પાયાની કેળવણી/૨૫. શિક્ષકોની મુશ્કેલી

← ૨૫. કેટલાક વાંધા પાયાની કેળવણી
૨૬. શિક્ષકોના કેટલાક પ્રશ્નો
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૭. વર્ધાપદ્ધતિના શિક્ષકો →


૨૬
શિક્ષકોના કેટલાક પ્રશ્નો


[અધ્યાપન મંદિર, હિંદુસ્તાની તાલીમી સંઘ, માં આવેલા શિક્ષકો જોડે થયેલા વાર્તાલાપનો 'વર્ધા શિક્ષણયોજના' એ લેખમાં શ્રી પ્યારેલાલે આપેલ હેવાલ આ છે. — સં.]


વર્ધાયોજના અને યાંત્રિક ઉદ્યોગ
શિક્ષકોનો પહેલો પ્રશ્ન એ હતો કે, "વર્ધાયોજના સ્થાયી નીવડે એવી છે કે માત્ર કામચલાઉ છે? ઘણા પ્રસિધ્ધ કેળવણીકારોએ એવો મત દર્શાવ્યો છે કે, થોડા વખતમાં હાથઉદ્યોગ નાબુદ થઈ તેને ઠેકાણે સર્વત્ર મોટા યાંત્રિક ઉદ્યોગો સ્થપાવાન છે. વર્ધાયોજનાના ધોરણે કેળાવાયેલો ને ન્યાય, સત્ય અને અહિંસાના પાયા પર રચાયેલો સમાજ મોટા યંત્રઉદ્યોગોના ધસારા સામે ઝીંક ઝીલીને ટકી શકશે ખરો?"

ગાંધીજી કહેઃ " આ વહેવારુ પ્રશ્ન નથી. એની આપણા તત્કાલિન કાર્યક્રમ પર અસર નથી પડવાની. આપણને નિસ્બત પેઢીઓ પછી શું થવાનું છે તેની સાથે નથી, પણ આપણા ગામડાંમાં વસતા કરોડો માણસોની ખરી જરૂરિયાત આ પાયાની કેળવણીની યોજનાથી પૂરી પડે છે કે નહીં એની સાથે છે. હું નથી માનતો કે હિંદુસ્તાનમાં યાંત્રિક ઉદ્યોગો એટલા ફેલાઈ જશે કે ગામડાં બાકી રહેશે જ નહીં. હિંદુસ્તાનનો મોટો ભાગ હંમેશાં ગામડાંનો જ રહેશે."

મહાસભા અને વર્ધાયોજના
બીજો પ્રશ્ન આ પુછાયોઃ "છેલ્લી પ્રમુખની ચુંટણીને પરિણામે મહાસભાની નીતિ બદલાશે તો પાયાની કેળવણીનું શું થશે?"

ગાંધીજીઃ "આ ભય અસ્થાને છે. મહાસભાની નીતિમાં ફેરફાર થશે એની વર્ધાયોજના પર કશી અસર થવાની નથી. એની કંઈ પણ અસર પડશે તો મોટા રાજકારણ ઉપર જ પડશે.તમે અહીં ત્રણ અઠવાડિયાંની તાલીમ લેવા આવ્યા છો, જેથી તમે પાછા જઈ ને તમારા વિદ્યાર્થીઓને વર્ધાયોજનાને ધોરણે શિક્ષણ આપી શકો. તમારામાં એટલી શ્રધ્ધા હોવી જોઈએ કે આ યોજનાથી ધાર્યો હેતુ સરશે.

