પાયાની કેળવણી
નિવેદન
મોહનદાસ કરમચંદ ગાંધી
૧. કેળવણીની પુનર્ઘટનની જરૂર →




પાયાની કેળવણી/નિવેદન


જેની પાસે જીવન વિષે આમૂલાગ્ર વિચાર હોય, જિજ્ઞાસા હોય, અને તેની સાધના માટે સતત પુરુષાર્થ હોય, તેની પાસે કેળવણી વિષે અમુક દર્શન છે જ, એમ કહેવામાં કશી ભૂલ નથી લાગતી. હા, તે માણસ શિક્ષણશાસ્ત્રની અથવા માનસશાસ્ત્રની અથવા માનસશાસ્ત્રની પરિભાષા કદાચન વાપરતો હોય - ન વાપરી જાણતો હોય; પરંતુ પરિભાષા દર્શન નથી. પરિભાષા હોવા છતાં દર્શન ન હોય, અને દર્શન હોય તો પરિભાષાની ગરજ મર્યાદિત બની જાય છે; દર્શન પોતાની ભાષા સરજી લે છે. ગાંધીજી આ પ્રકરના કેળવણીકાર હતા. એવાને મન, જીવનની ખરી કેળવનીમાં અને જીવનના સાફલ્ય માટેની સાચી સાધનામાં ફરક નથી હોતો. માત્ર, એ સાધનાને શાળા-ગત કરવાની રહે એટલું જ. ગાંધીજીએ આમ કરવાનો પ્રયત્ન લગભગ એમની આખી ઉંમર કર્યો છે. તેઓ સમજણા અને જવાબદાર થયા ત્યારથી પોતાના વ્યક્તિગત વિકાસને અંગે અને બાળકોની જવાબદારી લેવાને થઈ ત્યારથી તેમના શિક્ષણની દૃષ્ટિએ, તેમણે આખી જિંદગી કેળવણીનું કામ કર્યું છે, એમ કહી શકાય. એમના सत्यना प्रयोगो ની નોંધ, એ રીતે જોતાં, એમના 'કેળવણીના પ્રયોગો'ની જ નોંધ છે.

ઉપરાંત જેને સામાન્ય રીતે શિક્ષણ કહેવાય છે તેને અંગે પણ તેમણે સારી પેઠે લખ્યું છે. એ બધાં લખાણોમાંથી, તેના નિચોડરૂપે ગ્રંથો અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયા છે, જેમાં ગાંધીજીના શિક્ષણ વિષયક વિચારો ઠીક ઠીક સમગ્રતાપૂર્વક મળી રહે છે -

૧. ખરી કેળવણી ૨. કેળાવણીનો કોયડો

એમાં મનુષ્યના સર્વાંગી વિકાસની દૃષ્ટિએ શિક્ષણના સિદ્ધાંતનું તથા તેના વિવિધ અંગોનું નિરૂપણ થયું છે. સને ૧૯૨૦થી ગાંધીજીએ રાષ્ટ્રીય કેળવણીનો જે મહાન પ્રયોગ શરૂ કર્યો, તેનો પણ સાંગોપાંગ ખ્યાલ આવી જાય છે.

૧૯૩૭ પછી શિક્ષણમાં બે મુખ્ય બાબતો તરફ ગાંધીજીને ખાસ ધ્યાન આપવાનું થયું - ૧ રાષ્ટ્રભાષાનો પ્રચાર ૨. રાષ્ટ્રની સાર્વત્રિક કેળવણી. એટલે એ બે અંગે તેમણે આ દસકા દરમિયાન વિશેષ ચર્ચા કરી અને દેશમાં પણ તેનું જબરું આંદોલન ચલાવ્યું. તેમાંની પહેલી બાબતના વિચારો નિરૂપતાં લખાણોનો સંગ્રહ - राष्ट्रभाषा विषे विचार - આ અગાઉ બહાર પડી ગયો છે. બીજી બાબતનાં લખાણોનો સંગ્રહ આ હવે બહાર પડે છે.

