પિતામહ
પ્રકરણ ૧
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૨ →






 

હસ્તિનાપુર પર અંધકાર છવાયો હતો. સર્વત્ર સૂનકાર હતો. માર્ગો સૂના સૂના હતા, આભની અટારી પર થોડા તારલા ઝબકતા હતા.

મહારાજા શાન્તનુનો રાજમહેલ પણ અંધકારની ચાદરમાં લપટાયો હતો, દાસદાસીઓ પણ નિંદ્રાધીન થયાં હતાં, દિવસભર સતત પ્રવૃત્તિથી ધમધમતા રાજમહેલમાં પણ શાન્તિ હતી, માત્ર મહારાણી ગંગાદેવી અર્ધ જાગ્રત અવસ્થામાં પોતાના પડખે સૂતેલા દીકરા પર હળવે હળવે પોતાનો હાથ ફેરવતાં ક્યારેક ઊર્મિલ બની જતાં એકદમ બેઠાં થઈ, બાળક સામે નજર માંડતાં. નવજાત બાળક શાંત હતું. આંખો બંધ કરીને પડી રહ્યું હતું.

હૈયાની ઊછળતી ઊર્મિઓ પર એકદમ પથ્થર મૂકી હતાશામાં ઘેરાયેલી ગંગાદેવી પુનઃ શૈયામાં પડતું નાખતાં બબડી, ‘દુર્ભાગી, તને અહીં કોણે મોકલ્યો ? વૈભવો, સુખચેનને જોયા વિના જ તારું જીવન હમણાં સમાપ્ત થશે, દુર્ભાગી !’

ગંગાદેવીની નજર સમક્ષ પોતાની કુખે જન્મેલા સાત સાત સંતાનોને તેણે જળસમાધિ લેવડાવી હતી, તેનાં દૃશ્યો સમક્ષ રમવા લાગ્યાં.

જ્યારે તે પ્રથમ પ્રસૂતા બની ત્યારે, મહારાજા શાન્તનુ તેને સમજાવતા હતા, ‘ગંગાદેવી, આખરે હસ્તિનાપુરને તેનો ભાવિ મહારાજા પ્રાપ્ત થશે ત્યારે રાજ્યના લોકો કેવા હર્ષોલ્લાસ માણતા હશે?’

મહારાજા શાન્તનુ ઉલ્લાસભર્યા હતા, પણ ગંગાદેવી ગંભીર હતી.

‘તમે કેમ કોઈ ઉલ્લાસ બતાવતા નથી, દેવી ? તમારા પુત્રના જન્મનો આનંદ આખી પ્રજા માણે એ તમને ગમતું નથી ?’

‘પણ ઉલ્લાસ માણવાની વેળા જ ક્યાં હશે, રાજન્‌?’ આખરે ગંગાદેવીએ જબાન ચલાવી.

‘કેમ રાજકુમારનો જન્મ ઉલ્લાસ માણવાની વેળા નથી શું? જન્મના ઉલ્લાસ સાથે મૃત્યુનો શોક પણ માણવો જ જોઈશે ને ?’ ગંગાદેવીએ કહ્યું.

‘આ શું કહો છે, દેવી ? આવી અમંગલવાણી, મા તેના ભાવિ સંતાન માટે કેમ ઉચ્ચારી શકે ?’

‘હકીકત તો કેવળ નિશ્ચિત છે, રાજન્‌ !’ ગંગાદેવી ગંભીરતાથી કહી રહી ને ઉમેર્યું, ‘તમારો રાજકુમાર જન્મશે તેના થોડા કલાકમાં જ જળસમાધિ પણ લેશે.’

‘એટલે ?’ મહારાજા શાન્તનુ ગંભીર થતાં પૂછી રહ્યા, ‘જળસમાધિ શા માટે ? તમે તેની રક્ષા કરવાવાળા નથી શું ? તે કોઈ તેને જળસમાધિ લેવડાવે ?’

‘કોઈ કોણ ? ખૂદ તેની જનેતા જ તેને જળસમાધિ લેવડાવશે, રાજન્!’

‘એટલે તમે ? તમે જ તમારા સંતાનની હત્યા કરશો, દેવી ?’

‘હત્યા નહિ, રાજન્, પણ વચનપાલન કહો. ‘ગંગાદેવીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘ભૂલી ગયા આપણા લગ્નપ્રસંગે નક્કી થયેલી શરત ? હું મારા સંતાનોને જળસમાધિ લેવડાવીશ. તેમને જીવતા નહિ રાખું એમ તમને લગ્ન પહેલાં સ્પષ્ટપણે જણુાવ્યું ન હતું ?' ને પૂરી ગંભીરતાથી બોલી, ‘એ મારી પહેલી શરત છે. હજી પણ શરતપાલન કરવી ન હોય તો મને જવા દો.’