"દેશમાં યાંત્રિક ઉદ્યોગો ફેલાવવાની યોજનાઓ ભલે રજૂ થતી હોય, પણ મહાસભાએ જે ધ્યેય અત્યારે નજર આગળ રાખ્યું છે, તે યાંત્રિક ઉદ્યોગોનો પ્રચાર કરવાનું નથી. મહાસભાએ મુંબઈમાં પસાર કરેલા ઠરાવ પ્રમાણે તેનું ધ્યેય ગ્રામઉદ્યોગોને સજીવન કરવાનું છે. તમે મોટા યાંત્રિક ઉદ્યોગોની વિશાળ યોજનાઓ ખેડૂતો આગળ મૂકીને જનસમૂહની જાગૃતિ સાધી શકવાના નથી. એથી એમની આવકમાં એક પૈસાનો પણ વધારો થવાનો નથી. પણ ચરખા સંઘ અને ગ્રામોદ્યોગ સંઘ એક વરસની અંદર તેમનાં ગજવામાં લાખો રૂપિયા મૂકશે. મહાસભાની કાર્યવાહક સમિતિનું કે પ્રધાનમડળોનું ગમે તે થશે તોપણ મહાસભાની રચનાત્મક પ્રવૃત્તિઓને કશી આંચ આવશે એવી બીક મને પોતાને નથી. એ પ્રવૃત્તિઓ મહાસભાએ શરૂ કરેલી છે ખરી, પણ લાંબા વખતથી તેઓ સ્વતંત્ર હસ્તી ધરાવતી આવી છે ને પોતાની યોગ્યતા તેમણે પૂરેપૂરી સિધ્ધ કરી બતાવી છે. પાયાની કેળવણી એ એનો એક ફણગો છે. શિક્ષણ-પ્રધાનો કદાચ બદલાશે, પણ આ યોજના તો કાયમ રહેશે. એટલે જેમને પાયાની કેળવણીમાં રસ હોય તેમણે મહાસભાના રાજકારણની ફિકર કરવાની જરૂર નથી. નવી શિક્ષણ યોજના જીવશે કે મરશે તે પોતાના ગુણે કે અવગુણે કરીને.

"પણ આવા પ્રશ્નોથી મને સંતોષ થતો નથી. એનો પાયાની કેળવણી સાથે સીધો સંબંધ કશો નથી. એથી આપણે જરાયે આગળ વધતા નથી.હું તો ઈચ્છું છું કે, તમે મને આ યોજના સાથે સીધો સંબંધ ધરાવનારા પ્રશ્નો પૂછો, જેથી હું તમને નિષ્ણાત તરીકે સલાહ આપી શકું."

કેંદ્રવર્તી કલ્પના

સભામાં જતાં પહેલાં એક ભાઈએ પૂછેલું: "આ યોજનાની પાછળ કેંદ્રવર્તી કલ્પના એવી છે ખરી કે જેનો તકલી સાથે સંબંધ ન સાધી શકાય એવી એક પણ વાત શિક્ષકે વિદ્યાર્થીને ન કહેવી?"

આનો જવાબ સભામાં આપતાં ગાંધીજીએ કહ્યું:

"આ તો મારી નાલેશી છે. બધા શિક્ષણનો કોઈક પાયાના ઉદ્યોગ સાથે સંબંધ સધાવો જોઈએ એમ મેં કહ્યું છે એ સાચું છે. તમે જ્યારે કોઈ ઉદ્યોગ વાટે સાત કે દસ વરસના બાળકને જ્ઞાન આપતા હો ત્યારે, શરૂઆતમાં, એ વિષયની સાથે જેનું અનુસંધાન ન સાંધી શકાય એવા બધા વિષયો તમારે છોડી દેવા જોઈએ. એમ રોજેરોજ કરવાથી, તમે શરૂઆતમાં છોડી દીધેલી એવી ઘણી વસ્તુઓનું અનુસંધાન ઉદ્યોગ જોડે સાધવાના રસ્તા તમે શોધી કાઢશો. આવી રીતે તમે શરૂઆતમાં કામ લેશો તો તો તમે તમારી પોતાની ને વિદ્યાર્થીઓની શક્તિ બચાવી શકશો. આજે તો આપણી પાસે જેનો આધાર લઈ શકાય એવાં પુસ્તકો નથી, આપણને રસ્તો બતાવે એવાં અગાઉનાં દૃષ્ટાંતો નથી, તેથી આપણે આસ્તે આસ્તે ચાલવું રહ્યું છે. મુખ્ય વસ્તુ એ છે કે, શિક્ષકે પોતાના મનની તાજગી સાચવી રાખવી જોઇએ. જેનું ઉદ્યોગની સાથે અનુસંધાન ન સાધી શકાય એવો કોઈ વિષય તમારી આગળ આવે તો તમે એથી ખીજાશો કે નિરાશ થશો નહીં, એને છોડી દેજો ને જે વિષયોનું અનુસંધાન સાધી શકો તે આગળ ચલાવજો. સંભવ છે કે, બીજો કોઈ શિક્ષક ખરો રસ્તો શોધી કાઢશે ને એ વિષયનું ઉદ્યોગની સાથેનું અનુસંધાન કેમ કરી શકાય એ બતાવશે. અને તમે ઘણા અનુભવનો સંગ્રહ કરશો પછી તમને રસ્તો બતાવવાને પુસ્તકો પણ મળી રહેશે, જેથી તમારી પછી આવનારાઓનું કામ વધારે સરળ થઈ પડશે.

