કેપ્ટન ડૉ. સી. પી. ભટ્ટના કાગળો ‘વહાલા ઝવા !’ થી શરૂ થાય છે.)

સાહિત્યસભાનો મારો સમારંભ પતી ગયો. મોડી રાતે સૌ ઘેર આવ્યાં, પણ ઊંઘ કોને આવે ? મેં ઘણું ઘણું ગાઈ સંભળાવ્યું, અને રાણાવાવમાં વર્ષો સુધી કાકાને ઘેર રહેલાં કુમુદબહેને મને ઉપર જે ટાંચણ કર્યું છે તે નથુની વહુની વાત કહી. એમના સ્વાનુભવની એ વાત. વાર્તા નહિ, પણ બનેલો કિસ્સો. એમણે મારી કલ્પનાને નથુની વહુ આપી. ફક્ત એનું નામ ‘રૂપી’ મેં પાડ્યું. ‘ઓળીપો’ મારી એક સારી કૃતિ ગણાય છે. એ જો સારી બની શકી હોય તો તેનું કારણ એની પાર્શ્વભૂ છે. એ પાર્શ્વભૂ છે કુમુદબહેન. કુમુદબહેનને બદલે કોઈ ચારણે–રાવળે કહી હોત તો એને મારામાંથી આવું શિલ્પવિધાન ન મળ્યું હોત. ટૂંકી ને ટચ વાતમાં કુમુદબહેને પોતાનું વૈધવ્યકરુણ માધુર્ય મૂકી આપ્યું. રાતના ત્રણેક વાગે હું કુમુદબહેને કહ્યા તે ‘ઓળીપો’ના બોલ લઇને સૂતો. ને હવે તો કુમુદબહેન આ સંસાર છોડી ગયાં છે, પણ રસધાર ભાગ ચોથાની વાર્તા ‘ઓળીપો’ અને ટાંચણ પોથીનું આ કાળી શાહીએ લખેલ ટૂંકુ પાનું પરલોકવાસી કુમુદબહેનની ને મારી વચ્ચેની સ્મરણ-કડી બની રહેશે.

રાણી માતાનો સ્તંભ

વળતા પ્રભાતે પહેલવાન બાલુભાઈ પોતાના ઠિંગુજી ‘ઝવા’ ને કનેલાવ જોવા લઈ ગયા. ‘કનેલાવ’ એ ‘કનેલ તળાવ’નું લોકજીભે સંક્ષિપ્ત કરેલું નામ છે. માનવીના કંઠ પર રહેતી વાણીની મજા જ આ હતી. લાઘવ એનો ગુણ હતો, લપસિંદર એને પરવડે નહિ. માટે કનેલાવ : અને બીજું રામતળાવ. ત્રીજો રાણીમાતાનો સ્તંભ. એ સ્તંભને વળગેલી લોકવાર્તાને પણ મેં ગુમાવી હોત, જો આ ટાંચણ-સ્તંભ ન ટેકવી લીધો હોત તો—

પતાઈ રાવળના પિત્રાઇ રામદેવ-કનળદેવની ભૂમિ: બંને જોડકા ભાઈ: રામદેવ પાટવી. નાનેરા કનળને કહે–
‘ભાઈ ! તારૂં નામ પણ રાખવા કાંઈક કરીએ.’
કનલ તળાવ કરાવ્યું.
રામદેવની રાણી : ઇર્ષ્યા આવી : કનલદેવનું નામ લોકમાં રટાય અને આપણું કેમ નહિ ?
ગળાવો તળાવ—એનાથી સવાયું.
પણ પાણી ન આવે.
એક ફકીર રહે. પોતાની મઢી ખસેડી નહિ. તેથી અનિયમિત આકાર.
પાણી ચાલ્યું જાય. ફકીરે તૂંબડી મૂકી.
પણ જ્યાં ચાલ્યું જતું હતું ત્યાં જઈ તૂંબડી અટકી. ત્યાં ઢોરો કર્યો. ધૂળ વળાવી.
તોય પાણી ન રહે.
રાજા દેવી પાસે ગયો. મરવા તૈયાર. દેવીએ (પાછળથી) હાથ ઝાલ્યો: રૂપરૂપનાં અંબાર: રાજા કહે,

‘મોઢા આગળ આવો’
‘મારા ઘરમાં બેસો.’