બોલતાં બોલતાં તે ઊભી થઈ, બારણા પ્રતિ તેણે ડગ માંડ્યા. શાન્તનુ ત્વરિત ગતિએ ઊભો થઈ બારણા વચ્ચે ઊભો ને ગંગાદેવીને કહી રહ્યો, ‘ના, દેવી! તમે મારા સમસ્ત જીવનની ચેતના છો. તમે વિદાય થાવ પછી શાન્તનુના જીવનમાં કાંઈ જ રહેશે નહિ.’ તેની આંખમાં પ્રેમ છલકાતો હતો.

‘તો શરતના પાલન આડે આવવાનું ભૂલી જવું પડશે.’ ગંગાદેવી દૃઢતાથી કહી રહી. ‘તમે કદી પ્રેમભંગ કરશો નહિ, રાજન્ !’ ને હૈયાના ભાવો ઊછળી પડ્યા હોય એમ શાન્તનુને વળગી પડી. તેના હૈયા પર માથું મૂકીને હર્ષઘેલી થઈ રહી.

‘મારું પણ કેવું સદ્ભાગ્ય છે,રાજન્!’ ગંગાદેવી હર્ષ પુલકિત સ્વરે બોલી, ‘તમારા જેવો પ્રિતમ મને મળ્યો !’

શાન્તનુ પોતાને વળગી પડેલી ગંગાદેવીની પીઠ પર ધીમે ધીમે હાથ પ્રસારતાં કહી રહ્યો, ‘દેવી, મને ક્ષમા કરો. શરતના પાલનની આડે હું કદી નહિ આવું.’ પણ સાથે જ તેના ચહેરા પર ખિન્નતા છવાઈ રહી. મનની ઉદાસીનતા વ્યક્ત કરતા નિસાસો નાખતા હળવેથી બોલ્યો, ‘કુરુવંશનું શું થશે ? તે અટકી જશે ? હસ્તિનાપુરની ગાદીનો કોઈ વારસ પણ નહિ હોય ?’

શાન્તનુના હૈયાથી અળગી થતા ગંગાદેવી બોલી, ‘આમ અફસોસ શા માટે કરો છો, રાજન્? મેં ક્યાં માંગણી કરી છે કે ગંગાનો પુત્ર જ ગાદીવારસ બને?’

‘હા, તમે માંગણી નથી કરી. પણ ગંગાના પુત્ર સિવાય બીજો કોણ ગાદીવારસ બની શકે તેમ છે ?’

‘તમે બીજી પત્ની કરો. તેનો દીકરો ગાદીવારસ થઈ શકશે ને ?’

‘બીજી પત્ની ? પ્રેમમાં વળી ભાગલા હોઈ શકે, ગંગા ?’ દૂર ઊભેલી ગંગાનો હાથ પકડી તેને પોતાની પડખે ખેંચી હૈયાસરસી બે હાથે દબાવતાં ઊર્મિલ બનતાં શાન્તનુ પૂછી રહ્યો, ‘તને એ ગમશે ?’

‘ગમવાનો પ્રશ્ન મારો છે, પણ તમારી ચિંતા તો દૂર થશે ને?’ ગંગાએ જવાબ દીધો.

‘ના, ના, એવી કોઈ પાગલ જેવી વાત ન કરતી.’ રાજા શાન્તનુ ગંગાદેવીના આવાસમાંથી બહાર ગયા. પોતાના આવાસમાં જઈ શૈયામાં પડ્યા. ગંગાદેવી પણ તેમની પાછળ પાછળ દબાતાં પગલે આવી પહોંચી. શાન્તનુની છાતીપર માથું મૂકી દ્રવિત સ્વરે પૂછી રહી, ‘તમારા દિલને સંતોષ નથી ખરું ને રાજન ? તમારી ચિંતા પણ મહત્ત્વની છે. એકના પ્રેમને ખાતર કુરુવંશની વેલ અટકાવવી ને ગાદી પણ બીનવારસ બનાવી દેવી ઉચિત છે, રાજન ?’

‘તો શું કરું?’ પોતાની છાતી પર પડેલાં ગંગાદેવીના મસ્તક પર હળવે હળવે હાથ ફેરવતાં શાન્તનુ વ્યથાપૂર્ણ સ્વરે પૂછી રહ્યો.

‘તમે ગંગાને જવા દો. આ પુત્રનું લાલનપાલન કરી ને રાજ્યવંશ ચાલુ રાખો.’

‘ના, એ શક્ય નથી દેવી !’ ગંગા વિનાનું જીવન મારા માટે શક્ય નથી.’ મહારાજા શાન્તનુ ગંગાથી અલગ થવા તૈયાર ન હતો ને ગંગા પણ લગ્ન વખતની તેની શરતમાંથી પીછેહઠ કરવા પણ તૈયાર ન હતી.’

