પાયાની કેળવણી/૧૩. ઉદ્યોગ વાટે કેળવણી

← ૧૨. ચાલુ શિક્ષણપ્રથાવાળાઓને પાયાની કેળવણી
૧૩. ઉદ્યોગ વાટે કેળવણી
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૪. કેટલાક કીમતી અભિપ્રાય →


૧૩
ઉદ્યોગ વાટે કેળવણી

[ગાંધીજીએ તેમનાં અનેક સંભાષણોમાં, એમના મનમાંનવી કેળવણીની યોજના કેવી રીતે ઉદ્‍ભવી, અને ઉદ્યોગ અને શિક્ષણનો સંયોગ કેવી રીતે કરવાનો વિચાર તેમનાં મનમાં છે, તે વિસ્તારથી સમજાવ્યું છે. તે એમના જ શબ્દોમાં અહીં આપું છું. – મહાદેવ દેસાઈ]

કેળવણીમાં નવો ચીલો પાડવાની જરૂર મને ઘણો વખત થયા સમજાઈ હતી, કેમ કે હું દક્ષિણા આફ્રિકાથી પાછો ફર્યો ત્યારે મને aaa અનેક વિદ્યાર્થીઓ મળવા આવતા, તેમની મારફતે હું જાણી શક્યો હતો કે, આધુનિક કેળવણી છેક જ નિષ્ફળ નીવડી છે. એટલે મેં આશ્રમ શાળામાં હાથઉદ્યોગનું શિક્ષણ દાખલ કર્યું. હકીકતમાં ત્યાં ઉદ્યોગશક્તિ પર વધારે ભાર દેવામાં આવેલો; એનું પરિણામ એ આવ્યું કે bbb ઉદ્યોગશિક્ષણથી થોડા વખતમાં કંટાળી ગયાં અને એમને થયું કે ccc અક્ષરજ્ઞાન કંઇ જ આપવામાં આવતું નથી. એ એમની માન્યતા ખોટી હતી, કેમ કે એમને જે થોડુંક અક્ષરજ્ઞાન અપાતું હતું તે પણ બીજી ઢબની નિશાળોમાં બાળકોને સામાન્યપણે મળે છે તેના કરતાં વધારે હતું. પણ એ વસ્તુએ મને વિચાર કરતો કરી મૂક્યો, અને હું એવા નિર્ણય પર આવ્યો કે, ઉદ્યોગની साथे અક્ષરજ્ઞાન નહીં પણ ઉદ્યોગ वाटे આપવું એ જ ખરો રસ્તો છે. તો ઉદ્યોગશિક્ષા વૈતરું લાગતું મટી જશે, અને અક્ષરજ્ઞાન સંગીન અને નવી જ રીતે ઉપયોગી બનશે. મહાસભાએ હોદ્દા સ્વીકાર્યા એટલે મને મારો વિચાર તેમના આગળ મૂકવાનું સૂઝ્યું, અને એનો ઘણી જગ્યાએ સત્કાર થયો એ જોઈને મને આનંદ થાય છે.

અંગ્રેજીને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવાનો નિશ્ચય અમે એટલા માટે કર્યો છે કે, બાળકોનો ઘણોખરો વખત અંગ્રેજી શબ્દોના પ્રયોગો ગોખવામાં ચાલ્યો જાય છે; અને તે છતાં તેઓ જે શીખ્યા હોય છે તે પોતાની ભાષામાં મૂકી શકતાં નથી, તેમ જ શિક્ષક જે શીખવે તે બરાબર સમજી શકતાં નથી. ઊલટું તેઓ પોતાની ભાષા કેવળ ઉપેક્ષાને લીધે જ ભૂલી જાય છે. આ બંને અનિષ્ટો ટાળવાનો એક જ રસ્તો તે ઉદ્યોગશિક્ષણ વાટે કેળવણી આપવાનો છે એમ મને દેખાયું.

