આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
પરકમ્મા :
 


જોઈ શકશો કે ‘સમરાંગણ’ના સર્જન પાછળ આ જીજી બારોટે અને જેઠા રાવળે કહેલા ફક્ત એક જ પ્રસંગનું કેટલું તીવ્ર સંવેદન અને કલ્પન ચાલ્યા કર્યું છે. જેઠા રાવળે કહેલા આ બે પ્રસંગો એ કરુણ શૌર્યકથાનાં બે સમતલ પલ્લાં છે : પહેલે પ્રસંગ માની પીઠે ઊભો રહીને માએ પાછળ નાખેલાં પયોધરે ધાવતા બાળની એના બાપને જ મોંએ રાજા જામે કરેલ હાંસીનો : ને બીજો પ્રસંગ મુગલફોજ સામેના રણાંગણમાં પડેલા એ જ બાળના જોબન–જોદ્ધ દેહની દશા દેખાડતો : એ દેહ પડ્યો હતો : એના કાંડાં-વિહોણાં હાથની ઠૂંઠી અણીઓ એક મૂએલ હાથીના પેટમાં પેસેલી હતી, કારણકે એણે અંબાડીઓ સુધી પહોંચીને સેનાપતિઓને હણતાં હણતાં કાંડાં કપાઈ ગયા પછી પણ ઠૂંઠા હાથે ઠોંસા લગાવીને હાથીઓને માર્યા હતા - પછી એ પટકાયો હતો. યુદ્ધલીલા ખતમ થયા બાદ વિજેતા મુગલપતિ રણભૂમિ પર નિરીક્ષણ કરવા નીકળે છે - ને હાથીના કલેવરને હાથનાં ઠૂંઠાં વડે ભેદનારો આ મહાવીર કોણ એવું વિસ્મય અનુભવે છે, ત્યારે જાણકાર જવાબ વાળે છે કે ‘આ જોળાળીનો.’ રાજા જામે કરેલી હાંસીનો જવાબ એ બાળકે છેલ્લી પલે આપ્યો. મશ્કરી કરનાર નગરરાજ સતો જ્યાંથી જીવ લઈને ઘરભેળો થઈ ગયો હતો તે જ જુદ્ધમાં, મશ્કરી કરનાર રાજાએ પોતે જ નોતરેલા જુદ્ધમાં એ મશ્કરીનું પાત્ર બનેલ માડીનો પુત્ર નાગડો પોતે વાંસે ઊભાં ઊભાં ધાવેલ ધાવણનો હિસાબ આપતો પડ્યો હતો.

સમરાંગણ ! તને નહિ ભૂલી શકું, એ ઘોર ઘટનામાંથી ફક્ત આ બે જ પ્રસંગોની જાળવણી કરનારા સોરઠી વાર્તાકારોમાં કલાદૃષ્ટિ ઊંચા પ્રકારની હોવી જોઈએ.

કહો કોણ નારી !

સમસ્યાઓનો તે કેટલો બધો શોખ આ સોરઠીજનોને ! બાળઉખાણાંમાં સમસ્યા, વાર્તાઓમાં સમસ્યા, લગ્નગીતોમાં સમસ્યા, વાતવાતમાં