‘શિકારે નીકળેલા મહારાજા શાન્તનુ શિકારની પાછળ ઘોડો દોડાવતા સાથીઓથી એકલો પડી ગયો હતો. તે ખૂબ થાકી પણ ગયો હતો. તેની નજરમાં ભરી બેઠેલો શિકાર ઝાડીઓની પાછળ અદૃશ્ય થતાં તે હતાશ પણ થયો હતો. તેણે એક વટવૃક્ષ નીચે ઘોડો થોભાવ્યો. નીચે ઊતરી વૃક્ષના ટેકે બેઠક જમાવી, તનમનનો થાક ઉતારવા લાગ્યો. તેની આંખોનાં પડળ બિડાતાં હતાં. ત્યાં તેની સમક્ષ એક રૂપવતી સૌંદર્યમઢી, આંખોના ઉલાળા ઉછાળતી યુવતી તેને સાદ દઈ રહી હતી, ‘ ખૂબ થાકી ગયા લાગો છો. જરા જળપાન કરશો ?’

‘મહારાજા શાન્તનુના કર્ણપ્રદેશ પર મીઠો સ્વર અથડાતાં તેણે સાશ્ચર્ય આંખો ખોલી ને તેની સામે જળ ભર્યું પાત્ર લઈને ઊભેલી રૂપરૂપના અવતારશી યુવતીને જોતાં આશ્ચર્ય મુગ્ધ બન્યો. યુવતીના યૌવનભર્યા દેહનાં અર્ધ વિકસિત અંગોને રૂપે મઢેલી તેની કાયાને નજરમાં ભરતો ચિત્તશૂન્ય બની ગયો હોય એમ બેસી જ રહ્યો.

‘લ્યો, જરા જળપાન કરો, થાક હળવો થશે !’ યુવતીએ તેની સમક્ષ જળપાત્ર ધરતાં હાથ લંબાવ્યો.

પણ શાન્તનુ તો યુવતીના સૌંદર્યનુ પાન કરતો હતો.

યુવતી પણ વૃક્ષના ટેકે બેઠેલા શાન્તનુને નજરમાં ભરી, મનમાં હરખાતી હતી. તેનેય સમવયસ્કની જરૂર હતી. કોણ જાણે કેમ, પણ શાન્તનુ જાણે તેના દિલદિમાગ પર છવાઈ ગયો હતો, પણ તેનો દમામ જોતાં યુવતીનાં મનનાં ઓરતાં ઠરી જતાં હતાં.

‘કેવી મૂર્ખ છે તું? આ રાજાની રાણી થવાની તારી કોઈ યોગ્યતા છે ખરી ?’ યુવતીના દીલના ઊંડાણમાંથી પ્રશ્ન ઊઠતો હતા, ‘તુ ભલે સૌંદર્ય વતી હો, યૌવનનો મોહક તરવરાટ પણ હો, પણ તું કોણ છે તે તો જાણે છે ને ?’ જાણે તિરસ્કાર વૃત્તિથી કોઈ તેને કહેતુ હતું : ‘જા, કોઈ ગમારને શોધી કાઢ.’ તે ગંભીર, અસ્વસ્થ પણ હતી.

‘પણ ત્યાં શાન્તનુએ તેના હાથમાંનું જળપાત્ર લીધું ને તૃષા છીપાવવા જળપાન કરવા માંડ્યું.

યુવતી પણ હવે મનોકલ્પનાના ભયથી શાંત થઈ હતી.

‘ખૂબ તૃષા લાગી છે, નહિ ? બીજું લઈ આવું ?’ યુવતી પૂછી રહી.

‘હા, તૃષા તા ખૂબ લાગી છે, પણ—’ બોલતાં બોલતાં શાન્તનુ અટકી ગયો. તેની નજરમાં યુવતી ભરાઈ હતી, તેની આંખોમાં તુફાન હતું. પ્રથમ દૃષ્ટિએ જ શાન્તનુને યુવતીનું યૌવનથી થનગનતું દેહસૌંદર્ય ગમી ગયું. જળપાત્ર લેતાં યુવતીના કરનો જે આછોપાતળો સ્પર્શ થયો હતો. તેણે શાન્તનુની ચેતના હરી લીધી.

‘પણ બણની ચિંતા ન કરો. અહીં પાસે જ છે. હમણાં વધુ પાણી લઈ આવું છું !’ એમ બોલતાં યુવતી જળપાત્ર લઈને દોડી,

શાન્તનુ દોડતી યુવતીની પીઠ પાછળ નજર નાખી રહ્યો, હવામાં ઊડતી એની સાડીનો પાલવ તેનાં અંગોને ખુલ્લાં કરતો હતો. શાન્તનુ એનું રસપાન કરી રહ્યો હતો.

અહીં આવા નિર્જન વગડામાં આ અપ્સરા ક્યાંથી આવી ચડી હશે ? કેવી કામણગારી છે ? જાણે હૈયે દબાવી તેના અધરના રસપાન કરું ? શાન્તનુની વિહ્‌વળતા વધી પડી.