આ રીતે જોતાં આ બીજા સંગ્રહની અત્યારે બહુ જરૂર છે. ઈ.સ. ૧૯૩૭માં વર્ધા શિક્ષણ યોજના અથવા તો પાયાની કેળવણીનો જન્મ થયો. ઉમંગ અને શ્રદ્ધાથી બે ત્રણ વરસ એનું કામ ચાલ્યું પછી રાજકીય પલટાની સાથે આ કામ લગભગ ૧૯૪૬-૪૭ સુધી ગોટાળામાં ગબડ્યા કર્યું. જાતજાતના નવા અર્થો ને નવા નવા આડ-ફાંટા ઊભા થયા. ૧૯૪૭થી પાછું સરકરોએ આ કામને સમારી લેવા માંડ્યું છે. એટાલે ખરું જોતાં ૧૯૩૭ થી ૧૯૪૭ નો દસકો, વર્ધા શિક્ષણ યોજનાના પ્રયોગોની દૃષ્ટિએ જોઈએ તો, ચૂંથાઈ ગયો હતો એમ કહી શકાય. અને વ્યવસ્થિત પ્રયોગ ૧૯૪૭માં આઝાદી આવ્યા પછી શરૂ થાય છે. એમ કહીએ તે ખોટું નથી. તે વખતે ગાંધીજા ના વિચારો ખરેખર શા હતા. તેનું મનન કરવું જોઈએ. જેથી નીતિની બાબતમાં વચલાં વરસોમાં જે આડાઅવળી કે આઘીપાછી થઈ હોય તે પ્રજા તથા સરકરને સાફ જણાય.

વર્ધા યોજના રૂપે ગાંધીજીએ જે વિચારો રજૂ કર્યા, તે એમના પૂર્વ વિચારોથી કે શિક્ષણ-પ્રયોગથી સાવ નોખા અને નવા જ હતા એવું નથી. કાંઈ ફેર હોય તો તેમની ભૂમિકાને લઈને. ૧૯૨૦થી તે પ્રયોગો ગાંધીજીએ શરૂ કર્યા, તે દેશમાં સ્વરાજ લાવવાને માટેના શિક્ષણના. ૧૯૩૭ પછી એ ભૂમિકા આપોઆપ ફરી અને તે સ્વરાજ આવ્યું. તેના શિક્ષણના એટલે કે, ફેલામ્ જે મર્યાદા હતી તે મટીને દેસહ્વ્યાપી વિચાર અને પુન્ર્ઘટનાની ભોમિકા લેવાની થઈ. તેમણે જ કહ્યું છે કે,

"મેં રજૂ કરેલો શિક્ષણક્રમ પણ રચનાત્મક કાર્યનો મોટો અંશ છે. જે રૂપ તેને હું અત્યારે આપી રહ્યો છું, એ મહાસભાએ અપનાવ્યું છે, એમ કહેવાનો મારો આશય નથી. પણ હું જે લખી રહ્યો છું તે ૧૯૨૦થી રાષ્ટ્રીય શાળાઓને વિષે જે કંઈ મેં કહ્યું છે ને લખ્યું છે, તેના મૂળમાં છુપાયેલું હજ હતું. એ મારી પાસે વખત આવ્યો એટલે એકાએક પ્રગટ થયું છે, એવો મારો દૃઢ વિશ્વાસ છે."

એટલે વર્ધા યોજનાનો સાંગોપાંગ આભ્યાસ કરવા ઈચ્છનારે તેમનાં શરૂમાં કહેલાં બમ્ને પુસ્તકો પણ જોવાં જોઈએ. તો તેમાંથી તેમને યોજનાની આખી ભૂમિકા મળી રહે. પરંતુ, આજે સૌને સારુ ખાસ જરૂર એ છે કે, ગાંધીજીએ જે વસ્તુ અત્યારની જરૂરિયાત પ્રમાણે રજૂ કરી, તે તેના મૂળ સ્વરૂપમાં સમજી લેવી જોઈએ. તેમાં ફેરફારો કરવાની ના ન હોઈ શકે; પરંતુ જો કોઈ ફેરફાર નિચારીએ તે તેમાં સુધારો કરવાપણું હોવું જોઈએ, યોજનાના મૂળ ઉદ્દેશને કથાળે એવું કાંઈ ન હોઈ શકે. આવું શુદ્ધ પ્રયાણ કરવું હોય તો વર્ધા યોજના વિષે ગાંધીજીએ જે લખ્યું, તે એક ચોપડી તરીકે મળે, તો તે અભાસીઓ, કેળવણીકારો, શિક્ષકો તથા અધ્યાપન મંદિરો વગેરે બધાંને કામ લાગી શકે.