દેવી કહે, ‘ના, હું પાસેના રાજાને ઘેર અવતરીશ.’  એક વર્ષ પછી રાજા મૃગયા રમવા ગયો : ખબર પડી : એક મહિનાની છોકરી : માગું નાખ્યું.

દોઢ મહિનાની કુંવરીને માતાએ તેડીને ફેરા ફેરવ્યા.

રાજા ને બાળક (પતિ ને પત્ની) એકાંતે વાતો કરે.

બે દીકરા. હાથીના ખોળિયામાં દેવીએ પોતાની શક્તિ મૂકી. હાથી છૂટ્યો. કુંવરોને મારી નાખવા તૈયાર.

રાજા અને દેવી ગોખે.

રાજા–અરે, તમે બેઠાં છો ને દીકરા મરશે ?

રાણી—પાછળથી પસ્તાશો નહિ ને ? હું તો હમણાં બચાવું.

હાથ લાંબા કરીને લઈ લીધા. માણસો શ્રીફળ લઈને દોડ્યાં

બસ ! હવે હું છતી થઈ ગઈ. હવે ન રહું. અને આઠ પહોર પછી અહીં યુદ્ધ થશે : હું શક્તિ : મારો ચૂડલો ભાંગે નહિ : પતાઈ રાવળને રોળીને પાદશાહ આવે છે.

મારા નામનો સ્તંભ કરાવ.

આ સ્થભની પેલી બાજુ મારું ખપ્પર : ત્યાં કોઇ આવશો નહિ.

પાદશાહ આવ્યો : મર્યો.

દેવી-માનવીનાં લગ્ન

બાઈ રાણીમાતાના સ્તંભને બાઝેલ આ લોકકથામાં પ્રચલિત એવાં પાંચ તત્ત્વો (મોટીફ) ભેગાં થયાં છે : તળાવને કાંઠે ફકીરની કે વેશ્યાની ઝૂંપડી હોવી-એ ખસે નહિ : પતાઈ રાવળની પેઠે એ ગોધરાપતિએ પણ રૂપ દેખી દેવીને પકડ્યાં : દેવીએ જન્મ લઈ બાળરૂપે લગ્ન સ્વીકાર્યું : ગોખેથી લાંબા હાથ કરીને હાથીના હુમલામાંથી બાળ બચાવ્યાં : પ્રકટ થઈ જતાં દેવી ચાલ્યાં ગયાં.

આજ સુધીની સાંભળેલી કથાઓમાં દેવી માતૃપદનાં અધિકારી હતાં, અને મા કાળકાની માફક એમના સૌંદર્યને વાંચ્છનારો શાપિત બનતો. આ અને હરપાળ મકવાણાની કથામાં દેવીને પોતાનો હાથ  પકડનારનો પ્રણય સ્વીકારતાં દેખું છું. ગ્રીસ દેશની સૌદર્યદેવી જેવી કોઈ દેવસુંદરી હશે ? કે ઓઢાને પરણનાર હોથલ જેવી અપ્સરા હશે ? નાનાં બાળ સાથેનાં લગ્ન, એ પણ આગમવાણીના વિખ્યાત સેરઠી સંત દેવાઈત પંડિતની વાતમાં નિહાળેલ છે.

ગોખેથી હાથ લંબાવી હાથીની ઝપટમાંથી કુંવરોને ઝાલ્યા, તે તો ઝાલા વંશની આદિજનની, હરપાળ મકવાણાની ઘરવાળી ‘શકિત’ની લોકકથામાં આવે છે.

માનવી શા માટે ગમે

ગોધરાની વાતમાં અધિકતા તો એક : કે દેવીઓ પણ માનવીસું પ્રણય, જોડે એની કાવ્યકલ્પના આ દેવીભક્ત દેશનાં માનવીને પણ આવતી અને ગમતી. એય આખરે તો સ્ત્રીઓ છે. પ્રણયની જંખના એમની પ્રકૃતિમાં હોવી જોઈએ. સ્વર્ગના ઊર્મિવિહીન અને કેવળ એકલા અવિરામ આનંદ જ કરી જાણતા જડસુ દેવતા પુરુષોનો દેવીઓને કંટાળો આવે, દેવીઓને વિધવિધ ઊર્મિઆવેશોથી ધબકારા મારતું, પ્રણયપ્રાપ્તિ માટે તલસી શકતું, અને તે કાજે મરવાય તત્પર થતું, વિરહમાં ઝૂરતું અને સંયોગમાં રસોર્મિથી ભિજાતું એવું મરતલોકનું માનવી ગમે, એ સ્વાભાવિક છે.