ત્યાં હાંફતી હાંફતી યુવતી જળપાત્ર સાથે શાંન્તનુ સમક્ષ ઉપસ્થિત થઈ. શાંન્તનુ તો યુવતીના સૌંદર્ય કેફમાં જ મસ્ત હતો. તેણે યુવતીના હાથમાંથી જળપાત્ર લેતાં તેનો હાથ પણ પકડ્યો.

જાણે યુવતી પણ તેની ઇચ્છા જ અમલી બનતી હોય એમ ઉલ્લાસ ભરી શાન્તનુની પડખે બેઠી. શાન્તનુ તેને નજરમાં ભરી રહ્યો હતો તો યુવતીના લોચનિયા લજ્જાના ભારથી ઝૂકી ગયા હતા. પાણી ભરેલું જળપાત્ર હજી શાન્તનુના હાથમાં જ હતું. પ્રયત્નપૂર્વક લોચનિયાં ઊંચાં કરતાં યુવતીએ કહ્યું, ‘જળપાન કરી લ્યો, પછી થોડો આરામ કરો !’

શાન્તનુ સ્વગત બબડતો હતો, ‘તમે જો સાથે હો તો આરામ પણ પ્રેમાલ્લાસભર્યો બની રહે.’ પણ આ શબ્દો હોઠ પર લાવવાની તેનામાં હિંમત ન હતી.

મૂંગા મૂંગા તેણે જળપાન કર્યું ને જળપાત્ર જમીન પર મૂકતાં યુવતીને પૂછી રહ્યો, ‘તમારું નામ ?’

‘મારુ નામ ગંગા !’ શરમ ભરેલાં નેનાં પર પડળ દેતાં યુવતી બોલી ને તેણે પણ વળતો પ્રશ્ન કરવાની હિંમત કરી, ‘આપ તો કોઈ રાજવી લાગો છો, ખરું ને ?’

‘હા.’ શાન્તનુએ પોતાનો પરિચય દેતાં કહ્યું, ‘પણ દિલને કરાર નથી, જિંદગીમાં કોઈ ઉલ્લાસ-આનંદ પણ નથી. રાજભવનની સૂની દીવાલો વચ્ચે નિરસ જિંદગી જીવું છું.’ ને પછી પડખે બેઠેલી ગંગાનો હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યો, ‘તમે અહીંં એકલાં જ હશો ખરું ને ?’

‘હા, માબાપ હતાં, પણ અત્યારે તો એકલી જ છું.’

‘તો અહીં આવા નિર્જન વગડામાં તમે એકલાં શી રીતે રહી શકો ? કોઈનો સહવાસ નહિ. જિંંદગી જાણે વેરાન-વગડા જેવી જ હશે ને?’

‘ના રાજન્, જિંદગી તો હરીભરી છે, વગડામાં નિર્જનતા પણ નથી, અહીં પશુઓ છે, તેમનો સહવાસ આનંદદાયક છે, પંખીઓનો કલરવ, કલશોર, કેટલાં મીઠા હોય છે?’ ને મયુરનાં નૃત્યો, કોયલનો ટહુકાર મનને ભર્યું ભર્યું જ રાખે છે. ક્યાંય કશો ઉલ્કાપાત નથી, ક્યાંય ચિંતા પણ નથી.’ યુવતી શાન્તનુ સમક્ષ તેના જીવનની કિતાબનાં પાનાં ઉકેલતી હતી.

‘છતાં પણ માનવ સહવાસની અધૂરપ તો ખરી જ ને? કદાચ તમે બીમાર પડો તો તમારું કોણ ?’ શાન્તનુ જાણે એકલવાયી જિંંદગી જીવતી યુવતીનો હમદર્દી બનતો હતો. તેણે પ્રશ્ન કર્યો, ‘માનવી સાથે જિંદગી જીવવાની ઇચ્છા થતી નથી શું?’

શાન્તનુનો પ્રશ્ન સાંભળતાં અંતરના ઊંડાણમાંથી નિસાસો સરી પડ્યો હોય એમ નિશ્વાસ નાખતાં જવાબ દઈ રહી, ‘ઇચ્છા તો થાય, આખરે ગંગા પણ માનવી તો છે જ ને?’

‘તો અહીંં કેમ પડી રહો છો?’

‘ક્યાં જાઉં? કોની સાથે રહું ?’

‘તમે ઇચ્છો તો માર્ગ બતાવું!’

શાન્તનુના દિલમાં ગંગાના જવાબમાંથી ઉત્સાહ જાગ્યો. પોતે ગંગાના સૌંદર્યના મોહમાં તરબતર હતો. તેના હૈયાની પાટી પર ગંગાની તસ્વીર પણ અંકિત થઈ ચૂકી હતી. તેના નિરસ જીવનમાં ગંગાના થોડી ક્ષણોના સહવાસે રસ છલકાતો થયો હતો. તે પોતે નિમંત્રણ દેવા ઉત્સુક હતો, પણ ગંગાના જવાબથી ઉત્સાહિત બનેલો શાન્તનુ ગંગાને પોતાની સાથે આવવા ઇજન દેવા ઉત્સુક બન્યો હતો.