"તમે પૂછશો કે, જે વિષયોનું અનુસંધાન સાધી શકાય તે ટાલી મૂકવાની ક્રિયા અમારે કેટલો બખત ચલાવવી? તો હું કહું કે જિંદગીભર. અંતે તમે જોશો કે ઘણી ચીજો જે તમે પહેલાં શિક્ષણક્રમમાંથી બાતલ રાખેલી તેનો તમે સમાવેશ કર્યો હશે, જેટલી વસ્તુઓ સમાવેશ કરવા યોહ્ય હતી તે બધીનો સમાવેશ થઈ ચૂક્યો હશે, અને તમે આખાર સુધી જે બાતલ રાખી હશે તે બહુ નિર્જીવ ને તેથી બાતલ રાખવા યોગ્ય જ હશે.આ મારો જિંદગીનો અનુભવ છે. મેં ઘણી ચીજો બાતલ ન રાખી હોત તો હું જે ઘણી વસ્તુઓ કરી શક્યો છું તે ન કરી શક્યો હોત.

"આપણી કેળવણીમાં ધરમૂળનું પરિવર્તન થવું જ જોઈએ. મગજને હાથ વાટે કેળવણી અપાવી જોઈએ. હું કવિ હોત તો હાથની પાંચ આંગળીઓમાં રહેલી અદ્‍ભૂત શક્તિ વિષે કવિતા લખી શકત. મગજ એ જ સર્વસ્વ છે અને હાથપગ કંઈ નથી એવું તમે શા સારુ માનો છો? જેઓ પોતાના હાથને કેળવતા નથી, જેઓ કેળવણીની સામાન્ય 'ઘરેડ'માં થઈને પસાર થાય છે, તેમનું જીવન સંગીતશૂન્ય રહે છે. તેમની બધી શક્તિઓ કેળવાતી નથી. કેવળ પુસ્તકિયા જ્ઞાનમાં બાળકને એટલો રસ નથી પડતો કે એનું બધું ધ્યાન એમાં રોકાઈ રહે. મગજ ખાલી શબ્દોથી થાકી જાય છે, અને બાળકનું મન બીજે ભમવા માંડે છે. હાથ ન કરવાનું કરે છે, આંખ ન જોવાનું જૂએ છે, કાન ન સાંભળવાનું સાંભળે છે; અને તેઓ અનુક્રમે જે કરવું, જોવું ને સાંભળવું જોઈએ તે કરતાં, જોતાં ને સાંભળતાં નથી. તેમને સાચી પસંદગી કરતાં શીખવવામાં આવતું નથી, અને તેથી તેમની કેળવણી ઘણી વાર તેમનો વિનાશ કરનારી નીવડે છે. જે કેળવણી આપણને સારાંનરસાંનો ભેદ કરતાં, સારું ગ્રહણ કરતાં ને નરસું તજતાં શીખવવાની નથી તે ખરી કેળવણી જ નથી."

હાથ વાટે મનની કેળવણી

શ્રીમતી આશાદેવીએ કહ્યું : "હાથ વાટે મનને શી રીતે કેળવાય એ આપ સમજાવશો?"

ગાંધીજી: "નિશાળમાં ચાલતા સામાન્ય અભ્યાસક્રમમાં એકાદ હાથ ઉદ્યોગ ઉમેરી દેવો એ જૂની કલ્પના હતી.એટલે કે, હાથઉદ્યોગને કેળવણીથી છેક જ અલગ રાખીને શીખવવાનો હતો. મને એ ગંભીર ભૂલ લાગે છે. શિક્ષકે ઉદ્યોગ શીખી લેવો જોઈએ જેથી તે પોતે પસંદ કરેલા ઉદ્યોગ દ્વારા એ બધું જ્ઞાન પોતાના વિદ્યાર્થીને આપી શકે.

"કાંતણનો દાખલો લો. મને ગણિત ન આવડે ત્યાં સુધી મેં તકલી પર કેટલા વાર સૂતર કાંત્યું, અથવા એના કેટલા તાર થશે અથવા મેં કાંતેલા સૂતરનો આંક કેટલો છે, તે હું કહી ન શકું. એ કરવા માટે આંકડા શીખવા જોઈએ, અને સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર પણ શીખવા જોઈએ. અટપટા દાખલા ગણવામાં મારે અક્ષરો વાપરવા પડશે, એટલે હું એમાંથી અક્ષરગણિત શીખીશ. એમાં પણ હું રોમન અક્ષરોને બદલે હિંદુસ્તાની અક્ષરોના વાપરનો આગ્રહ રાખીશ.