હું પહેલે દિવસે શરૂઆત કરું એમાં એ જાણી લઉં કે, વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી છે - એમને લખતાં વાંચતાં આવડે છે કે નહીં, ભૂગોળ આવડે છે કે નહીં; અને પછી તકલી દાખલ કરીને એમની એ આવડતમાં વધારો કરવાના પ્રયત્નથી શરૂઆત કરું.

હવે તમે મને પૂછી શકો છો કે, બીજા ઘણા હાથઉદ્યોગો છે તેમાંથી મેં તકલી જ શા માટે પસંદ કરી? કેમ કે તકલી પર કાંતવું એ આપણે માણસોએ શોધી કાઢેલા હાથઉદ્યોગમાંનો એક પ્રથમ ઉદ્યોગ છે ને તે યુગો થયાં ટકી રહેલો છે. છેક પ્રાચીન યુગમાં આપણું બધું કાપડ તકલી પર કાંતેલાં સૂતરમાંથી બનતું. રેંટિયો તે પછી આવ્યો; અને ઝીણામાં ઝીણા આંકનું સૂતર રેંટિયા પર કાંતી શકાતું નહીં, એને માટે તો તકલી જ લેવી પડતી. તકલીની ખોળ કરવામાં માણસની શોધકબુધ્ધિ પહેલાં કદી પહોંચી નહોતી એટલી ઊંચાઈએ પહોંચી. આંગળીઓની કુશળતાનો સારામાં સારો ઉપયોગ એ કામમાં કરવામાં આવ્યો. પણ તકલી કેવળ અશિક્ષિત કારીગરોના હાથમાં રહી, એટલે એનો વાપર બંધ થઈ ગયો. આજે જો આપણે એની કીર્તિ સજીવન કરવી હોય, ગ્રામજીવનને સજીવન ને પગભર કરવું હોય, તો આપણે બાળકોની કેળવણીનો આરંભ તકલીથી કરવો જોઈએ.

એટલે બીજા પાઠમાં હું છોકરાઓને શીખવું કે, તકલીનું આપણા નિત્યના જીવનમાં કેવું સ્થાન હતું. તે પછી તેમને થોડોક ઈતિહાસ શીખવું ને તકલીનો અસ્ત કેવી રીતે થયો તેની વાત કહું. તે પછી હિંદુસ્તાનનો ઇતિહાસનો થોડોક ક્રમ આવે - તેમાં ઇસ્ટ ઈંડિયા કંપનીથી કે તેથી પણ અગાઉના મુસલમાન સમયથી શરૂઆત થાય; અને ઇસ્ટ ઈંડિયા કપનીએ આપણા દેશનું શોષણ કેવી રીતે કર્યું, આપણા મુખ્ય હાથઉદ્યોગને ઇરાદાપૂર્વક કેવી રીતે ગૂંગળાવી નાખવામાં ને છેવટે મારી નાખવામાં આવ્યો એનું વિગતવાર વર્ણન આવે. તે પછી યંત્ર શાસ્ત્રની - તકલીની રચનાની થોડીક સમજ અપાય. તકલી એ શરૂઆતમાં તો માટીનો કે ભીંજવેલા લોટનો નાનો ગોળો ને તેની વચ્ચે કાણું પાડીને ઘાલેલી વાંસની સળી એટલું જ હશે. બિહાર અને બંગાળના કેટલાક ભાગમાં આવી તકલી હજુ ચાલે છે. પછી માટીના ગોળાની જગ્યા ઈંટના ચકતાએ લીધી હશે; અને હવે આપણા યુગમાં ઈંટના ચકતાની જગા લોખંડ કે પોલાદ કે પીતળના ચકતાએ અને વંસળીની જગા લોખંડના તારે લીધી છે. આમાં પણ, ચકતું ને તાર અમુક કદનાં જ શા માટે છે, વધારે ઓછા કદનાં કેમ નથી, એ બધું સમજાવવાથી બાળકને ઘણું જ્ઞાન આપી શકાય. તે પછી રૂ વિષે - તે ક્યાં ઊગે છે, તેની કઇ કઇ જાતો છે, તે અત્યારે દુનિયાના કયા કયા દેશોમાં ને હિંદુસ્તાનના કયા કયા પ્રાંતોમાં ઊગે છે, વગેરે વિષે - થોડાંક વ્યાખ્યાનો અપાય. વળી એની ખેતીને વિષે, એને માટે કેવી જમીન સારામાં સારી ગણાય, વગેરે પણ સમજાવવામાં આવે. એને અંગે થોડુંક ખેતીનું જ્ઞાન પણ આપવું પડે.