‘હા, માર્ગ બતાવો તો ખરા ?’ ગંગાએ જવાબ દીધો.‘ક્યારેક તો એ માર્ગ શોધવો તો પડવાનો જ હતો ને?’ તેણે ઉમેર્યું

‘તો મારી સાથે ચાલો!’

‘ક્યાં રાજમહેલમાં ?’ શાન્તનુના જવાબથી આશ્ચર્ય અનુભવતી ગંગા પૂછી રહી. તેણે શંકા વ્યક્ત કરી, ‘તમે રાજા ને હું વગડાનુ પંખી !’ ને બોલી, ‘ના, ના, તમારું ઈજન બરાબર નથી.’

‘પણ હું તમને ચાહું છું, ગંગાદેવી !’ ગંગાની ઠેઠ નજદિકમાં જઈ, ગંગાદેવીના કાનમાં જાણે દિલની આરઝુ ઠાલવતો હોય એમ શાન્તનુ કહી રહ્યો.

‘ચાહો છો એટલે ? થોડી ક્ષણોમાં તમે ચાહવા પણ લાગ્યા ?’ ગંગા બોલી ને ઉમેર્યું,’ ‘થોડા દિવસ પછી ભૂલી પણ જશો ખરું ને?’

‘ના, તમે મારા દિલના આસન પર જામી પડ્યાં છો. તમારું આ મદભર્યું યૌવન, આ મોહક સૌંદર્ય, આ કામણગારાં નૈનાંને હૈયાના અરમાનો નિરર્થક જવા દેવા માંગતા નથી.’ ગંગાનો હાથ પકડી તેને પોતાની છાતી પર મૂકતાં પૂછી રહ્યો. ‘તમને સંભળાય છે મારા હૈયાની ધડકન ? એ ધડકન તમારા આલિંંગન વિના શાંત થાય તેમ નથી.’

ગંગા તો શાન્તનુના આ બકવાસને જાણે પાગલ માણસનું ગાંડપણ સમજી હોય એમ શાન્તનુ સામે પહોળી આંખો માંડી રહી.

શાન્તનુની ઉત્તેજના ક્ષણે ક્ષણે વધતી હતી. યૌવનમસ્ત ગંગાની સૌંદર્ય મઢેલી કાયાને આશ્લેષ દેવા ઉત્તેજીત થયો હતો.

‘તમે હસ્તિનાપુરના મહારાજા શાન્તનુના રાજભવનમાં આવવા તૈયાર હશો.’ મહારાજા શાન્તનુનો પરિચય પામતાં ગંગાની ઉત્તેજના પણ જાગતી હતી, પણ તે અધિર ન હતી. તેની ઉત્તેજના અવ્યક્ત જ રહેતી. ગંભીરતા ધારણ કરી મહારાજ શાન્તનુના દિલમાં રમતાં ભાવોનું નિરીક્ષણ કરતી બેઠી હતી.’

‘કહો, કહો !’ વ્યથાપૂર્ણ સ્વરે શાન્તનુ પૂછી રહ્યો, ‘તમને મહારાણી બનવું ગમતું નથી ?’

‘મહારાણી !’ સાશ્ચર્ય ગંગા પૂછી રહી.

‘હા, હસ્તિનાપુરના મહારાણી—’

‘પણ લોકો શું કહેશે ? વગડાના પંખીને રાજમહેલના પિંજરમાં પૂરી દીધા પછી તેની શી દશા થશે ?’

‘શંકા ન કરો, ગંગાદેવી. હું તમને હૈયાસરસી રાખીશ. રાજ્યમાં તમારું માનપાન મહારાજ શાન્તનુ જેટલું જ રહેશે, ચિંંતા ન કરો.’ ને પોતાનો હાથ લંબાવી ગંગાના હાથમાં મૂકતાં બોલ્યો, ‘આ મારું વચન છે.’

‘ભલે. તમારા વચન પર મને ઈતબાર બેસે છે, પણ—’

‘પણ શું…? હવે ચાલો મારી સાથે—’

‘ના, એમ નહિ. મને પણ થોડો સમય વિચારવા દેશોને ?’

‘જરૂર. પણ કેટલો સમય ?’

‘આજની રાત્રી. કાલ સવારે મારો નિર્ણય જણાવીશ.’

‘આજની રાત્રી ?’ શાન્તનુ પણ ગંગાદેવીની સૌંદર્યજાળમાં એટલો બધો ખૂંપી ગયો હતો કે તેને માપવા માટે નિર્જન ભયાવહ વગડામાં રાત્રી ગાળવા પણ તે તૈયાર હતો.

‘હા, રાત્રી દરમ્યાન હુ વિચાર કરી લઉં.’ ગંગા બોલી.