કુંવારી ધરતી પર ઝાપટાં

ગોધરાની માનસયાત્રાની વિદાય લેતો, આજે વેરવિખેર પડેલાં એ ભટ્ટ સાહેબનાં પુત્રપુત્રીઓને સ્મરણમાં એકઠાં કરતો, અને તેમાંનાં જગત છોડી ગયેલાઓમાંથી રૂપી મેરાણીનું કથાનક તેમ જ એની આકૃતિનું ‘મોડેલ’ પૂરું પાડતાં કુમુદબહેનને અંજલિ આપતો હું પાનું ફેરવું છું ત્યાં તો કુંવારી ધસ્તી પર પહેલાં મેઘઝાપટાં પડે તેવી મીઠપથી તે કાળે મનોભૂ પર વરસેલા નાનકડાં બે લોકગીતો ટાંચણમાં નજરે ચડે છે— 

‘મોર બોલે ને ઢેલડ રીસાણી,
તમે શાના લીધા છે વાદ !
એકવાર બોલો ને ! ઢેલડ રીસાણી.

**


લીંબુની મારી હું તો નૈં મરૂં રે વાલમા !
લીંબુંડું ઝૂલે છે બાગમાં.
તારાં મેંણાની મારી મરી જાઉં, મારા વાલમા !
લીબુડું ઝૂલે છે બાગમાં.


‘પરણેલને દ્દૃવે પતિ’

પાનું ફરે છે : પાંચ દુહા ટપકાવ્યા છે—

પરણેલને દૂવે પતિ
(તેનું) ભલું નો ભણાય.
ગામે અનિયા ગણાય,
પંચામાંય પાલો ભણે. 

પરણેલને મેલેં પતિ
રાખે જઈને રખાત,
(તેની) ભૂંડી થીશે ભાત્ય,
પોકારીને પાલો ભણે. 

પાસેવાન ઊભે પરી,
ધસ્તું એવું જ ધરમ;
રેચૂલા—ક
પરણેલી, પાલો ભણે. 

રાનો મરન્તાં રતીક
નો’ય આથે અફસોસ,
સાચનો પેરે શોગ
પરણેલી, પાલો ભણે. 



ઊપરવાડ્ય થા આપીએં
ખીર સાકર ખાવા;
બેશદ્ધ કરે બાવા
પટાવીને; પાલો ભણે. ૫

ડરશો નહિ. આ ભાષા અગુજરાતી નથી. ડિંગળનાં માતૃપય પીનાર ગઢવી પાલરવની આ ડિંગળી ગુજરાતી એ કોઇ ભાષાસંશોધનનો વિષય નથી. આ તો હતી ગામડાની જીવતી ભાષા–અને લોહૃદયમાં રમતા ભાવો. અર્થ આપું છું—

૧ પરણેલી પત્નીને જે માણસ દૂભવશે તેનું, ઓ ભાઇઓ, ભલું નહિ થાય. પાલો ગઢવી કહે છે કે એ તો ગામમાં પંચની વચ્ચે અન્યાય ગણાશે.

૨ પરણેલીને ત્યાગીને જે પતિ રખાત રાખશે એની તો દશા જ બુરી થશે, એવું પોકારી પોકારીને પાલો ગઢવી કહે છે.

૩ હે માનવી ! એવા પતિના મૃત્યુ ટાણે પાસવાન (રખાત) તો દૂર રહેશે, ચૂડાકર્મ તો પરણેલી જ કરશે.

૪ નાથ મરતાં અન્યને રતિમાત્ર પણ અસર નહિ થાય, સાચો શોક તો પરણેલી નાર જ પહેરવાની.

૫ ઘરમાંથી છાનામાના જેને દૂધસાકર ખાવા આપશું એ રખાત તો આપણને ફોસલાવીને ભાન ભુલાવીને બાવા બનાવશે.