આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
માનસિક ઘેલછા

નથી નથી મુજ તત્વો
વિશ્વથી મેળ લેતાં;
હૃદય મમ ઘડાયું
અન્ય કો વિશ્વ માટે.
કલાપી

હું ખરેખર કેદખાનામાં જ હતો. એની મને પ્રતીતિ થઈ. કેદીનો પોશાક પહેરીને મારે સારુ દૂધ મૂકી જનારનો દેખાવ અને તેના નંબર ઉપરથી મને ઉત્પન્ન થયેલી શંકા બીજાં અનેક કારણોથી દૂઢ થઈ; અને છેવટે વ્રજમંગળાએ જ જણાવ્યું કે આ કેદખાનાનું દવાખાનું છે. એકબે દિવસ તો તેમણે મને જણાવ્યું નહિ, પરંતુ મેં એ પ્રમાણે ખાતરીથી માનવા માંડયું, એટલે તેમણે મારી થયેલી ખાતરીને પુષ્ટિ આપી.

આનો અર્થ એટલો જ કે મારી તબિયત સારી થાય એટલે મારા ઉપર પોલીસ કેસ ચલાવે, મને સાજો કરી ફાંસીને લાકડે લટકાવે ! તો પછી મને મારી બેશુદ્ધિમાં જ મરવા કેમ ન દીધો ?

પરંતુ સુધરેલી રાજ્યવ્યવસ્થા ગુનેગારને સુખે મરવા દેતી નથી. હું ડાળી ઉપરથી પડ્યો, એક પોલીસના માણસે વચ્ચે હાથ ધરી મારા વેગને નરમ પાડી દીધો ન હોત તો હું કદાચ જીવતો પણ રહ્યો ન હોત. પરંતુ તેની આ સહાયને લીધે હું બેભાન થઈને પણ જીવ્યો. પડવાથી મારું શરીર અશક્ત બની ગયું હતું; અને ચોવીસ કલાકની તીવ્ર માનસિક વેદનાએ મનને પણ બેભાન બનાવી દીધું હતું. મને ઊંચકીને પોલીસચોકી ઉપર લઈ જતાં મારી ગંભીર સ્થિતિનું ભાન હિંમતસિંહને થયું. હું આરોપી તો હતો જ; ભયંકર ગુનાનો મારે માથે આરોપ હતો; એટલે કાચા કામના કેદી તરીક કેદખાનું તો મારે માટે ઠરેલું જ હતું પરંતુ હું વચમાં દર્દી બની ગયો એટલે કેદખાનાની સાથે સાથે જ રાખવામાં આવતા દવાખાનામાં મને દાખલ કરી દીધો, ડૉક્ટરને પણ મારી સ્થિતિ ગંભીર લાગી; તેમણે એ બિના હિંમતસિંગને જણાવી; હિંમતસિંગે કમિશનરને ખબર આપ્યા. તેઓ દવાખાને આવી મારી બેભાન સ્થિતિ જોઈ ગયા. જ્યોતીન્દ્રને મારે માટે ઘણી