‘ભલે એમ કરો.’ શાન્તનુએ ગંગાની દરખાસ્તને મંજૂરી દેતાં કહ્યું, ‘તો કાલ સવારે આ વૃક્ષ હેઠળ હું તમારા આગમનની પ્રતિક્ષા કરતો બેઠો હોઈશ.’

શાન્તનુના આ નિર્ણયથી ગંગાનું આશ્ચર્ય ખૂબ વધી ગયું. એટલું જ નહિ, પણ મહારાજાની પ્રિત વિષેનો ભાવ પણ વધી પડ્યો.

તેણે સાશ્ચર્ય પ્રશ્ન કર્યો : ‘હસ્તિનાપુરના મહારાજા આ વૃક્ષ હેઠળ રાત્રી-વાસો કરશે? આ નિર્જન ઘોર જંગલમાં ? જ્યાં રાની પશુ રાત્રીની મેાજ માણવા ઘૂમતાં હોય છે, ત્યાં તમે એકલાં અહીં રાત્રી વ્યતિત કરો એ ઠીક ગણાશે ?’

‘ઠીક અઠીકના પ્રશ્નનો હવે છેદ ઊડી ગયો છે, ગંગાદેવી!’ શાન્તનુએ ગંગાના ખભા પર માથું ઢાળી દેતાં કહ્યું. ‘જ્યાં ગંગાદેવી મારી પડખે છે, ત્યાં રાની પશુઓનો ભય પણ શો?’

શાન્તનુએ તેનાથી વિખૂટા પડેલાં સાથીઓ તેને શોધતાં શેાધતાં ત્યાં આવી પહોંચ્યા હતા. દૂર દૂર સુધી ઘોડાઓની હાર જામી હતી. સશસ્ત્ર સાથીઓ મહારાજ શાન્તનુ સમક્ષ ઊભા ઊભા વિદાયની તૈયારી કરતા હતા. તેમને આદેશ દીધો, ‘તમે સૌ વિદાય થાવ.’

‘ને તમે મહારાજ ?’

‘હું રાત્રી વનમાં ગુજારીશ.’

‘પણ તમે એકલા?’

‘ના, હું એકલો નથી.’ ને પડખે બેઠેલી ગંગા પ્રતિ દષ્ટિપાત કરતાં બોલ્યા, ‘મારા જીવનનો સહવાસ મને પ્રાપ્ત થયો છે. તેના સથવારે વગડો શું કે રાજમહેલ શું? બધું જ સરખું છે. તમે નિરાંતે પાછા ફરો.’ ને વળી ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું, ‘મંત્રીજીને કહેજો કે કાલ પ્રભાતે મહારાજા શાન્તનુ મહારાણી ગંગાદેવી સાથે પધારે છે. તેમનું સામૈયું કરવાની બધી જ ગોઠવણ કરે.’

સાથીઓ સૌ વિસ્મય પામ્યા. સૌની નજર મહારાજાની પડખે બેઠેલી ગંગા પ્રતિ હતી. સૌના મનના ભાવો ભિન્ન ભિન્ન હશે. પણ સૌ નિશ્ચિતપણે સ્વીકારતાં હતાં કે અભૂતપૂર્વ મોહક, સૌંદર્યથી મઢેલી યૌવના પર મહારાજ શાન્તનુ મોહી પડ્યા છે. પણ સાથે તેમના મનમાં પ્રશ્ન પણ ઊઠતો હતો, ‘આવું આહ્‌લાદક સૌંદર્ય અહીંં વગડામાં ક્યાંથી ?’

ગંગા પણ હવે નિર્ણય કરી બેઠી હતી. રાત્રીવાસ આ ઘોર ભયાવહ જંગલમાં ગુજારવાના મહારાજાના નિર્ણયે મહારાજાના પ્રેમમાં વિશ્વાસ બેઠો. તે પણ હવે હસ્તિનાપુરની મહારાણી બનવાનાં સ્વપ્નો નેનાંમાં ભરી બેઠી હતી.

‘મહારાજ, મારે ખાતર આપ આવું જોખમ શા માટે ખેડો છો ?’ ગંગાએ પ્રશ્ન કર્યો.

‘તો તમારે તમારો નિર્ણય તત્કાલ જણાવવો જોઈએ.’ શાન્તનુએ જવાબ દીધો.

‘નિર્ણય જણાવું તે પહેલાં મારે એક વચન જોઈએ છીએ.’ ગંગાએ વાત મૂકી.

‘હા, હા, વચન એક નહિ, અનેક માંગો.’ ઉત્તેજનાપૂર્ણ સ્વરે શાન્તનુ બોલ્યા ને પછી પ્રશ્ન કર્યો, ‘તમને પુરુષના વચન પર ઈતબાર તો છે ને ? એ ઈતબારના અભાવે તો તમે કોઈ વચન માંગતા નથી ને ?’ એકદમ આવેશમાં આવી શાન્તનુએ ગંગાનો હાથ પકડી, સૂર્ય સામે નજર કરીને બોલ્યો, ‘હે સવિતા નારાયણ, હે વનદેવતા, હે વનનાં પશુપંખીઓ, તમારા સૌની સાક્ષીએ ગંગાદેવીનો હું મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું. તમે તેના સાક્ષી બની રહો.’

