પાયાની કેળવણી/૧૧. રાષ્ટ્રીય કેળવણીકારોને

← ૧૦. રચનાત્મક કાર્યકર્તાઓને પાયાની કેળવણી
૧૧. રાષ્ટ્રીય કેળવણીકારોને
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૨. ચાલુ શિક્ષણપ્રથાવાળાઓને →


૧૧
રાષ્ટ્રીય કેળવણીકારોને

['આગામી શિક્ષણ પરિષદ' એ લેખ]


વર્ધાના મારવાડી વિદ્યાલયે થોડા વખત પર નવભારત વિદ્યાલય એ નવું નામ ધારણ કર્યું છે. એ વિદ્યાલય એનો રજતઉત્સવ ઉજવે છે. વિદ્યાલયના સંચાલકોને વિચાર આવ્યો કે, એ પ્રસંગે રાષ્ટ્રીય વિચારવાળા કેળવણીકારોની એક નાની પરિષદ બોલાવવી, અને કેળવણીની જે યોજના હું આ પત્રમાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેની ચર્ચા કરાવવી. વિદ્યાલયના મંત્રી શ્રી શ્રીમન્નારાયણ અગરવાલે આવી પરિષદ ભરવાની યોગ્યતા વિષે મારી સલાહ પૂછી, અને હું એ વિચાર પસંદ કરું તો મારે પ્રમુખ થવું એવી માગણી કરી. મને બંને સૂચનાઓ ગમી. એટલે આ પરિષદ વર્ધામાં ઑક્ટોબરની ૨૨મી અને ૨૩મીએ ભરાશે.જેમને પરિષદમાં આવવાની ઇચ્છા હોય, છતાં નિમંત્રણ ન મળ્યાં હોય, તેઓ મંત્રીને વિનંતી કરે, તેની સાથે પોતાનાં નામઠામ અને એવી બીજી વિગતો આપે, જેથી એમને નિમંત્રણ , મોકલી શકાય એમ છે કે કેમ તે મંત્રી નક્કી કરી શકે. જેઓ આ પ્રશ્નમાં ઊંડો રસ લેતા હોય ને ચર્ચામાં ઉપયોગી ફાળો આપી શકે એમ હોય, તેવાઓની બહુ નાની સંખ્યાને માટે જ જોગવાઈ કરવામાં આવે છે.

પરિષદને અંગે કશો ઠાઠ કે મોટા દેખાવો જરાયે થવા દેવાનો ઇરાદો નથી. કોઈને પ્રેક્ષક તરીકે આવવા દેવામાં નહીં આવે. પરિષદ કેવળ કામકાજને સારુ જ ભરાવાની છે. છાપાંના પ્રતિનિધિઓને સારુ ગણીગાંઠી ટિકિટો જ કાઢવામાં આવશે. છાપાંવાળાઓને મરી સલાહ છે કે, તેઓ એકબે પ્રતિનિધિ ચૂંટી કાઢે ને તેમણે મેળવેલા હેવાલોમાં ભાગ પડાવે.

આ કામમાં મેં શ્રધ્ધાપૂર્વક છતાં અતિ નમ્રતાપૂર્વક માથે લીધું છે. મારા જ વિચારો સાચા છે ને બીજાના ખોટા છે એવો આગ્રહ મારા મનમાં નથી. જે કંઈ નવું શીખવા મળે તે શીખવાની, અને જ્યાં જરૂર જણાય ત્યાં મારા વિચારો ફેરવવાની ને સુધારવાની મારી ઇચ્છા છે.

પરિષદ આગળ જે સૂચનાઓ હું ચર્ચા માટે રજૂ કરવાનો છું, ને મને અત્યારે સૂઝે છે તે પ્રમાણે, આ છેઃ

૧. અત્યારની શિક્ષણપધ્ધતિથી દેશની જરૂરિયાત કોઈ પ્ણ રીતે સંતોષાતી નથી. શિક્ષણની ઉપલી સર્વ શાખાઓમાં અંગ્રેજી દ્વારા શિક્ષણ અપાતું હોવાને લીધે ઊંચું શિક્ષણ પામેલા થોડા લોકો અને નિરક્ષર બહુજનસમાજ એ બેની વચ્ચે કાયમનું અંતર પડી ગયેલું છે, એને લીધે જ્ઞાન જનસમૂહમાં વ્યાપતુ અટક્યું છે. અંગ્રેજીને અપાયેલા વધારે પડતા મહત્વને લીધે શિક્ષિત વર્ગ ઉપર જે બોજો પડ્યો છે,તેને લીધે તેઓમાં જીવનભરનું માનસિક અપંગપણું આવી ગયું છે, અને તેઓ સ્વદેશમાંજ પરદેશ જેવા બની ગયા છે. ઉદ્યોગશિક્ષણના અભાવે શિક્ષિત વર્ગને કંઈ પણ ઉત્પાદક કામ માટે લગભગ નાલાયક બનાવી મૂક્યો છે ને તેમનાં શરીરને ભારે હાનિ કરી છે. પ્રાથમિક કેળવણી પર ખરચાયેલા પૈસા એળે જાય છે, કેમ કે બાળકોને જે કંઈક થોડું શીખવવામાં આવે છે, તે તો થોડાજ વખતમાં ભૂલી જાય છે; અને એ ભણતર ગામડાં કે શહેર એકેને માટે કંઈ જ ઉપયોગનું નીવડતું નથી. શિક્ષણની ચાલુ પધ્ધતિ જે લાભ મળે છે તે પણ કર ભરનાર મુખ્ય વર્ગને મળતો નથી,કેમ કે એમનાં બાળકોને તો સૌથી ઓછું શિક્ષણ મળે છે.