"પછી ભૂમિતિ લો. તકલીના તકતા કરતાં વર્તુળનું વધારે સારું પ્રદર્શન શું હોઈ શકે? એ રીતે હું યુકલિડનું નામ પણ દીધા વિના વિદ્યાર્થીને વર્તુળ વિષે બધું શીખવી શકું.

"વળી તમે કદાચ પૂછશો કે, કાંતણ મારફતે બાળકને ઇતિહાસ કે ભૂગોળ કેવી રીતે શીખવી શકાય? થોડાક વખત પર 'કપાસ - મનુષ્યનો ઇતિહાસ' (Cotton - The Story of Mankind) એ જાતનું પુસ્તક મારા જોવામાં આવ્યું હતું. એ વાંચતાં મને બહુ જ રસ પડ્યો. એ નવલકથા જેવું લાગ્યું.એની શરૂઆતમાં પ્રાચીન કાળનો ઇતિહાસ આપેલો હતો; અને પછી કપાસ પહેલો કેવી રીતે ને ક્યારે વવાયો, એનો વિકાસ કેવી રીતે થયો, જુદા જુદા દેશો વચ્ચે તેનો વેપાર કેવો ચાલે છે, વગેરે વસ્તુઓ વર્ણવેલી હતી. જુદા જુદા દેશોનાં નામ હું બાળકને સંભળાવું, તેની સાથે સ્વાભાવિક રીતે એ દેશોનાં ઇતિહાસ ભૂગોળ વિષે પણ કંઈક કહેતો જાઉં. જુદા જુદા કાળમાં જુદી જુદી વેપારની સંધિઓ કોના અમલમાં થઈ? કેટલાક દેશોમાં બહારથી રૂ મંગાવવું પડે છે ને કેટલાક્માં કાપડ મંગાવવું પડે છે એનું કારણ શું છે? દરેક દેશ પોતપોતાની જરૂર પૂરતું રૂ કેમ ઉગાડી ન શકે? અ સવાલો મને અર્થશાસ્ત્ર અને કૃષિશાસ્ત્રનાં મૂળતત્ત્વો પર લઇ જશે. કપાસની કઇ જુદી જુદી જાતો છે, તે કેવી જાતની જમીનમાં ઊગે છે, તેને કેવી રીતે ઉગાડાય, ને ક્યાંથી મેળવાય, વગેરે માહિતી હું વિદ્યાર્થીને આપીશ. આમ તકલી કાંતણ પરથી હું ઇસ્ટ ઇંડિયા કંપનીના આખા ઇતિહાસ પર ઊતરું છું. એ કંપની અહીં કેમ આવી, તેણે આપણા કાંતણ ઉદ્યોગઓનો નાશ કેવી રીતે કર્યો, તેઓ આર્થિક ઉદ્દેશથી હિંદુસ્તાનમાં આવ્યા ને તેમાંથી રાજકીય સત્તા જમાવવાની આકાંક્ષા કેમ સેવતા થયા, એ વાત મોગલ અને મરાઠાની પડતીમાં, અંગ્રેજી રાજ્યની સ્થાપનામાં, અને પછી આપણા જમાનામાં જનસમૂહના ઉત્થાનમાં કારણરૂપ કેમ નીવડી છે, એ બધું પણ મારે વર્ણવવું પડશે. એમ આ નવી યોજનામાં શિક્ષણ આપવાનો અપાર અવકાશ પડેલો છે. અને બાળક એ બધું એનાં મગજ અને સ્મરણશક્તિ પર અનાવશ્યક બોજો પડ્યા વિના કેટલું વધારે જલદી શીખશે!