ગંગા પ્રતિ દૃષ્ટિપાત કરતાં શાન્તનુ પૂછી રહ્યો, ‘હવે તમારે કોઈ વચનની જરૂર છે ખરી?’

‘હા, મહારાજ. હું અહીં વગડામાં સ્વતંત્ર જીવન જીવું છું, મારા કાર્યમાં કોઈ દરમ્યાન થતું નથી. કોઈ દરમ્યાન થાય એ મને મંજૂર પણ નથી.’

શાન્તનુ ગંગાદેવી સામે મોં મલકાવતાં બોલ્યો, ‘બરાબર છે તમારી વાત !’ ને પછી ખાતરી ઉચ્ચારતાં કહ્યું, ‘તમારી કોઈ પણ ઇચ્છાની આડે કોઈ આવશે નહિ. તમારા કોઈ પણ કાર્યની આડે પણ શાન્તનુ કદી નહિ આવે.’ પ્રેમ છલકાવતી આંખો ગંગા સામે માંડતાં પૂછ્યું, ‘હવે કાઈ વચનની જરૂર છે ખરી ?’ પછી હૈયામાં ઊછળતા પ્રેમને ઠાલવતા શાન્તનુ બોલ્યો, ‘દેવી, તમારી કોઈ પણ ઈચ્છાની હું કદી પણ અવગણના નહિ કરું. તમારા દિલને રંજ થાય તેવી કોઈ વાત પણ નહિ કરું.’

છતાં પણ ગંગા તેની જે ઇચ્છા વ્યક્ત કરવા માંગતી હતી, તે ઇચ્છા સ્પષ્ટ કરવા વચ્ચે જ બોલી :

‘કહો, તમે જે ઇચ્છો તે કહો.’

‘મને સંતાન જોઈતા નથી.’ લજ્જાના ભારથી ઝૂકી ગયેલી નજરે ગંગાએ તેની વાત પેશ કરી.

ગંગાની વાત સાંભળતાં શાન્તનુ થોડીક ક્ષણો માટે ગંભીર બનીને ગંગા સામે નજર માંડી રહ્યો. તેની નજરમાં આશ્ચર્ય હતું. સ્ત્રી મા બનવાની ઝંખના સતત કરતી જ હોય છે. માતૃત્વ વિનાનુ સ્ત્રીજીવન અધૂરું અપૂર્ણ રહે છે, છતાં ગંગાને મા બનવું નથી ?

પણ તરત જ તેણે આ શંકાનું સમાધાન શોધ્યું, ‘ભલે ગંગા અત્યારે ગમે તેવા તર્કો લડાવે, પણ તેના ખોળામાં સંતાન રમતું હશે ત્યારે તેનું માતૃવાત્સલ્ય ખીલી ઊઠશે. ખોળામાંથી બાળકને ઉઠાવી, હૈયા સાથે દબાવીને બાળકના કુમળા મુલાયમ ગાત્રોને ચૂંબનથી ભીજવી દેશે.’

આ તર્ક સાથે જ શાન્તનુએ સ્મિત વેરતાં જવાબ દીધો : ‘ભલે. જો તમે માતા બનવા ઇચ્છતાં જ ન હો તો હું શું કરવાનો હતો? જેવી તમારી ઈચ્છા.’

શાન્તનુના રોમેરોમ ગંગા છવાઈ ગઈ હતી. એટલે ગંગાની શરતોની સમીક્ષા કરવા જેટલી પણ તેનામાં સ્વસ્થતા ન હતી.

‘તમે આ શરતોનું પાલન તો કરશો જ ને એવો વિશ્વાસ રાખું ખરો ?’ ગંગા હજી પણ શાન્તનુના દિલને ઢંઢોળવાનો પ્રયત્ન કરતી હતી. તેણે શાન્તનુ સમક્ષ જે શરતો મૂકી હતી તે શરતો કોઈ પણ પુરુષ કદી પણ સ્વીકારે નહિ એવી તેને ખાતરી હતી. એટલે અત્યારે પોતાના મોહપાસમાં બંધાયેલો શાન્તનુ ક્યારેક તેના વચનનો ભંગ પણ કરે તેવી આશંકા સહજ હતી.

તેણે સ્પષ્ટતા કરી, ‘જુઓ રાજન, તમે જે ક્ષણે શરતનો ભંગ કરશો તે ક્ષણથી આપણા લગ્નસંબધોનો અંત આવશે. હું પાછી મારા વગડામાં પહોંચી જઈશ.’

