પાયાની કેળવણી/૩૪. બિહાર પ્રાંતની શાળાઓ

←  ૩૪.કાંતણ અને ચારિત્ર પાયાની કેળવણી
૩૫. બિહાર પ્રાંતની શાળાઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૬. મારી અપેક્ષા →


૩૫
બિહાર પ્રાંતની શાળાઓ


['રણમાં મીઠી વીરડી'એ નોંધ]

પાયાની કેળવણી વિષેની સરકારી અધિકારીઓની વિરોધી પણ પૂરતા વિચાર વિના કરેલી ટીકાઓના રણમાં બિહારના ગવર્નરના સલાહકાર મિ. ઈ.આર.જે.આર. કઝિન્સે હિંદુસ્તાની તાલીમ સંઘના મંત્રી શ્રી આર્યનાકમ ઉપર બિહારની પાયાની કેળવ્ણીની શાળાઓની નીચે જણાવેલી કદર લખી મોકલી છે, તે ખરેખર આહ્‍લાદક છેઃ

"ધોધમાર વરસાદને કારણે પાયાની કેળવ્ણીની શાળાઓનું નિરીક્ષણ કરવાના મારા કાર્યક્રમમાં વિક્ષેપ પડ્યો તેથી મને દીલગીરી થઈ.પરંતુ એવી ૨૭માંથી ૧૮ શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓને હું મળી શક્યો - ૬ શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓને વૃદાવન-રામપૂર્વામા અને ૧૨ શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓને ચોખિતોલા-પુરુકિયામાં. ત્યાં મેં જે કંઈ જોયું તેમાં મને ભારે રસ પડ્યો. અલબત્ત, એનાં સાતે સાત ધોરણ પૂરાં થયા વિના એ પ્રયોગની સાચી આંકણી આપણે કરી શકીએ એમ નથી. પરંતુ વિદ્યાર્થીઓની સ્વચ્છતા, બુદ્ધિમત્તા તથા તેમના કામમાં તેમનો પડતો દેખીતો આનંદ જોઈને તેની મારા ઉપર ઊંડી અસર થઈ. મને વિશ્વાસ છે કે, આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યાં છીએ, અને પાયાની કેળવણીનો આખો અભ્યાસક્રમ પૂરો કરનાર ચૌદ વરસનાં બાળકો ઇતર સામાન્ય શાળાના અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરનાર એટલી ઉંમરનાં બાળકો કરતાં સરખામણીમાં ઊતરતાં નીવડવાનાં નથી.

"જેના ઉપર હું સૌથી વધારે ભારે મૂકું છું એવું એક ખાસ આશાસ્પદ લક્ષણ એ છે કે, આ શાળાઓ ગ્રામવાસીઓની શુભેચ્છા અને રસ પ્રાપ્ત કરવામાં નિઃશંકપણે સફળ થઈ છે, અને જ્યાં સુધી એ ટકાવી રાખી શકાય ત્યાં સુધી પ્રયોગ સફળ થયા વિના રહે જ નહીં. ચોખેતોલા-પરુકિયામાં માલિકો તથા ગ્રામવાસીઓએ શાળાને માટે સુંદર ક્રીડાંગણની જોગવાઈ કરવામાં, રસ્તાઓ તૈયાર કરવામાં તથા બાલાચમૂ - જે મેં જોયેલી બાલચમૂઓમાં સૌથી મોટી હતી - માટે જોઈતી સામગ્રી પૂરી પાડવામાં, અને ખાસ કરીને ગામ્નાં બાળકો નિયમિતપણે શાળામાં જાય એવો આગ્રહ રાખવામાં જે પ્રજાહિતની ભાવના બતાવી છે, એ અતિશય પશંસાપાત્ર છે. વળી, મને ખાતરી આપવામાં આવી છે કે, જેની હું મુલાકાત નથી લઈ શક્યો તે બીજી શાળાઓને વિષે પણ એવા જ પ્રકારની પ્રજાહિતની ભાવના દર્શાવવામાં આવે છે. મને વિશ્વાસ છે કે, ગ્રામવાસીઓના પ્રયાસોનું યોગ્ય ફળ મળી રહેશે, અને ગામડાંનાં ભવિષ્યનાં બાળકો એ શાળાઓમાં સામાન્ય અર્થમાં જેને આપણે કેળવણી કહીએ છીએ તે ઉપરાંત, જેને લીધે ભુતકાળના કરતાં ભવિષ્યના ગામડાંઓ વધારે તંદુરસ્ત, આકર્ષક અને સંસ્કારી થાય એવા માનસિક ચપળાતા અને શારીરિક નિપુણતાના ગુણો તથા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રાપ્ત કરશે."

ह૦ बं૦ , ૧-૩-'૪૨