પાયાની કેળવણી/૧. કેળવણીની પુનર્ઘટનની જરૂર

← નિવેદન પાયાની કેળવણી
૧. કેળવણીના પુનર્ઘટનની જરૂર
મોહનદાસ કરમચંદ ગાંધી
૨. કેટલાક પ્રશ્નો →



કેળવણીના પુનર્ઘટનની જરૂર

['બુધ્ધિવિકાસ વિ. બુધ્ધિવિલાસ' એ લેખ]

ત્રાવણકોરના ને મદ્રાસના ભ્રમણમાં વિદ્યાર્થીઓ તથા વિદ્વાનોના સહવાસમાં મને લાગ્યું કે, હું જે નમૂનાઓ જોઈ રહ્યો હતો તે બુધ્ધિવિકાસના ન હતા પણ બુધ્ધિવિલાસના હતા. આધુનિક કેળવણી પણ આપણને બુધ્ધિના વિલાસો શીખવે છે ને બુધ્ધિને આડે લઈ જઈ તેના વિકાસને રોકે છે. સેગાંવમાં પડ્યો હું જે અનુભવી રહ્યો છું તે આ વાતની પૂર્તિ કરતું દેખાય છે. મારું અવલોકન તો હજુ ચાલી જ રહ્યું છે. એટલે તે અનુભવો ઉપર આ લખાણમાંના વિચારોનો આધાર નથી. એ વિચારો તો જ્યારથી મેં ફિનિક્સ સંસ્થાની સ્થાપના કરી ત્યારથી, એટલે કે ૧૯૦૪ની સાલથી.

બુધ્ધિનો ખરો વિકાસ હાથ પગ કાન ઇત્યાદિ અવયવોના સદુપયોગથી જ થઈ શકે. એટલે કે, શરીરનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરતાં બુધ્ધિનો વિકાસ સારામાં સારી રીતે ને વહેલામાં વહેલો થાય. આમાંય જો પારમાર્થિક વૃત્તિ ન ભળે તોય શરીર ને બુધ્ધિનો વિકાસ એકતરફી થાય છે. પારમાર્થિકવૃત્તિ શુદ્ધ વિકાસને સારુ આત્માનો અને શરીરનો વિકાસ સાથે સાથે ને એકસરખી ગતિએ ચાલવો જોઇએ. એટલે કોઈ કહે કે આ વિકાસો એક પછી એક થઈ શકે, તો તે ઉપરની વિચારશ્રેણી પ્રમાણે બરોબર ન હોવું જોઈએ.

હૃદય, બુધ્ધિ અને શરીર વચ્ચે મેળ ન હોવાથી જે દુઃસહ પરિણામ આવ્યું છે તે પ્રસિધ્ધ છે. છતાં અવળા સહવાસને લીધે આપણે તે જોઈ નથી શકતા. ગામડાંના લોકો પશુઓમાં ઉછરી માત્ર શરીરનો ઉપયોગ યંત્રવત્ થઈ કરે છે; બુધ્ધિનો ઉપયોગ કરતા જ નથી, કરવો નથી. હૃદયની કેળવણી નહીંજેવી છે; એટલે નહીં તાંબિયાના, નહીં ત્રણના, નહીં તેરના, ને નહીં છપ્પનના મેળના, એવું તેઓનું જીવન વહે છે. બીજી તરફ આધુનિક કૉલેજ લગીની કેળવણી જોઈએ તો ત્યાં બુધ્ધિના વિલાસને વિકાસને નામે ઓળખવામાં આવે છે. બુધ્ધિના વિકાસની સાથે શરીરને કંઈ મેળ નથી એમ ગણાય. પણ શરીરને કસરત તો જોઈએ જ, તેથી ઉપયોગ વિનાની કસરતોથી તેને નિભાવવાનો મિથ્યા પ્રયોગ થાય છે. પણ ચોમેરથી મને પુરાવા મળ્યા જ કરે છે કે, નિશાળોમાંથી પસાર થયેલાઓ મજૂરોની બરાબરી કરી શકતા નથી, જરા મહેનત કરે તો માથું દુઃખે છે, ને તડકે રખડવું પડે તો ચક્કર આવે છે. આ સ્થિતિ સ્વાભાવિક મનાવવામાં આવે છે. હૃદયની વૃત્તિઓ, વણખેડાયેલા ખેતરમાં જેમ ઘાસ ઊગે તેમ, એની મેળે ઊગ્યા ને કરમાયા કરે છે. ને આ સ્થિતિ દયાજનક ગણાવાને બદલે સ્તુતિપાત્ર ગણાય છે.

આથી ઊલટું, જો બચપણથી બાળકોનાં હૃદયની વૃત્તોને જો વલણ મળે, તેઓને ખેતી રેંટિયા ઇ. ઉપયોગી કામમાં રોકવામાં આવે અને જે ઉદ્યોગ વડે તેમનાં શરીર કસાય તે ઉદ્યોગની ઉપયોગિતા, તેને અંગે વપરાતાં ઓજારો વગેરેની બનાવટ વગેરેનુ જ્ઞાન આપવામાં આવે, તો બુધ્ધિનો વિકાસ સહેજે સધાય ને નિત્ય તેની કસોટી થાય. આમ કરતાં જે ગણિતશાસ્ત્ર ઇત્યાદિના જ્ઞાનની આવશ્યકતા હોય તે અપાતું જાય ને વિનોદાર્થે સાહિત્યાદિનું જ્ઞાન અપાતું હોય, તો ત્રણે વસ્તુની સમતોલતા સધાય ને અંગ વિકાસ વિનાનું ન રહે. મનુષ્ય માત્ર બુદ્ધિ નથી, માત્ર શરીર નથી, માત્ર હૃદય કે આત્મા નથી. ત્રણેના એકસારખા વિકાસમાં મનુષ્યનું મનુષ્યત્વ સધાય. આમાં ખરું અર્થશાસ્ત્ર છે. આ પ્રમાણે જો ત્રણે વિકાસ એકસાથે થાય તો આપણાં ગૂંચવાયેલાં કોયડા સહેજે ઉકેલાય. આ વિચાર કે એનો અમલ સ્વતંત્રતા મળ્યા પછી થવાનો છે એમ માનવું ભૂલભરેલું હોવાનો સંભવ છે. કરોડો માણસો તો આવાં કામમાં રોકવાથી જ સ્વતંત્રતાનો દિવસ આપણે નજીક આણી શકીએ છીએ.

ह. बं. ૧૧-૪-'૩૭