૨. પ્રાથમિક શિક્ષણનો ક્રમ વધારીને ઓછામાં ઓછા સાત વરસનો કરવો જોઈએ; મેટ્રિક્માંથી અંગ્રેજી બાદ કરીએ અને ઠીક ઠીક ઉદ્યોગશિક્ષણ ઉમેરીએ એટલું સામાન્માન્યજ્ઞાન એટલા વખતમાં અપાવું જોઈએ.

૩. બાળકો અને બાળાઓના સર્વાંગી વિકાસને સારુ સર્વ શિક્ષણ, બની શકે ત્યાં લગી, કંઈક લાભદાયક ઉદ્યોગો દ્વારા અપાવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, ઉદ્યોગો બેવડી ગરજ સારે - એક તો વિદ્યાર્થી પોતાના પરિશમના ફળ દ્વારા પોતાના શિક્ષણનું ખરચ આપી શકે; અને બીજું સાથે સાથે નિશાળમાં શીખેલા ઉદ્યોગથી તેનામાં રહેલ પુરુષત્વ કે સ્ત્રીત્વનો સર્વાંગી વિકાસ થાય.

જમીન, મકાનો અને સાધનસામ્રગીની કિંમત વિદ્યાર્થીની મહેનતની કમાણીમાંથી નીકળે એવો ઇરાદો રાખેલો નથી.

રૂ, ઊન અને રેશમની બધી ક્રિયાઓ - વીણવું, સાફ કરવું,(કપાસને લોઢવો), પીંજવું, કાંતવું, રંગવું, કાંજી પાવી, તાણી કરવી; ભરત સીવણ, કાગળની બનાવટ, ચોપડીઓ બાંધવી, સુતારી, રમકડાંની બનાવટ, ગોળની બનાવટ વગેરે અવશ્ય એવા ઉદ્યોગ છે જે ઝાઝી મૂડીના રોકાણ વિના સહેલાઈથી શીખી ને ચલાવી શકાય. છોકરાછોકરીઓ જે ઉદ્યોગો શીખે તેમાં તેમને કામ આપવાની બાંહેધરી રાજ્ય આપે, કે રાજ્યે ઠરાવેલી કિંમતે એમણે બનાવેલો માલ ખરીદી લે, તો આ પ્રાથમિક કેળવણી એ છોકરા છોકરીઓને આજીવિકા કમાઈ લેવા જેટલું શિક્ષણ જરૂર આપે.

૪. ઉચ્ચ શિક્ષણ ખાનગી સાહસ પર છોડી દેવું જોઈએ; એ શિક્ષણમાં અનેક ઉદ્યોગ, કારીગરીની કળાઓ, સાહિત્ય અથવા લલિતકળા વગેરેમાં રાષ્ટ્રને આવશ્યક એવું શિક્ષણ આપવાની ગોઠવણ કરી શકાય.

સરકારી વિદ્યાપીઠો કેળવણીના આખા ક્ષેત્રની સંભાળ રાખશે, અને કેળવણીનાં વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો તૈયાર કરશે અને મંજૂર કરશે. કોઈ પણ ખાનગી નિશાળ તે પ્રાંતની વિદ્યાપીઠની અગાઉથી મજૂરી લીધા વિના ચાલવી ન જોઈએ. વિદ્યાપીઠ (યુનિવર્સિટી)ના 'ચાર્ટર' સુપાત્ર અને પ્રામાણિક માણસોના કોઈ પણ મંડળને છૂટે હાથે આપવા જોઈએ; માત્ર એટલી ચોખવટ હંમેશાં રાખવી જોઈએ કે, એ વિદ્યાપીઠો પાછળ સરકારને કંઈ જ ખર્ચ નહીં કરવું પડે. સરકાર માત્ર એક મધ્યવર્તી કેળવણી ખાતું જ ચલાવશે.

રાજ્યની જરૂરિયાતો પૂરી પાડવા માટે જે કંઈ શાળાઓની જરૂર પડે, તે ચલાવવાની જવાબદારી રાજ્યને માથેથી, આ યોજના પ્રમાણે, ઊતરી જતી નથી.

મારો દાવો એવો છે કે, જો આ આખી યોજના સ્વીકારવામાં આવે તો રાજ્યને તેના ભાવિ સર્જકો, યુવાનોના શિક્ષણનો જે સૌથી મોટો ચિંતાનો પ્રશ્ન છે તે ઉકલી જશે.

ह.बं. , ૩-૧૦-'૩૭