પાયાની કેળવણી/૧૨. ચાલુ શિક્ષણપ્રથાવાળાઓને

← ૧૧. રાષ્ટ્રીય કેળવણીકારોને પાયાની કેળવણી
૧૨. ચાલુ શિક્ષણપ્રથાવાળાઓને
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૩. ઉદ્યોગ વાટે કેળવણી →


૧૨
ચાલુ શિક્ષણપ્રથાવાળાઓને

['હવાઈ તરંગો નહીં પણ ક્રિયા' એ લેખ]


ડૉ.એરંડેલે એમનો એક લેખ ओरियेंट इलस्ट्रेटेड वीकलीમાં પ્રસિધ્ધ થવાનો છે, તેની નકલ મને અગાઉથી મોકલી છે, ને તેની સાથે નીચેનો કાગળ લખ્યો છેઃ

"આપે એવી ઈચ્છા પ્રગટ કરી છે કે, હવે આ દેશમાં કેળવણી સ્વાવલંબી થવા માંડવી જોઈએ, ને આટલાં વરસ જેવી કૃત્રિમ રહી છે તેવી ન રહેવી જોઈએ. મેં હિંદુસ્તાનમાં કેળવણીના ક્ષેત્રમાં ત્રીસથી વધારે વર્ષ કામ કર્યું છે. મારો એક લેખ ओरियेंट इलस्ट्रेटेड वीकलीમાં પર્સિધ્ધ થવાનો છે, તે આપને મોકલું છું. કદાચ એમાં કંઈક અંશે આપના વિચારોને મળતા વિચારો હશે. મને એમ અવશ્ય લાગે છે કે, કેળવણીની એક રાષ્ટ્રીય યોજના હોવી જોઈએ ને તેને પોતાના પ્રાંતમાં અમલમાં ઉતારવાનો દરેક રાષ્ટ્રીય પ્રધાને બનતો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રશ્નને સહેજસાજ પહોંચી વળવાના છૂટા છવાયા પ્રયાસો તો ઘણા થયા છે. મને લાગે છે કે શિક્ષણના મહાસિધ્ધાંતોની ઘોષણા તત્કાળ કરવાની ઘણી જરૂર છે જેથી બધા પ્રાંતોની વચ્ચે એક સર્વસામાન્ય પ્રયત્ન રહે, જેમાં પ્રજા અને સરકાર બંને જોડાય."

પ્રસ્તુત લેખમાંથી સૌથી વધારે અગત્યના અને ઉપયોગી ઉતારા હું નીચે આપું છું. કેવી રીતે કામનો આરંભ કરવો એની ચર્ચા કર્યા પછી લેખક કહે છેઃ

"રાષ્ટ્રીય કેળવણીના મૂલ્યમાં કેવા સિધ્ધાંતો હોવા જોઈએ એ કહેવા જેટલી જગા હઈં મારી પાસે નથી. પણ હું એટલી આશા તો રાખું છું કે, છોકરા તેમ જ છોકરીઓ બંનેના શિક્ષણમાં આપણે 'શાળા' અને 'કૉલેજ' એવો હાસ્યાસ્પદ ભેદ ધીમે ધીમે કાઢી નાખીશું. કંઈક करवुं એ આખા શિક્ષણનો પ્રધાન સૂર હોવો જોઈએ. "વિચાર ગમે તેટલો જાગ્રત થાય તો પણ જ્યાં સુધી તેનું ક્રિયારૂપે ફળ ન આપે, ત્યાં સુધી તેની કશી કિંમત ન ગણાય. એ જ વસ્તુ ભાવનાઓના અને લાગણીઓના શિક્ષણ વિષે પણ કહી શકાય. આધુનિક શિક્ષણપ્રથાઓમાં એના વિષે બહુ દુર્લક્ષ કરવામાં આવેલું છે. હિંદુસ્તાનમાં જુવાનો કામ કરનારા થાય, અને કેળવણી દ્વારા એમનું ચારિત્ર એવું ઘડાય કે તેમાંથી કંઈક કર્મ, કંઈક વ્યવહારુ કાર્ય કરવાની શક્તિ, કંઈક સેવા કરવાની શક્તિ નીપજે. હિંદુસ્તાનને એવા જુવાન નાગરિકોની જરૂર છે કે જેઓ સંજોગો કે વારસાએ કરીને જે કંઈ ક્ષેત્રમાં પડ્યા હોય ત્યાં કંઈક સારું करी બતાવે. અભ્યાસના દરેક વિષયનું ધ્યેય સદાચાર હોય. આપણા શિક્ષકોએ બધી હકીકતોનું શિક્ષણ એવીજ રીતે આપવું જોઈએ કે જેથી વિદ્યાર્થીના ચારિત્રનો વિકાસ થાય. ચારિત્ર એ જ વ્યક્તિ તેમ જ રાષ્ટ્ર બંને માટે જીવનનો એક માત્ર સુરક્ષિત પાયો છે.