‘હા, હા, પણ શરતનો ભંગ કરું તો ને?’ શાન્તનુ સ્મિત વેરતા બોલ્યો ને ગંગાના મનની શંકાનું સમાધાન કરતાં ગર્વભેર બોલ્યો, ‘દેવી શાન્તનુ ક્ષત્રિય છે. તે વચનની કિંમત બરાબર જાણે છે. તમે નિર્ભય રહો. શાન્તનુ તમારા માર્ગમાં કદી પણ અંતરાયરૂપ નહિ બને.’

ગંગાના બે ખભા પર હાથ મૂકી તેની નજરમાં નજર મેળવી નેત્રપલ્લવી રચતો પૂછી રહ્યો, ‘હવે કાંઈ પૂછવું છે ?’

‘ના, રાજન્‌!’ ગંગા પણ શાન્તનુના હૈયાસરસી ચંપાઈ જવા ઉત્સુક હતી.

હસ્તિનાપુરમાં આનંદ છવાયો હતો. મહારાજા શાન્તનુ અને મહારાણી ગંગાદેવીનું જનતાએ ઉમળકાભેર સ્વાગત કર્યું. ગંગાદેવીનો સૌંદર્ય મઢ્યો દેહ યૌવનના ઉમંગોથી ભર્યો ભર્યો હતો.

ગંગાની પ્રથમ પ્રસૂતા પછી થોડા દિવસોમાં જ તરતના જન્મેલા બાળને લઈ, નદી પ્રતિ પ્રયાણ કરવા મહેલમાંથી બહાર પડી ત્યારે મહેલની દાસીઓ તેના પ્રતિ ચિંતાભરી નજર માંડી રહી હતી. કુતૂહલવશ ગંગાનો ચૂપકીદીથી પીછો પણ કર્યો. તેણે જે દૃશ્ય જોયું તે એટલું તો ભયંકર હતું કે તે ત્યાં જ બેભાન થઈને જમીન પર પડી હોત. તેની આંખે અંધારાં આવ્યાં. તેણે પ્રયત્નપૂર્વક સ્વસ્થતા જાળવી. ગંગા રાજમહેલમાં આવી પહોંચે તે પહેલાં તે તેના સ્થાને ગોઠવાઈ ગઈ.

ગંગાએ જ્યારે રાજમહેલમાં પગ દીધો ત્યારે તેની સ્વસ્થતા ગજબની હતી. પોતાના હાથે જ પોતાના બાળકને આમ જળસમાધિ કરાવતી ગંગા પ્રત્યે દાસીના મનમાં ભારોભાર રોષ હતો.

પણ મહારાણી ગંગાના વદન પર ક્યાંય ગમ દેખાતો ન હતો. સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક તે પલંગમાં પડી અને થોડીક ક્ષણોમાં પ્રગાઢ નિદ્રામાં સરી પડી.

શાન્તનુની ઈચ્છા વિરુદ્ધના ગંગાના આ ઘાતકી પગલાં વિષે રાજમહેલમાં સૌના મનમાં ભારે રોષ હતો. ગંગા તેનાથી અજ્ઞાત પણ ન હતી, પણ તે જાણતી હતી કે કોઈનો રોષ કામ આવે તેમ નથી.

તે સ્વસ્થ અને શાંત હતી. તેના નિર્ણયમાં મક્કમ હતી. તેણે સાત સાત સંતાનોને જન્મ દીધો ને બાળક જગતને જોવા માટે પોપચાં ઉઘાડે તે પહેલાં તને જળસમાધિ પણ કરાવી દીધી હતી.

હમણાં જ તે પુનઃ પ્રસૂતા બની હતી. તેની પડખે નવજાત બાળ પોપચાં બીડીને પડ્યું હતું. ગંગા તેના દેહપર હાથ પ્રસાર તેને ઠપકાવતી હતી, પણ બાળક શાંત હતું.

બાળક પર હાથ ફેરવતાં ફેરવતાં તેના મનના ભાવો હમણાં ઊછળી પડશે એવા ભયથી તેણે જ બાળકને પડખેથી દૂર કર્યું.

‘હમણાં થોડો કાળ આ મહેલના સુખશૈય્યામાં પડ્યો રહે, દુર્ભાગી !’ એમ બબડતી તે પલંગમાં પડી મધરાતની પ્રતીક્ષા કરતી હતી. સાત સાત સંતાનોને જન્મ દીધા પછીની થોડીક ક્ષણોમાં જળસમાધિ કરાવી દેનાર ગંગાના દિલમાં માતૃભાવ જાગતો જ ન હતો. આઠમા બાળકનો પણ અંજામ તેણે નિશ્ચિત કર્યો હતો.

તે મધરાતની પ્રતિક્ષા કરતી હતી. દાસ-દાસીઓ પણ ત્યારે ભરનિદ્રામાં હશે, મહારાજ તો વચનબદ્ધ છે એટલે તેમના તરફથી કોઈ ભય ન હતો પણ દાસ-દાસીઓમાંથી કોઈ તેને અટકાવે નહિ, એટલે તે મધરાત પછી જ તેના નિર્ણયને અમલમાં મૂકવા માંગતી હતી.