વર્ધા યોજનાનો અમલ કરવામાં આજે જે મોટી અડચણ છે, તે ગાંધીજીએ પોતે પણ સાફ કહી છે. હરેક ક્રાંતિકારી પગલામાં હોય છે તેજ ઉપકારની એ છે, દરેક પુનર્ઘટનાને નસીબે એ ચોંટેલી જ હોય છે. એ છે જૂનું ચાલુ રૂઢિગત શિક્ષણતંત્ર અને તેમાંથી નીપજતાં મૂલ્યો તથા ગંઠાઈ ગયેલા હિતસંબંધો એમના શબ્દો ટાંકુ :-

"... તમારી મુશ્કેલીઓ હું જાણું છું. જે લોકો (કેળવણીની ) જૂની રૂઢિગત પરંપરામાં કેળવાયા છે અને ઊછર્યાં છે, તે લોકો સહેજમાં એક તડાકે તેનાથી તદ્દન જુદે રસ્તે ફંટાઈ ન શકે."

આથી જ, દા૦ ત૦, અંગ્રેજીને પ્રથમનાં સાત વરસના ભણતરમાંથી દૂર કરવાનું પગલું ૧૯૩૭થી ગાંધીજીએ સાફ કહેલું કે તદ્દન જરૂરી છે, છતાં દસે વરસે ૧૯૪૭માં તે ભરાયું અને ભરાયું ત્યાં જ પાછું અધકચરું કરી મુકાયું. શ્રદ્ધા- અને નિષ્ઠા -જન્ય અડગતા વગર આ અડચણ દૂર ન થઈ શકે એવી છે. તેથી જ તેમણે પ્રધાનોને તથા શિક્ષણખાતાને સલાહ આપી હતી કે,

"હું પ્રધાનનાના હોદા પર હોઉં તો એવી વ્યાપક સૂચનાઓ આપી દઉં કે, હવે પછી કેળવણીને લાગતી સરકારની બધી પ્રવૃત્તિ પાયાની કેળવણીને ધોરણે તેની દિશામાં ચાલશે... ઇન્સ્પેક્ટરો અને અમલદારોને આ નીતિ કે આ કેળવણી વેષે શ્રદ્ધા ન હોય, અથવા વફાદારીથી નવી નીતિનો અમલ કરી તેને પાર પાડવાની તેમની ના મરજી હોય , તો તેમને હું રાજીનામું આપી સરકારની નોકરીમાંથી અળગા થવાની છૂટ આપું. પણ પ્રધાનો પોતાનું કામ બરાબર જાણતા હોયાને તેની પાછળ તન તોડીને હોંશથી તેમ જ ખંતથી મંડે, તો આવું કરવાની જરૂર પડે એમ મને નથી અલગતું, પણ એટલું સાફ સમજવું જોઈએ કે, ઑફિસની ખુરશીમાંથી બેઠે બેઠે એક પછી એક હુકમો છોડવાથી આ કામ બનવાનું નથી." આના કરતાં મોટી અડચણ તો ઉદ્યોગ શિક્ષણ અને તે વાટે કેળવણી શી રીતે અપાય, એ મૂળ વિચારના અમલ અંગે આવી છે. ઉદ્યોગ એક સાધન છે, તે સાથે જ એ સાધ્ય છે. બીજા વિષયો માટે એમ નથી. એટલે ઉદ્યોગને એક સાદ્ય તરીકે બરોબર શીખવવો જોઈએ. તેનું કામ વ્યવસ્થિત થવું જોઈએ. એમ થાય તો જ કેળવણીના સાધન તરીકે તે પોતાની શક્તિ દાખવી શકે. જૂની કેળવણી-પદ્ધતિને શ્રમ અને જાતમહેનતની સૂગ છે; તેમાં ઊંચનીચભાવ દાખલ થયો છે. આથી શાળાઓમાં ઉપર બતાવેલી દ્રષ્ટિએ ઉદ્યોગ ન ચાલ્યો. અને બીજી બાજુથી તેને સાધન તરીકે વાપરવા માટે, અનુબંધને નામે એક વિચિત્ર બાજુ જ શિક્ષણશાસ્ત્રીઓને હાથે નિર્માણ થઈ. 'ઍક્ટિઇવિટી' અને 'પ્રોજેક્ટ' પદ્ધતિ જોડે તેને સાંકળવામાં આવી. આમ કરીને પણ શિક્ષણ તો તે ઢબેય ઝાજું ન સુધર્યું, અને ઉદ્યોગને કેવળ પ્રયોગશાળાના એક પ્રયોગ રૂપે કર્યા પછી તેને વિષે જાતજાતની માહિતીની વાતો અને ચોપડીઓ પર જ શિક્ષનપદ્ધતિ પાછી વળી ગઈ. અને નિયત અભ્યાસક્રમ તો છેવટે કરવો જોઈએ, એટલે ઉદ્યોગ પર ક્રમિક કાપ પદતો ગયો. વાચક જોશે કે, ગાંધીજીના લખાણોમાં 'અનુબંધ' શબ્દપ્રયોગ નથી. તે તો ઉદ્યોગ વાટે કેળવણી કહે છે, અને તે સમજપૂર્વક ઉદ્યોગ કરીએ તો અભ્યાસક્રમ જેવી વસ્તુ તેમાંથી જે રીતની બને તે સાચો સહજ અભ્યાસ છે, એમ તેમણે કહ્યું. ચાલુ શિક્ષણપ્રથામાં અભ્યાસક્રમનું સ્થાન આ રીતનું નથી. અમુક અભ્યાસક્રમ વરસમાં થાય એમ તે પ્રથમ ઠરાવે છે; વર્ધા પદ્ધતિનો અર્થ તે અભ્યાસક્રમને અનુબંધથી ચલાવવો એમ તે માને છે તથા ભણતરની જૂની કલ્પના પણ ગઈ નથી. ગાંધીજીનાં લખાણોનો આ સંગ્રહ એ બાબતમાં ખૂબ વિચારપ્રેરક બનશે, એમાં શંકા નથી,