"અને એક વાર ચારિત્ર જાગ્રત થશે એટલે કંઈક करवानी સંક્લ્પશક્તિ બળવાન બનશે, અને સ્વાવલંબન અને સમર્પણ બંને દિશામાં એ વેગથી કામ કરવા લાગશે. ધરતીમાતાની જેટલે નજીક આવી શકાય તેટલે આવવાની, ખેતી વાટે એની પૂજા કરવાની, અને સાદાઈ તથા શુધ્ધ આચરણ દ્વારા તેના પર જેટલા ઓછા બોજારૂપ થવાય એટલા થવાની ઇચ્છા પેદા થશે. હું તો ચોક્કસ માનું છું કે ધરતી માતાનું કોઈ પણ બાળક તેની પાસેથી સીધી રીતે કંઈક પણ પોષણ મેળવવામાં અસમર્થ ન હોવું જોઈએ; અને હું તો કેળવણીમાં ધરતી સાથેનો સીધો સંબંધ - શહેરોની શિક્ષણસંસ્થાઓમાં પણ - કંઈક અંશે જરૂર દાખલ કરાવું.

"શિક્ષણની જે રૂઢિઓને લીધે આજે શિક્ષણ મોટે ભાગે નકામું થઈ પડ્યું છે તેને આપણે ફગાવી જ દેવી જોઈએ. અત્યારે રાષ્ટ્રીય પ્રધાનમંડળો છે એવે શુભ અવસરે આપણે સાચી કેળવણીની પધ્ધતિનું મગળાચરણ કરવું જોઈએ. એ કેળવણી એટલે કંઈ ભણતર નથી. આપણે જૂના જમાનાની કેળવણીની ઘરેડોમાં જકડઈ ગયા છીએ, અને ગાંધીજીએ સ્વાવલંબી કેળવણીની જે યોજના કાઢી છે તેને હું હૃદયપૂર્વક ટેકો આપું છું. તેઓ સૂચવે છે એટલે સુધી આપણે જઈ શકીશું એવી મારી ખાતરી નથી. છોકરાને સાત વરસની કેળવણી પછી 'કમાણી કરી શકે એવો બનાવી કાઢવો જોઇએ' એ વાતમાં મારી પૂરેપૂરી સંમતિ છે. મને પોતાને લાગે છે કે, દરેક જણને, અંશતઃ કેળવણી દ્વારા, પોતાની સર્જનશક્તિનું ભાન થવું જોઈએ, કેમ કે દરેક જણ એ વિકાસ પામતો ઈશ્વરી અંશ છે જે ઈશ્વરની પરમ શક્તિ -સર્જન કરવાની - છે તે એનામાં પણ એ શક્તિ જાગ્રત ન થાય તો કેળવણી શા કામની? તો એ ભણતર હોય, પણ કેળવણી તો નહીં જ.

"મગજ જેટલું માથામાં છે તેટલું જ હાથમાં પણ છે. દીર્ઘ કાળ સુધી આપણે માથામાંની બુધ્ધિને ઈશ્વર રૂપે માની છે. બુધ્ધિએ આપણા પર જાલિમપણું કર્યું છે, એના હાંક્યા આપણે હંકાઈએ છીએ. અત્યારે ઉપસ્થિત થયેલી નવી સ્થિતિમાં તે આપણા અને સેવકોમાંની એક બનવી જોઈએ; અને આપણે સાદાઈને, કુદરતને, સાદી સુંદરતાને, હાથની કારીગરીને - કલાકાર, કારીગર, ખેડૂત, સૌના હાથપગના પરિશ્રમને -ઉચ્ચ ઉન્નત માનતાં શીખવું જોઈએ.

"હુ જાણું છું કે, મને આવી જાતની કેળવણી મળી હોત તો મારું જીવન વધારે સુખી ને વધારે સમર્થ બન્યું હોત."

હું જે વ્યવહારુ માણસ તરીકે, વ્યવહારુ વાચકને માટે કહેતો આવ્યો છું તે ડૉ. એરંડલે કેળવણીકાર તરીકે, કેળવણીકારને તથા જેમના હાથમાં દેશના જુવાનોનું ઘડતર છે તેમને ઉદ્દેશીને કહ્યું છે. સ્વાવલંબી કેળવણીના વિચાર વિષે તેઓ જે સાવચેતી રાખે છે તેનું મને આશ્ચર્ય નથી થતું. મારે મન તો એ જ મુખ્ય પ્રશ્ન છે. મને દુઃખ માત્ર એક જ વાતનું છે કે, જે વસ્તુ મને ગયા ચાળીસ વરસથી ઝાંખી ઝાંખી દેખાતી હતી, તે હવે સંજોગોને બળે દીવા જેવી દેખાવા લાગી છે.