"એ કલ્પના વધારે વિસ્તારથી વર્ણવી બતાવું. જેમ કોઈ પ્રાણીશાત્રીએ સારા પ્રાણીશાસ્ત્રી થવા માટે પ્રાણીશાસ્ત્ર ઉપરાંત બીજાં ઘણાં શાસ્ત્રો શીખવાં જોઈએ, તે જ પ્રમાણે પાયાની કેળવણીને જો એક શાસ્ત્ર માનવામાં આવે તો તે આપણને જ્ઞાનની અનંત શાખાઓમાં લઈ જાય છે. તકલીનો જ દાખલો વિસ્તારીને કહીએ તો, જે વિદ્યાર્થી શિક્ષક કેવળ કાંતણની યાંત્રિક ક્રિયા પર જ પોતાનું લક્ષ એકાગ્ર નહીં કરે (એ ક્રિયામાં બેશક એણે નિષ્ણાત થવું રહ્યું જ છે), પણ એ વસ્તુનું હાર્દ ગ્રહણ કરશે, તે તકલી અને તેનાં અંગઉપાંગોનો અભ્યાસ કરશે. તકલીનું ચકતું પીતળનું અને ત્રાક લોખંડની કેમ હોય છે એ પ્રશ્ન તે પોતાના મનને પૂછશે. અસલ જે તકલી હતી તેનું ચકતું ગમે તેવું બનાવાતું. એથી પણ પહેલાંની પ્રાચીન તકલીમાં વાંસની સળીની ત્રાક અને સ્લેટનું કે માટીનું ચકતું વપરાતાં.હવે તકલીનો શાસ્ત્રીય ઢબે વિકાસ થયો છે, અને ચક્તું પીતળનું ને ત્રાક લોખંડની બનાવાય છે તે સકારણ છે. એ કારણ વિદ્યાર્થીએ શોધી કાઢવું જોઈએ કે, ચતાંનો અમુક જ વ્યાસ કેમ રખાય છે, તેને ઓછોવત્તો કેમ રખાતો નથી. આ પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ આણે ને પછી વસ્તુનું ગણિત જાણે એટલે તમારો વિદ્યાર્થી સારો ઇજનેર બને છે. તકલી એની કામધેનુ બને છે. એની વાટે પાર વિનાનું જ્ઞાન આપી શકાય તેમ છે. તમે જેટલી શક્તિને શ્રધ્ધાથી કામ કરશો તેટલું જ્ઞાન એ વાટે આપી શકશો. તમે અહીંયાં ત્રણ અઠવાડિયાં રહ્યા છો. આ યોજના પાછળ મરી ફીટવા સુધીની તમારી તૈયારી થવા લાગી તમારામાં એ યોજના વિષે આસ્થા આ નિવાસ દરમ્યાન આવી હોય તો તમારું અહીં રહ્યું સફળ ગણાશે.

"મેં કાંતણનો દાખલો વિસ્તારથી સમજાવ્યો છે એનું કારણ એ છે મને એનું જ્ઞાન છે. હું સુથાર હોઉં તો મારા બાળકને આ બધી વસ્તુઓ સુથારી મારફતે શીખવું, અથવા કાર્ડબોર્ડનું કામ કરનાર હોઉં તો એ કામ મારફતે શીખવું.

"આપણને ખરી જરૂર તો એવા કેળવણીકારોની છે તેમનામાં નવું સર્જવાની ને વિચારવાની શક્તિ હોય, સાચાં ઉત્સાહ અને ધગશ હોય, અને જેઓ રોજ રોજ વિદ્યાર્થીને શું શીખવવું એ વિચારી કાઢે એવા હોય. શિક્ષકને એ જ્ઞાન જૂનાં થોથાંમાંથી નહીં મળે. તેણે પોતાની નિરીક્ષણની ને વિચાર કરવાની શક્તિનો ઉપયોગ કરવાનો અને હાથ ઉદ્યોગની મદદ વડે જીભ મારફતે બાળકને જ્ઞાન આપવાનું છે. આનો અર્થ એ છે કે, શિક્ષણપધ્ધતિમાં ક્રાંતિ થવી જોઈએ, શિક્ષકની દૃષ્ટિમાં ક્રાંતિ થવી જોઈએ. અત્યાર સુધી તમે નિરીક્ષકો (ઇન્સ્પેક્ટરો)ના રિપોર્ટોથી દોરવાતા આવ્યા છો. નિરીક્ષકને ગમે એવું કરવાની ઇચ્છા તમે રાખી છે, જેથી તમારી સંસ્થામાટે તમને વધારે પૈસા મળે અથવા તો તમને પોતાને પગારમાં વધારો મળે. પણ નવો શિક્ષક એ બધાની પરવા નહીં કરે. તે તો કહેશે, "હું જો મારા વિદ્યાર્થીને વધારે સારો માણસ બનાવું ને તેમ કરવામાં મારી સર્વ શક્તિ વાપરી નાખું તો મેં મારું કર્તવ્ય કર્યું ગણાશે. મારે માટે એટલું બસ છે.

