આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરેશ

હું વાદળી કટકા થઈને
ઉપાડતા વિદ્યુત દોડી આવે !
પાષણના આ ગિરિશૃંગના સૌ !
વર્ષાવતા હિમનું ઝાપટું શું ?


કલાપી


મને જ્યારે જ્યારે અમગમો આવતો ત્યારે હું મારા મિત્ર જ્યોતીન્દ્રની પાસે જતો. જ્યોતીન્દ્ર ફિલસૂફ હતો, પરંતુ તેની ફિલસૂફીમાં હાસ્ય અને કટાક્ષ રહેલાં હતાં. તે મોટે ભાગે આરામખુરશી ઉપર બેસી, આંખો મીંચી પડી રહેનાર સુસ્ત માણસ હતો; તથાપી કેટલીક વખત તે અણધારી સ્ફૂર્તિ બતાવતો, અને મજબૂત માણસ પણ થાકી જાય એટલી મહેનત કરી શકતો. ઘણુંખરું તે વાતો સાંભળ્યા કરતો ઓછાબોલો યુવક હતો; પરંતુ કોઈ વખત વાચાળ બની આપણને આશ્રયમાં નાખી દે એવી વાતો પણ કરતો. તેની પત્ની જ તેના વિચિત્ર સ્વભાવથી કોઈ કોઈ વખત કંટાળતી તો પછી મિત્રો કંટાળે એમાં આશ્ચય નહોતું. તેની પત્નીનું નામ વ્રજમંગળા હતું. વ્રજમંગળા ઘણા જ સારા સ્વભાવની સ્ત્રી હતી.

આજે જ્યોતીન્દ્ર પાસે ગયા સિવાય ચાલે એમ નહોતું. હું અત્યંત ઉતાવળથી એને ત્યાં ગયો. વ્રજમંગળા આગળના ખંડમાં બેસી મોજાનાં દોરા ઠીક કરતાં હતાં. મેં જતાં બરાબર પૂછ્યું :

'કેમ, વ્રજમંગળાબહેન ! જ્યોતિ ઘરમાં જ છે ને ?'

જ્યોતીન્દ્ર અંદરથી બહાર આવ્યો અને હસ્યો :

'કેવડું મોટું નામ ? સવારથી બોલવા માંડીએ તો સાંજે પૂરું થાય. બે કે ત્રણ અક્ષર કરતાં વધી જાય એ નામ કદી બોલવાં જ ન જોઈએ, કેટલો વખત બરબાદ જાય !'

'તમારે વખતને શું કરવો છે ? ચોપડીઓ વાંચો કે બહાર રખડો. પોલીસ કમિશનર સાહેબે ક્યારના બોલાવ્યા છે, પણ જતા જ નથી. અમુક ફાટેલાં મોજાં સુધરે પહેરીને જ જવાની એમણે જીદ લીધી છે; અને પાછા વખતની કિંમત કરે છે ! કહો સુરેશભાઈ ! ઓછો જુલમ છે ?'