૧૯૨૦માં મેં ચાલુ શિક્ષણપ્રથાની સામે સખત વચનો કાઢેલાં. હવે મને સાત પ્રાંતોના પ્રધાનો પર થોડી તોપણ કંઈક અસર પાડવાની તક મળી છે. એ પ્રધાનોએ દેશની આઝાદીની લડતમાં મારી સાથે કામ કર્યું છે ને મારી પેઠે જ કષ્ટો સહન કર્યાં છે. એટલે અત્યારની શિક્ષણપધ્ધતિ તળિયાથી મથાળા સુધી અતિશય દુષિત છે એ આક્ષેપ સિધ્ધ કરી બતાવવાની તક સાધવાનું મને મન થઈ આવે છે. તેને હું રોકી શકતો નથી. અને જે વસ્તુ હું આ પત્રમાં બહુ અધૂરી ભાષામાં વ્યક્ત કરવા મથી રહ્યો છું, તેનું દર્શન મને એકાએક ઝબકારાની પેઠે થયું છે, અને એ સત્યની પ્રતીતિ મને દરરોજ વધારે ને વધારે થતી જાય છે. એટલે દેશના જે કેળવણીકારોને કશો સ્વાર્થ સાધવાનો નથી ને જેમનાં મન નવો વિચાર ઝીલવાને તૈયાર છે, તેમને હું કહેવાની હિંમત કરું છું કે, તેઓ મારી બંને સૂચનાઓ પર વિચાર કરે, અને અત્યારની શિક્ષણપ્રથા વિષેના તેમના લાંબા વખતથી જામી ગયેલા વિચારોને તેમની બુધ્ધિના સ્વતંત્ર પ્રવાહની આડે ન આવવા દે. હું કેળવણીના શાસ્ત્રીય અને રૂઢિમાન્ય રૂપથી છેક જ અજ્ઞાન છું એટલા માટે હું જે કહું છું ને લખું છું તેની સામે તેઓ વહેમાઈ જાય નહીં ને તેને પૂરો વિચાર કર્યા વિના ફેંકી ન દે. કહેવત છે કે, જ્ઞાન ઘણી વાર બાળકના મોઢામાંથી પણ પ્રગટ થાય છે. बालादपि सुभाषितम् એ કદાચ કવિની અતિશોયક્તિ હોય, પણ જ્ઞાન બાળકોનાં મુખમાંથી પ્રગટ થાય છે એ વિષે કશી શંકા નથી. નિષ્ણાત વિદ્વાનોને એને ઢોળ ચડાવે છે, અને તેને શાસ્ત્રશુધ્ધ રૂપ આપે છે. તેથી મારી વિનંતિ છે કે, મારી સૂચનાનો તેઓ કેવળ ગુણદોષની દૃષ્ટિએ જ વિચાર કરે. એ સૂચનાઓ અહીં ફરી આપી જાઉં.પહેલાં આ છાપામાં જે રૂપમાં આપી છે તે રૂપમાં નથી આપતો, પણ આ લીટીઓ લખાવતાં અને જે ભાષા સૂઝે છે તે ભાષમાંલખાવું છું:

૧. આજે પ્રાથમિક, મિડલ અને હાઈસ્કૂલની કેળવણીને નામે જે ચાલે છે, તેની જગા સાત કે વધારે વરસ પહોંચે એવી પ્રાથમિક કેળવણીએ લેવી જોઈએ. એ કેળવણીમાં અંગ્રેજીને બાદ કરતાં મૅટ્રિક લગીના સર્વ વિષયો, અને તે ઉપરાંત એકાદ ઉદ્યોગ, એટલાનું જ્ઞાન અપાય. ઉદ્યોગ એ જ્ઞાનનાં સર્વ ક્ષેત્રોમાં છોકરા છોકરીઓનાં મનનો વિકાસ સાધવાના સાધનરૂપ હોય.

૨. એવી કેળવણી, એકંદરે જોતાં, સ્વાવલંબી હોઈ શકે, હોવી જોઈએ જ; વસ્તુતઃ સ્વાવલંબન એ તેની યથાર્થતાની કસોટી છે.

ह० बं० , ૩-૧૦-'૩૭