૨૬-૨-'૩૯

સ₀. - આ અધ્યાપન મંદિરમાં આવનારા શિક્ષક વિદ્યાર્થીઓને પહેલાં કંઈક ઉદ્યોગ અલગ શીખવવામાં આવે , અને પછી એ ઉદ્યોગ વાટે શિક્ષણ કઈ રીતે આપી શકાય તેનું સંગીન વિવરણ તેમની આગળ કરવામાં આવે, તો સારું નહીં? અત્યારે તો એમને એમ કહેવામાં આવે છે કે તમે પોતે સાત વરસના બાળક છો એમ કલ્પના કરો અને એકેએક વિષય ઉદ્યોગ વાટે ફરી શીખો. આ રીતે તો તેઓ નવી પધ્ધતિમાં નિષ્ણાત થાય ને કુશળ શિક્ષકો બને એને સારુ વરસો જોઈએ.

જ₀ - ના, વરસો નહીં લાગે. આપણે કલ્પના કરીએ કે, શિક્ષક જ્યારે મારી પાસે આવે છે ત્યારે તેને ગણિત, ઇતિહાસ અને બીજા વિષયોનું કામચલાઉ જ્ઞાન છે. હું એને કાર્ડબોર્ડની પેટીઓ બનાવતાં કાંતતાં શીખવું છું. એ ઉદ્યોગ તે શીખે છે તે વખતે એ ઉદ્યોગ વાટે એ ગણિત, ઇતિહાસ અને ભૂગોળનું જ્ઞાન કેવી રીતે મેળવી શક્યો હોય તે હું તેને બતાવું છું.આમ પોતાના જ્ઞાનનું ઉદ્યોગ સાથે અનુસંધાન કેવી રીતે કરવું તે એ શીખે છે. એમ કરતાં એને લાંબો વખત લાગવો ન જોઈએ. બીજો દાખલો લો. ધારો કે હું સાત વરસના એક છોકરાની સાથે પાયાની કેળવણી આપનાર નિશાળમાં જાઉં છું. અમે બંને કાંતતાં શીખીએ છીએ, અને હું મારા બધા અગાઉના જ્ઞાનનું કાંતણની સાથે અનુસંધાન કરી લઉં છું. પેલા છોકરાને એ બધું નવે નવું છે. સિત્તેર વરસના પિતાને માટે એ બધી પુનરુક્તિ છે, પણ એ પોતાનું જૂનું જ્ઞાન નવા જડતરમાં ગોઠવશે. એ ક્રિયાને સારુ એને થોડાંક અઠવાડિયાંથી વધારે વખત ન લાગવો જોઈએ.આમ શિક્ષક સાત વરસના બાળક જેટલી ગ્રહણશક્તિ ને ઉત્કંઠા ન કેળવે તો અંતે કેવળ યાંત્રિક કાંતનારો જ બની જશે, અને એટલાથી એનામાં નવી પધ્ધતિનો શિક્ષક થવાની લાયકાત નહીં આવે.

સ₀ - મૅટ્રિક પાસ થનાર છોકરાને આજે કૉલેજમાં જવાની ઇચ્છા હોય તો તે જઈ શકે છે. જે બાળક પાયાની કેળવણીના અભ્યાસક્રમમાંથી પસાર થશે તે પણ એ પ્રમાણે કરી શકશે ખરો?

જ₀ - મેટ્રિક પાસ થનાર છોકરો અને પાયાની કેળવણીમાં થઈને પસાર થનાર છોકરો એ બેમાં બીજો વધારે સારું કામ બતાવી શકશે, કેમ કે એની શક્તિઓનો વિકાસ થયેલો હશે. કોલેજમાં જતી વખતે મેટ્રિક થયેલાઓને જેમ લાચારી લાગે છે તેમ એને નહીં લાગે.

સ₀ - પાયાની કેળવણીની યોજનામાં દાખલ થવાની ઉંમર ઓછામાં ઓછી સાત વરસની હોવી જોઈએ એમ કહેવામાં આવ્યું છે. એ ઉંમર કાલમર્યાદાથી માપવી કે માનસિક વિકાસથી?

