પાયાની કેળવણી/૨૪. કેટલાક વાંધા
← ૨૩. અંગ્રેજીને એમાં સ્થાન નથી | પાયાની કેળવણી ૨૪. કેટલાક વાંધા મોહનદાસ કરમચંદ ગાંધી |
૨૫. શિક્ષકોની મુશ્કેલી → |
૨૫
કેટલાક વાંધાનો
એક મુસલમાન પત્રલેખક લખે છેઃ
"ગયા ચાર મહિના થયાં ઉર્દુ છાપાંમાં વર્ધાની શિક્ષણ યોજના વિષે અભિપ્રાયો આવે છે. હંમેશની પેઠે કોઈએ એ નિવેદન કાળજીથી વાંચ્યું હોય કે પાયાની કેળવણીના વિષય પર વિચાર કર્યો હોય એવું જણાતું નથી. એ લોકોના વાંધા મુખ્યત્વે ત્રણ મુદ્દાને વિષે છેઃ
(ક) ધાર્મિક શિક્ષણનો આ યોજનામાંથી બિલકુલ છેદ જ ઉડાવી દીધેલો છે;
(ખ) છોકરા છોકરીઓને જોડે ભણાવવાનાં છે;
(ગ) સર્વ ધર્મોને વિષે આદર કેળવવાનો છે.
"આ વાંધા ઉર્દુ છાપાંમાંથી તારવેલા છે."
સાંપ્રદાયિક ધર્મના અર્થમાં ધર્મનું શિક્ષણ ઇરાદા પૂર્વક ।બ્બ્બ। રાખવામાં આવ્યું છે. રાજ્યનો કોઈ એક ધર્મ ન હોય તો ધાર્મિક શિક્ષણ આપવું અશક્ય નહીં તો બહુ મુશ્કેલ તો થઈ જ પડે છે કેમ કે એનો અર્થ એ થાય કે, દરેક સંપ્રદાયને માટે એવા શિક્ષણની વ્યવસ્થા રાખવી જોઇએ. એવું શિક્ષણ સારામાં સારું તો ઘરમાં આપી શકાય. દરેક બાળકને માટે એવું શિક્ષણ ઘરમાં કે બીજી રીતે લેવાનો પૂરતો વખત રાજ્યે છૂટો રાખવો જોઇએ. એ પણ કલ્પી શકાય એવુ છે કે, જે ધાર્મિક સંપ્રદાયો પોતાનાં બાળકોને નિશાળમાં ધાર્મિક શિક્ષણ આપવા માગતા હોય, તેઓ ખાનગી રીતે શિક્ષણ આપે એવી સગવડ રાજ્યે કરી આપવી જોઇએ; માત્ર એવી કેળવણીનું ખરચ એ સંપ્રદાયોએ આપવું જોઈએ.
સહશિક્ષણ ઝાકિર હુસેન સમિતિએ ફરજિયાત બનાવ્યું નથી. જ્યાં છોકરીઓની નોખી નિશાળ માટે માગણી હશે, ત્યાં રાજ્યને તેની સગવડ કરી આપવી પડશે. સહશિક્ષણનો સવાલ ખુલ્લો રાખવામાં આવ્યો છે. મારી જાણ પ્રમાણે, સમિતિના સભ્યો સૌ આ બાબતમાં એકમતના નહોતા. હું પોતે કશા ચોક્કસ નિર્ણય પર આવ્યો નથી. હું માનું છું કે જેમ સહશિક્ષણની સામે તેમ તેની તરફેણમાં પણ એટલાં જ સબળ કારણો છે. અને જ્યાં એ પ્રયોગ થાય ત્યાં હું એનો વિરોધ નહીં કરું.
સર્વ ધર્મો વિષે સમાન આદર શીખવવાની બાબતમાં હું પોતે મક્કમ વિચાર ધરાવું છું. આપણે એ સુખી સ્થિતિએ ન પહોંચીએ ત્યાં સુધી ભિન્ન ભિન્ન કોમોની વચ્ચે સાચી એકતા થવાની કશી આશા મને દેખાતી નથી. પોતાનો જ ધર્મ ચડિયાતો છે અથવા એ જ એક સાચો ધર્મ છે એમ જો બાળકોને શીખવવામાં આવે, તો જુદાં જુદાં બાળકોની વચ્ચે મિત્રાચારી થી શકે જ નહીં એમ હું માનું છું. એવી સંકુચિત ભાવના રાષ્ટ્રમાં ફેલાય તો એમાંથી એ પરિણામ અવશ્ય ફલિત થાય કે, દરેક ધાર્મિક સંપ્રદાયને માટે જુદી નિશાળો હોવી જોઈએ ને એમને એકબીજાને ગાળ દેવાની છૂટ હોવી જોઈએ, અથવા તો ધર્મનું નામ જ દેવાની સખત મનાઈ કરવી જોઈએ. આવી નીતિનું પરિણામ એવું ભયંકર આવે કે એનો વિચાર જ થઈ શક્તો નથી. નીતિ કે સદાચારના મૂળભૂત સિધ્ધાંતો સર્વ ધર્મમાં સમાન છે. એ બાળકોને જરૂર શીખવવા જોઈએ, અને વર્ધા-યોજના પ્રમાણેની નિશાળોમાં એટલું ધાર્મિક શિક્ષણ પૂરતું ગણાવું જોઇએ.
ह૦ बं૦,૧૭-૭-'૩૮