તમે જોશો કે, આ જ્ઞાન શિક્ષક એના વિદ્યાર્થીઓને આપી શકે તે પહેલાં પોતે તે પચાવેલું હોવું જોઈએ. કાંતેલા તાર ગણવા, સૂતરનો આંક કાઢવો, આંટી બનાવવી, સૂતરને વણકરને ત્યાં મોકલવા તૈયાર કરવું, અમુક વીશીના કાપડમાં આડા ઊભા તાર કેટલા જોઈએ વગેરે શીખવતાં આખું પ્રાથમિક ગણિત શીખવી શકાય. કપાસ ઉગાડવાથી માંડીને કાપડ તૈયાર થતાં સુધીની દરેક ક્રિયા - કપાસ વીણવો, લોઢવો, રૂ પીંજવું,કાંતવું, પવાયત કરવી, વણવું - બધામાં રહેલાં યંત્રશાસ્ત્રના મૂળતત્ત્વો, અને એ વિષયને અંગેનાં ઇતિહાસ અને ગણિત, એ બધું શીખવી શકાય.

આમાં મુખ્ય વિચાર એ રહેલો છે કે, બાળકને જે હાથઉદ્યોગ શીખવાય તે મારફતે તેન શરીર, મન અને આત્માની બધી કેળવણી આપી દેવી. હાથઉદ્યોગની બધી ક્રિયાઓ શીખવતાં શીખવતાં બાળકના અંદર જે હીર રહેલું હોય તે બહાર ખેંચી આણવાનું છે; અને ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેના પાઠ એ ઉદ્યોગના અનુસંધાનમાં શીખવવાના છે.

આમાં મુખ્ય વિચાર એ રહેલો છે કે, બાળકને જે હાથઉદ્યોગ શીખવાય તે મારફતે તેન શરીર, મન અને આત્માની બધી કેળવણી આપી દેવી. હાથઉદ્યોગની બધી ક્રિયાઓ શીખવતાં શીખવતાં બાળકના અંદર જે હીર રહેલું હોય તે બહાર ખેંચી આણવાનું છે; અને ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેના પાઠ એ ઉદ્યોગના અનુસંધાનમાં શીખવવાના છે. આવી કેળવણી અપાય તો તેનું સીધું પરિણામ એ આવે કે, તે સ્વાવલંબી બને. પણ એની સફળતાની કસોટી એ નથી કે તે સ્વાવલંબી બને.પણ શાસ્ત્રીય રીતે હાથ ઉદ્યોગનું શિક્ષણ આપતાં આપતાં બાળકની અંદર રહેલો સર્વાંગી મનુષ્ય બહાર આણેલો હોય, એ એની સફળતાની કસોટી છે. વસ્તુતઃ, જે શિક્ષક એને ગમે તેમ કરીને સ્વાવલંબી બનાવવાનું વચન આપે, તેને તો હું રાખું જ નહીં. શિક્ષણ સ્વાવલંબી નીવડે એ તો વિદ્યાર્થી પોતાની દરેક શક્તિનો ઉપયોગ કરતાં શીખ્યો હોય તેમાંથી ગૌણ રીતે ફલિત થાય. જે છોકરો રોજના ત્રણ કલાક હાથઉદ્યોગનું કામ કરે, તે જો પોતાની આજીવિકા જેટલું કમાઈ શકે, તો જે છોકરો કામની સાથે સાથે મન અને આત્માનો વિકાસ પણ સાધે, તે તો કેટલું વધારે મેળવે.

ह૦ बं૦ , ૧૨-૬-'૩૮