જ₀- ઓછમાં ઓછી સરેરાશ ઉંમર સાતની હોવી જોઈએ. પણ કેટલાંક બાળકો એથી મોટી ઉંમરનાં અને કેટલાંક નાની ઉંમરનાં પણ હશે.શારીરિક તેમ જ માનસિક બન્ને પ્રકારની ઉંમરનો વિચાર કરવો રહે છે. એક બાળકનો સાત વરસની ઉંમરે એટલો શારીરિક વિકાસ થયો હોય કે તે હાથઉદ્યોગ ચલાવી શકે. બીજું બાળક સાત વરસની ઉંમરે પણ કદાચ એટલું ન કરી શકે. એટલે આ બાબતમાં કશો ચોક્કસ નિયમ ન કરી શકાય.બધી વસ્તુઓનો વિચાર કરીને નિર્ણય કરવાનો રહેશે. તમે પૂછેલા ઘણા પ્રશ્નો પરથી જણાય છે કે, તમારામાંથી ઘણાનાં મનમાં શંકા ભરેલી છે. એ કામ કરવાનો ખોટો રસ્તો છે.તમારા મનમાં દૃઢ શ્રધ્ધા હોવી જોઈએ. આપણાં કરોડો બાળકોને જીવનની કેળવણી આપવા માટે વર્ધાયોજનાની કેળવણી એ જ ખરી આવશ્યક વસ્તુ છે એવી જે પ્રતીતિ મારા મનમાં છે તેવી તમારા મનમાં હોય તો તમારું કામ દીપી નીકળશે.એવી શ્રધ્ધા તમારામાં ન હોય તો તમારા અધ્યાપકોમાં કોઈક ખામી હોવી જોઈએ. તેઓ તમને બીજું કંઈ આપે કે ન આપે તો પણ આટલી શ્રધ્ધા તમારા મનમાં પેદા કરવાની શક્તિ તો એમનામાં હોવી જોઈએ.

શિક્ષણવિષયક કોયડા

સ₀ - પાયાની કેળવણીની યોજના ગામડાને માટે છે એમ મનાય છે, ત્યારે શહેરવાસીઓને માટે કંઈ રસ્તો નથી શું? એમને જૂની ઘરેડમાં જ ચાલવાનું રહ્યું છે?

જ₀ - આ સવાલ પ્રસ્તુત છે અને સારો છે, પણ હું એનો જવાબ हरिजनમાં આપી ચૂક્યો છું. જેટલું કામ હાથમાં લીધું છે તેટલું પાર પાડીએ તો પણ બહુ છે. આપણે જે કામ ઉપાડ્યું છે તે જ સારી પેઠે મોટું છે. સાત લાખ ગામડાંની કેળવણીનો પ્રશન ઉકેલી શકીએ તો હાલ તરતને માટે એટલું બસ થશે. બેશક કેળવણીકારો શહેરોનો પણ વિચાર કરે છે. પણ આપણે ગામડાંની સાથે સાથે શહેરોનો પણ પ્રશ્ન ઉપાડીશું તો આપણી શક્તિ નકામી વેડફાઈ જશે.

સ₀ - ધારોકે કોઈ ગામડાંમાં ત્રણ નિશાળ હોય ને દરેકમાં જુદો ઉદ્યોગ શીખવાતો હોય, તો એક નિશાળમાં બીજાના કરતાં શિક્ષણનો વધારે અવકાશ રહે, તો બાળકે એમાંની કઇ નિશાળમાં જવું?

જ₀ - એક ગામડાંમાં અનેક ઉદ્યોગ ન શીખવાવા જોઈએ, કેમ કે આપણાં ઘણાંખરાં ગામડાં એટલાં નાનાં છે કે તેમાં એકથી વધારે નિશાળ રાખવી ન પોસાય. પણ મોટા ગામડાંમાં એક જ ઉદ્યોગ શીખવવો જોઈએ. પણ આને વિષે હું અવિચળ નિયમ ઘડવા નથી માગતો. આવી બાબતોમાં જેવો અનુભવ થાય તે પ્રમાણે ચલવું એ જ સારામાં સારો રસ્તો છે.જુદા જુદા ઉદ્યોગો વિદ્યાર્થીઓને કેટલા ગમે છે, વિદ્યાર્થીઓની શક્તિ કેટલી ખીલવી શકે છે, તેનું નિરીક્ષણ કરવું જોઈએ. કલ્પના એ છે કે, તમે જે ઉદ્યોગ પસંદ કરો તેમાંથી બાળકની શક્તિઓ પૂર્ણ અને સમાન પ્રમાણમાં વિકસવી જોઈએ. એ ઉદ્યોગ ગામઠી હોવો જોઈએ અને ઉપયોગી થવો જોઈએ.