એક બીજી વસ્તુ પણ આ સંગ્રહથી સ્પષ્ટ થશે. વર્ધા યોજના શિક્ષણ પદ્ધતિ નથી; તેનાથી ક્યાંય વધારે એ છે. એ હિંદના આખા પ્રજાકીય સવાલને પહોંચી વળવાને માટેનો શિક્ષણ દ્વારા માર્ગ છે. તેથી જ ગાંધીજીએ તેને હિંદ માટેની પોતાની પરમ ભેટ કહી હતી. આનું રહસ્ય એમનાં આ લખાણોનો સંગ્રહ બતાવશે.

કોઈ દેશની રાષ્ટ્રીય શિક્ષણપ્રથાના મૂળમાં જોઈએ તો અમુક શ્રદ્ધા, અમુક દૃષ્ટિ, અને તેને અનુરૂપ પ્રયોજન ને ઉદ્દેશ રહેલાં હોય છે. શિક્ષન પ્રથા તે ઉપરથી ખીલે છે ને પોતાનો ઘાટ પકડે છે. જેવી શ્રદ્ધા, જેવી દૃષ્ટિ, તેવો ઘાટ કાળાંતરે થવાનો જ. અત્યારે આપણે ત્યાં જે ચાલે છે તેની શ્રદ્ધા અને દૃષ્ટિ મૅકોલેની આપેલી છે; તેનું પ્રયોજન અને ઉદ્દેશ, અંગ્રેજ રાજકર્તાઓએ આપણા દેશમાં જે જમાનો રચ્યો છે તેની જરૂર પૂરી પાડવી એ છે. એ અરૂર રાષ્ટ્રહિતની ન હતી. એનું પ્રયોજન આખા દેશમાં બધા સ્વતમ્ત્ર, સમજુ અને કામગરા બની લોકશાહી પ્રજા બને તે નહોતું. એ જમાનો હવે ગયો છે અને સ્વરાજ તથા લોકશાહી આવ્યાં છે; તો ઉઘાડી વાત છે કે, ઉપરની બધી વસ્તુઓમાં પલટો આવવો જોઈએ. પણ તે બદલાયો નથી; બદલી શકાતો નથીલ; કેમકે શ્રદ્ધા ખૂટે છે. મૅકોલેએ આપેલો આત્મા છે તે કાલગ્રસ્ત થઈ ગયો છે. છતાં તેનું ખોખું ખેંચાયા કરે છે અને તેમાં કેટલાંક વર્ગહિતે આરામ જુએ છે. એટલે મીરાંબાઈના ભજનની પેલી કડી જેવા હાલ આપણા શિક્ષણતંત્રના થયા છે -

'ઊડી ગયો હંસ, પીંજર પડી તો રહ્યું.'

