આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાખશો. એમાં મારૂંએ ભલું જ છે. મારૂં મન ચોંટ્યું તો તમારા જેવા સુજ્ઞ પુરૂષ ઉપર ચોંટ્યું એથી હું મને ભાગ્યશાળી સમજું છું કે 'અરે! મને ખરેખરા પાપના પંકમાંથી કાઢી તે એ નર મળ્યા તો જ.' આપ મારા ઉપર પત્ર લખો તેમાં ગમે તેમ લખશો તે બધાથી હું રાજી થઈશ, પણ 'હું તુચ્છને વીસરી જાઓ' એવી આજ્ઞા કોઈ દિવસ કરશો માં. એ વચન વાંચીને મને બહુ દુઃખ થાય છે. માટે મારા પર દયા લાવી એમ ન લખવું. અરે ! શું હું તમને તુચ્છ જ ગણું છું અથવા તમારી ભક્તિ કરું છું તે તમારી આજ્ઞા માનીને કે મારી ખુશીથી જ તમને યાદ કરૂં છું? કે તમે કહેશો કે 'વીસરી જાઓ' એટલે વીસરી જઈશ ? બીજું તો શું લખું પણ દયારામમાં 'સખી હું તો જાણતી જે સુખ હશે સ્નેહમાં'માં એ ગરબી વાંચવાની પ્રાર્થના કરું છું.

લિ. ... ... ...
 
♣♣
પત્ર ૧૧
૧૪-૯-૮૫
 

બલા જાણે જીવાશે કે નહિ તેનો પણ ભરૂસો છૂટી ગયો છે. વૈદો તો જોઈ જોઈને નવી ગ૫ હાંકે છે. કોઈ કહે છે કે 'ક્ષય થયો છે.' કોઈ કહે છે 'તંબોલીયો ક્ષય છે.' આ સાંભળીને મણિકુંવર ને તમારા ભાઈએ તો મારા નામની પછેડી ઓઢી છે. પણ મને તો ધીરજ છે કે હમણાં હું તો કંઈએ નહિ મરૂં–વારૂ, મને કંઈ થાય તો તમને કંઈ થાય કે નહિ? બીજું તો શું પણ એટલું તો ખરું કે પ્રિયંવદામાં લખનાર એક અક્કલનું બારદાન બાઈ મળવા દુર્લભ ! વળી તે પણ આવી આવી ગમ્મત ને ચતુરાઈની પરિસીમા જેવી તમારા જોવામાં ભાગ્યે જ આવી હશે.

હું ધારૂં છું કે તમને કોઈ પત્ર લખવાની પ્રાર્થના કરતું હશે કે 'સાહેબ, પત્ર લખશો, પત્ર લખવા કૃપા કરશો' ત્યારે કલમ હાથમાં લેતા હશો, નહિ વારૂ? પણ અમે તો એમ જ કહીશું કે ખુશી હોય તો જ પત્ર લખવાની તસ્દી લેવી. મુંબઈ પધારવાના છો તેથી મુંબઈના ગવ૨નરને અમે કહી રાખ્યું છે કે શામળદાસ કોલેજના પ્રોફેસર સાહેબની સવારી આ માસ આખર મુંબઈ આવનારી છે તો નામદારે તમામ દરવાજા ખુલ્લા મુકવા. એમણે કહ્યું કે 'ઠીક.', જુઓ હસવા માટે લખ્યું છે માઠું લગાડશો નહિ.

લિ. ... ના પ્રણામ.