સ₀ - બાળકનો મોટપણમાં ખરો વ્યવસાય જુદો જ થવાનો હોય તો તે સાત વરસના કોઈ હાથઉદ્યોગ શીખવામાં શા સારુ બગાડે? દાખલા તરીકે, શરાફનો છોકરો જે મોટપણે શરાફ થવાનો છે, તેણે સાત વરસ સુધી કાંતવાનું શા સારુ શીખવું જોઈએ?

જ₀ - આ સવાલ નવી શિક્ષણ યોજના વિષેનું ઘોર અજ્ઞાન પ્રદર્શિત કરે છે. પાયાની કેળવણીની યોજનામાં છોકરો નિશાળમાં કેવળ ઉદ્યોગ શીખવા જતો નથી. તે નિશાળમાં ઉદ્યોગ વાટે પ્રાથમિક કેળવણી મેળવવાને, પોતાના મનનો વિકાસ સાધવાને જાય છે. મારો દાવો એ છે કે, જે બાળકે સાત વરસનો પ્રાથમિક કેળવણીનો નવો ક્રમ પૂરો કર્યો હશે તે સામાન્ય નિશાળમાં સાત ભણેલા બાળકના કરતાં વધારે સારો શરાફ થઈ શકશે. સામાન્ય નિશાળમાં જનાર બાળક શરાફીની નિશાળમાં જશે ત્યાં તેને ગોઠશે નહીં, કેમ કે તેની બધી શક્તિઓ કેળવાઈ નહીં હોય. જે જૂના વહેમ ઘર ઘાલીને બેઠા હોય છે તે નીકળવવા મુશ્કેલ થઈ પડે છે. આ નવી શિક્ષણ યોજના એટલે થોડુંક અક્ષરજ્ઞાન અને થોડોક ઉદ્યોગ બેનું મિશ્રણ નથી એ કેન્દ્રવર્તી વસ્તુ હું તમારા મનમાં ઠસાવી ચૂક્યો હોઉં તો મારું આજનું કામ સફળ થયું ગણાશે. ઉદ્યોગ વાટે પૂરી પ્રાથમિક કેળવણી આપવી એ આ નવી યોજનાનું ધ્યેય છે.

સ₀ - દરેક નિશાળમાં એકથી વધારે ઉદ્યોગ શીખવવા એ સારું નહીં? આખું વરસ એકનો એક ઉદ્યોગ કરતાં બાળકોને કંટાળો આવવા માંડે એ સંભવિત છે.

જ₀ - કોઈ શિક્ષક એવો જોવામાં આવે કે જેના વિદ્યાર્થીઓનો મહિનો કાંત્યા પછી રસ ઊડી જાય, તો તે શિક્ષકને હું રુખસદ આપું. જેમ એક જ વાદ્ય પર સંગીતના નવા નવા સૂર નીકળી શકે છે તેમ શિક્ષકના એકેએક પાઠમાં નવીનતા ભરેલી હોવી જોઈએ. એક ઉદ્યોગ પરથી બીજા પર એમ ફેરબદલ કર્યા કરવાથી બાળકની સ્થિતિ એક ડાળથી બીજે ડાળ કૂદનાર ને ક્યાંય ઠરીઠામ ન બેસનાર વાંદરાના જેવી થઈ જવાનો સંભવ છે. પણ મેં આપણી ચર્ચામાં બતાવ્યું છે કે, શાસ્ત્રીય રીતે કાંતણ શીખવવા ઉપરાંત બીજા અનેક વિષયો શીખવા પડે છે.શરૂઆત કર્યા પછી થોડા વખતમાં બાળકને પોતાની તકલીથી અટેરણ બનાવી દેવાનું શીખવવામાં આવશે. એટલે, મેં શરૂઆતમાં કહેલી એ જ વાત ફરીને કહું છું કે, શિક્ષક જો ઉદ્યોગ શીખવવાનું કામ શાસ્ત્રીય વૃત્તિથી કરશે તો તે પોતાના વિદ્યાર્થીઓને અનેક વિધિવત વસ્તુઓ શીખવશે અને એ બધી વિદ્યાર્થીઓની સર્વ શક્તિઓના વિકાસમાં ફાળો આપશે.

ह૦ बं૦, ૫-૩-'૩૯