પાયાની કેળવણી આમાં આત્મા પૂરવા માટે છે. એ કામ ગાંધીજી જેવા જ કરી શકે. તેથી જ તેનો વખત ૧૯૩૭માં આવતો લાગ્યો તેની સાથે તેમની પ્રતિભામાંથી સહજપણે આ યોજનાનો મંત્ર પ્રગટ્યો. એનો સાચો અર્થ સમજવામાં આ સંગ્રહ મદદરૂપ થશે.

સંગ્રહના લેખોને પાંચ ખંડો વહેંચવામાં આવ્યા છે. બધા લેખો સળંગ વાંચતાં તેમની જેવી ફૂલગૂંથણી સૂઝી, તે પરથી એ પાડ્યા છે તેમાં કોઈ અગાઉથી કરેલી કલ્પના કે ગોઠવણી નથી. ૧૯૩૭માં પહેલું આ આયોજનનું મંડાણ થયું ત્યારથી ૧૯૪૭ સુધીમાં ગાંધીજીએ આ વિષે કરેલી ચર્ચા એમાં આવી જાય છે. ૧૯૪૭ સુધીમાં ગાંધીજીએ આ વિષે કરેલી ચર્ચા એમાં આવી જાય છે. ૧૯૪૭થી આ કામ આગળ લેવા માટેની વિચારણા પણ તેમણે કરી છે; તે અલગ ખંડ રૂપે અંતે આવે છે. તો આજે પણ આપણને પૂરી માર્ગદર્શક છે. એમ આ ચોપડી વર્ધા યોજના વિષે ટૂંકમાં છતાં બધી રીતે પૂરો ચિતાર આપે એવી પરિપૂર્ણ છે.

વધુ એક વસ્તુ કહેવાની રહે છે. વર્ધા શિક્ષણ યોજના એટલે માત્ર પ્રાથમિક કેળવણીનો નવો નમૂનો, એવી સમજ કેટલાકની હોય એમ લાગે છે. એ ભૂલભરેલી છે, એ પણ આ ચોપડી પરથી વાચકને જણાશે. તેમાં આખા શિક્ષણની પુનર્ઘટનાનો રાષ્ટ્રીય સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. તેનો અમલ શરૂથી કરવા માંડીએ તો આગળ આપોઆપ જરૂરી વાતાવરણ તૈયાર થાય અને રસ્તો મળે એટલે જ પ્રાથમિક કે પાયાની કેળવણીનો વિચાર પહેલો અને વિગતે કર્યો છે. બાકી વાચક વાચશે તો જણાશે કે , ઈ.સ. ૧૯૩૭-૩૮માં જ્યારે ગાંધીજીએ વર્ધા પરિષદમાં રજૂ કરવાને માટે શિક્ષણમાં ક્રાંતિની પોતાની સૂચના કરી, ત્યારે તેમાં સમગ્ર શિક્ષણની દૃષ્ટિ રાખીને આલોચના કરી હતી. અને તેમાં તેમણે શિક્ષણક્રમના બે ભાગ કર્યા હતા ૧. સાર્વત્રિક શિક્ષણ કે જે બધા નાગરિકોને મળે, જેને 'પાયાનું કે બુનિયાદી શિક્ષણ' કહેવામાં આવ્યું.

૨. ત્યાર બાદનું આગળનું વિશેષ શિક્ષણ જેને આપને ત્યાં 'ઉચ્ચ' કહ્યા કરીએ છીએ કે જે "શિક્ષણમાં અનેક ઉદ્યોગ, કારીગરીની કળાઓ, સાહિત્ય અથવા લલિતકળા વગેરેમાં રાષ્ટ્રને આવશ્યક એવું શિક્ષણ આપવાની ગોઠવણ કરી શકાય."

સાર્વત્રિક શિક્ષણ હિંદના દરેક બાળકને મલે; તેની માત્રા લગભગ 'મેટ્રિક ઓછા અંગ્રેજી' જેટલી કે (જો ઉદ્યોગ-પદ્ધતિથી કામ ચાલે તો) સહેજે તેથી વધુ હોવી જોઈએ, એમ કલ્પ્યું છે. આ ભાગનું કામ સરકાર સંભાળે અએ તેની પદ્ધતિ એવી યોજે કે જેથી વિદ્યાર્થી પોતાના ચારિત્ર્ય અને શિક્ષણના સંગઠનની સાથે સાથે તેને સ્વાવલંબી પણ કરી શકે.

