પાયાની કેળવણી/૩૫. મારી અપેક્ષા
← ૩૫. બિહાર પ્રાંતની શાળાઓ | પાયાની કેળવણી ૩૬. મારી અપેક્ષા મોહનદાસ કરમચંદ ગાંધી |
૩૭. મ્યુનિસિપાલિટીઓ અને પ્રાથમિક કેળવણી → |
૩૬
મારી અપેક્ષા
[‘એક હળવો પ્રસંગ’ એ નોંધમાંથી]
- શ્રી આર્યનાયકમ સેવાગરામની શાળાની સાતમી શ્રેણીના છોકરાઓને ગાંધીજી આગળ લાવ્યા. આ બધા છોકરાઓએ સેવાગ્રામની પાયાની શાળાનો અભ્યાસક્રમ લગભગા પૂરો કર્યો છે. એ બધા છોકરાઓ સેવાગ્રામ તથા આસપાસનાં ગામડાંના છે. એમાંના એક છોકરાએ તો ગાંધીજીને પૂછવાની હિંમ્મત પણ કરી કે, સાત વરસ પાયાની કેળવણીની શાળામાં ભણ્યા પછી તેમાંથી ચૌદ વરસની ઉંમ્મરના કેવા પ્રકારની છોકરાઓ નીકળવાની આપ અપેક્ષા રાખો છો.
તેના ઉત્તરમાં ગાંધીજીએ કહ્યું :
શાળાઓ જો વિદ્યાર્થીઓએ પ્રત્યેની પોતાની ફરજ બરાબરા બજાવે તો ચૌદ વરસની ઉંમરનાં છોકરાઓ, સાચા, નિર્મળ અને તંદુરસતા હોવાં જોઈએ. તેઓ ગ્રામવૃત્તિનાં હોવા જોઈએ. તેમનાં મગજ તથા હાથ સરખા વિકસેલાં હોવાં જોઈએ. તેમનામાં છળકપટ નહીં હોય. તેમની બુદ્ધિ તીક્ષ્ણ હશે, પણ પૈસા કમાવવાની ચિંતામાં તેઓ નહીં પડે. જે કાંઈ પ્રમાણિક કામ તેમણે મળી આવે, તે તેઓ કરી શકે એવા હશે. તેઓ શહેરોમાં જવા નહીં ચાહે. શાળામાં સહકાર અને સેવાનો પાઠ શીખ્યા હોઈને પોતાની આસપાસના લોકોમાં તેઓ તેવી જ ભાવના પ્રગટાવશે. તેઓ ભિખારી કે પરોપજીવી કડી નહીં બને.
ह૦ बं૦, ૧૫-૬-‘૪૬