બીનો વિશેષ શિક્ષણનો ભાગ ગાંધીજી ખાનગી સાહસ પર મૂકે છે. આ સૂચનાથી યુનિવર્સિટીવાળા લોક ખૂબ ગભરાયા હતા. પરંતુ એ વસ્તુ તો ગાંધીજીની કલ્પનામાં બુનિયાદી વિભાગ સાથે એક સળંગ ચીજ હતી.

અને વસ્તુસ્થિતિ જોઈએ તો હિંદના આધુનિક શિક્ષણતંત્રમાં ઉચ્ચ ગનાતા શિક્ષને એવું માથાભારે સ્થાન પચાવી પાડ્યું છે કે, તે વિસે ધરમૂળથી નવો વિચાર કર્યા વિના છૂટકો ન થાય. ગાંધીજીની યોજનામાં અંગ્રેજીના સ્થાન વિષેનો વિચાર, નવી વિદ્યાપીઠો કાઢવા વિષે વિચાર, સ્વભાષાના માધ્યમનો સહજ સિદ્ધાંત, સ્વાવલંબન અને જાતમહેનતનું તત્ત્વ રાષ્ટ્રભાષા, - આબધું શિક્ષણના આ ઉચ્ચ ગનાતા ભાગને સ્પર્શે છે, અને તે એનો અનિવાર્ય ભાગ છે.

૧૯૩૭માં તેમણે આ સળંગ ચિત્ર ટૂંકાક્ષરીમાં રજૂ કર્યું ખરું પણ ત્યારે તેમણે તેની મર્યાદા આંકીને એક વાર તો કામને આગળ લીધું - "મારી સૂચનાઓમાં પ્રાથમિક કેળવણી તેમ જ કૉલેજની કેળવણી બંનેનો ઉલ્લેખ કરેલો છે. પણ આપણે મુખ્યત્વે વિચાર પ્રાથમિક કેળવણીનો કરવાનો રહેશે. મેં પ્રાથમિક કેળવણીમાં માધ્યમિક એટલે હાઈસ્કૂલની કેળવણીનો પણ સમાવેશ કર્યો છે, કેમ કે આપણે ગામડાંમાં થોડાંક મૂઠીભર લોકોને જો કેળવણી જેવું કંઈક મળતું હોય, તો તે પ્રાથમિક કેળવણી છે . . . . જે ક્ષણે આ મુખ્ય પ્રશ્નનો નિકાલ આવશે, તે ક્ષણે જ કૉલેજની કેળવણીના પ્રશ્નનો પણ નિકાલ આવી જશે. . . . "

એ વખતે ૧૯૩૭માં આમ મર્યાદિત કરીને લીધેલા કામને જ્યારે ફરી ૧૯૪૭માં તાર સાંધવાનો આવ્યો, ત્યારે તેમણે મનુષ્યની આજીવન કેળવણીનો આખો નક્શો આંક્યો, ને એમાં પાયાની કેળવણી કેવી વધ્યવર્તી સૂર્ય સમાન છે તે બતાવ્યું. આવું સ્થાન એને ખરેખર જો આપી શકીએ, તો તેમાં આગળના કામના કોયડાનો ઉકેલ સંતાયો છે, એમ પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે; અને એ કામ દેશ આગળ હવે છે એમ જણાવીને તે ગયા.

આ ચોપડી આ લાંબી કથાને સુરેખ રજૂ કરે છે. એનાં પ્રકરનો આમ તો તે લખાતાં જતાં હતાં ત્યારે हरिजनમાંથી વાંચ્યા હતાં. પરંતુ તેમને આ ચોપડી રૂપે વાંચવા સળંગ બધાં જોવાથી જે ચિતાર આવ્યો, તેવો ત્યારે આવ્યો નહોતો. એ પણ જોયું કે, ગાંધીજીને પોતાના વિચારની રજૂઆત કરવાને માટે જે કહેવું છે તે આટલામાં સ્પષ્ટ રીતે આવી જાય છે. તેથી સંપાદન કરતાં મળેલો આ ચિતાર આટલા લંબાણથી મેં અહીં નોંધ્યો છે. એમાંથી વાચકને પાયાની કેળવણીના પ્રયોગની દસવરસની વિચારયાતાનો કાંઈક નક્શો પણ મળી રહેશે માનું છું.

૭-૮-'૫૦

મગનભાઈ દેસાઈ